Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને મધ્યસ્થપણે - જ્ઞાનીની વિશાળ દષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. કુળધર્મનો આગ્રહ વગેરે વિરોધ ટાળીને, અવિરોધ તત્ત્વને સમજાવતી આ અપૂર્વ રચનામાં આત્મા વિષે જે વાત જણાવી છે તે માન્ય કરવા યોગ્ય છે, શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેને મહાવિનયથી વાંચી, તેનો અભ્યાસ કરી, તેમાં જણાવેલા ભાવો પોતાના જ્ઞાનમાં ઉતારવા માટે પુરુષાર્થ કરવાની જરૂર છે. જે જીવો તે વાણીને હૃદયથી ભાવપૂર્વક વાંચે છે - સાંભળે છે, મધ્યસ્થ થઈને વારંવાર તેનું ઘોલન કરે છે; તે અનંત દુઃખમાં કારણભૂત એવા મહામોહને છેદી, અનંત સમાધિસુખને પામે છે. જે મુમુક્ષુઓ આ ગ્રંથમાં પ્રતિપાદિત થયેલા ભાવો વિચારશે, તે ભાવો આત્મામાં વણાઈ જાય ત્યાં સુધી પુરુષાર્થ કરશે, તેઓ અવશ્ય આત્મસિદ્ધિને પામશે.
આવા અર્થગંભીર ગ્રંથનું વિવેચન કરવું એ ખરેખર સમુદ્રને કળશથી ઉલેચવા જેવું દુર્ઘટ કાર્ય છે. શ્રીમદ્ જેવા મહાન આત્માની અપ્રતિમ કૃતિનું વિવેચન કરવું તે ગજા ઉપરાંતનું કાર્ય છે. છતાં બાળક પણ બે હાથ પહોળા કરી સમુદ્ર આવડો મોટો છે એમ શું નથી કહેતો? તેમ શ્રીમની અનન્ય કૃપાના બળ વડે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિવેચનનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. ગાથામાં રહેલા સૂક્ષ્મ ગંભીર આશયોને વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મુમુક્ષુઓને તે તે વિષયનું સ્પષ્ટ સૂક્ષ્મ જ્ઞાન થઈ અપૂર્વ અર્થ દૃષ્ટિગોચર થાય અને તેઓ વિશેષ પુરુષાર્થ કરવા પ્રેરાય તે અર્થે ગાથાઓમાં સમાયેલ અર્થ-આશય યથામતિ યથાશક્તિ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. દરેક વિષયની અનેક દૃષ્ટિકોણથી છણાવટ કરીને, દૃષ્ટાંતો આપીને, ન્યાય દ્વારા સમર્થિત કરીને પરમાર્થ સ્કુટ કરવાનો પ્રયત્ન કર્યો છે. વળી, વિવેચનને શ્રીમદ્રના પત્રોના આધારે સમર્થિત કરી, તેનો યથાસંભવ વિસ્તાર કર્યો છે. મહાન આચાર્યોનાં શાસ્ત્રવચનોના સુદઢ આધારે ગાથાના સંદર્ભમાં થયેલી વિચારણા પ્રમાણિત કરી છે. છતાં પરમ પુરુષ શ્રીમની પરમ ઓજસ્વી કૃતિનો માત્ર સ્થૂળ ખ્યાલ જ આપી શકાયો છે એવી પૂરી સભાનતા સાથે આ વિવેચનની પૂર્ણાહુતિ થઈ છે. હજુ તો ઘણી ઘણી આત્મલક્ષી વિચારણા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી રહી શકાય તેમ છે એ નિઃસંશય છે.
તત્ત્વજ્ઞાનગર્ભિત, આત્મલક્ષી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આધ્યાત્મિક સાહિત્યનું અણમોલ રત્ન છે. શ્રીમદે જે અનન્ય, લાક્ષણિક, વિશિષ્ટ શૈલીથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું સર્જન કર્યું છે, તે આશ્ચર્યનું આશ્ચર્ય છે, પરમ શોભારૂપ છે, સમસ્ત આધ્યાત્મિક વાભયમાં અપ્રતિમ છે. પદે પદે આત્માનો અનન્ય મહિમા વિસ્તારતી અને આત્મસિદ્ધિ કરાવતી આ કૃતિનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નામાભિધાન આત્માર્થી મુમુક્ષુઓને પરમોચિત જ જણાશે. આ કૃતિ મુમુક્ષુ જીવોને પરમ અવલંબનરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org