Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૩૯૧ સર્જનશક્તિ કામે લાગે છે, ત્યાં જોઈ શકાશે કે અલંકાર માટે તેમણે જુદો કે વિશેષ આયાસ કરવો પડતો નથી. સર્જનની ઉત્તમ પળોમાં અલંકાર તેમણે ત્યાં સ્વતઃ ઉદ્દભૂત થાય છે. વ્યક્ત થવા મથતી અનુભૂતિ તેઓશ્રી સમક્ષ જાણે પોતાની સુંદર શબ્દાકૃતિની માગણી કરતી આવે છે; ધ્વનિ, રસ તથા અલંકારનું અજબ રીતે સંયોજન થાય છે અને અનુભૂતિની પૂર્ણ સુચારુ આકૃતિ તેમના યોગબળ વડે જન્મ પામે છે.
| ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં વપરાયેલ અલંકારના પ્રકાર, તેનાં લક્ષણ વગેરે વિશેષતાઓને હવે વિચારીએ.
અલંકારના બે વિભાગ છે - શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારમાં શબ્દના આધારે ચમત્કૃતિ પ્રગટે છે, જ્યારે અર્થાલંકારમાં શબ્દના અર્થના આધારે ચમત્કૃતિ સધાય છે. શબ્દાલંકારમાં વપરાયેલા શબ્દને બદલે તેના સ્થાને જો તેનો પર્યાયવાચી શબ્દ વાપરવામાં આવે તો અલંકાર ટકી શકતો નથી, જ્યારે અર્થાલંકારમાં એમ કરવા છતાં પણ અલંકાર બહુધા ટકી રહે છે. (૧) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રયોજાયેલા શબ્દાલંકાર
શબ્દાલંકારમાં ભલે શબ્દના અર્થનું મહત્ત્વ નથી, પણ તેનું તત્ત્વસર્જનમાં મહત્ત્વ અનેક જગ્યાએ કાંઈ ઓછું નથી. શ્રીમદે પણ અત્યંત સાહજિકતાથી, ઔચિત્યથી, સુરેખતાથી શબ્દાલંકારને પ્રયોજ્યા છે. તેમના કાવ્યસર્જનમાં વર્ણ અને શબ્દ એવી સરસ રીતે પ્રયોજાય છે કે તેમાંથી આપોઆપ કવિતાનું સંગીત પ્રગટ થાય છે. આ અંતનિહિત કાવ્યસંગીત કાવ્યના ભાવવિશેષનો, તેના માધુર્યનો તાદશ પ્રતિઘોષ પાડે છે અને તેથી જ ગુજરાતી ભાષાનું કે અધ્યાત્મનું વિશેષ જ્ઞાન નહીં ધરાવનારના હૃદયને પણ શ્રીમદ્દનાં કાવ્યો અત્યંત ઋજુતાથી હરી લે છે.
શબ્દાલંકાર ત્રણ પ્રકારના છે – ૧) વર્ણાનુપ્રાસ – વર્ણ એટલે અક્ષર. જ્યારે એકનો એક વર્ણ (સ્વર કે વ્યંજન) એક પંક્તિમાં વારંવાર આવે ત્યારે તેનું જે અનુરણન થાય છે, તેનાથી ધ્વનિમાધુર્ય સધાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની અનેક ગાથાઓમાં વર્ણાનુપ્રાસ પ્રયોજાયેલો છે, જેમાંથી થોડાં દૃષ્ટાંત જોઈએ –
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. (૩) આવે જ્યાં એવી દશા, સદ્દગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” (૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org