Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. દેશ-કાળાદિને અનુસરીને વેષ, વ્રત વગેરેમાં ભેદ પડે છે, પરંતુ આત્માના જ્ઞાનાદિ ગુણોની નિર્મળતા થવાથી મોક્ષ થાય છે એ વાતમાં કોઈ ભેદ નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતા એ જ પરમાર્થથી મોક્ષમાર્ગ છે, એમાં કોઈ ભેદ નથી; અને તેથી જેઓ વસ્ત્ર-વ્રત વગેરેનો આગ્રહ કરે છે, તેઓ મૂળમાર્ગથી વિમુખ રહે છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી એ જ જિનનો માર્ગ છે. જ્ઞાનીઓએ મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો યથાર્થ માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને જ કહ્યો છે. સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન એવી સ્વપરપ્રકાશક શુદ્ધ ચૈતન્યસત્તાની યથાર્થ શ્રદ્ધા, તેનો યથાર્થ બોધ અને તેમાં સ્થિરતા એ જ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી શુદ્ધ આત્માના આશ્રયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપસ્થિરતાની પ્રાપ્તિ થાય છે. ૧
આત્મા સ્વભાવે પરમાત્મા હોવા છતાં તે પોતાનું પરમાત્મસ્વરૂપ ભૂલી બેઠો છે અને તેથી તેની પર્યાયમાં હજુ પામરતા છે. આ પર્યાયગત પામરતાને સમાપ્ત કરવાનો અને સ્વભાવગત પ્રભુતાને પર્યાયમાં પ્રગટ કરવાનો એકમાત્ર ઉપાય છે રત્નત્રયરૂપ ધર્મ, સ્વભાવગત પ્રભુતાનો બોધ, તેની સ્વીકૃતિ અને તેમાં જ રમણતા તે જ રત્નત્રયરૂપ ધર્મ છે. સ્વભાવગત પ્રભુતાની ઓળખાણ, તેની શ્રદ્ધા તથા સ્વભાવસન્મુખ થઈને સ્વભાવમાં સ્થિરતા તે રત્નત્રયરૂપ ધર્મનું સમ્યક સ્વરૂપ છે. પર્યાયની પામરતાનું ચિંતન એ પર્યાયની પામરતા નાશ કરવાનો ઉપાય નથી, પણ સ્વભાવના સામર્થ્યનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન એ યથાર્થ ઉપાય છે. આ રત્નત્રયથી પૂર્ણપરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. આચાર્યશ્રી શુભચંદ્રજી લખે છે કે જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર આ અખંડિત રત્નત્રયને સમ્યક્ પ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને જશે.
જિનનો રત્નત્રયરૂપ મૂળમાર્ગ કેવળ આત્મપરિણામરૂપ હોવાથી આધ્યાત્મિક માર્ગ છે, અંતરંગ માર્ગ છે. મોક્ષમાર્ગ અંતરમાં છે, બહારમાં નથી. શરીરની ક્રિયામાં આત્માની મુક્તિનો માર્ગ નથી. પરમાત્મદશા બહારથી નથી આવતી, પણ આત્મામાંથી જ પ્રગટે છે અને તેનો આધાર આત્મા જ છે. જ્ઞાનાનંદદશા પ્રાપ્ત કરવાનું સાધન ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૪, શ્લોક ૧૪
'दर्शनं निश्चयः पुंसि बोधस्तरोध इष्यते ।
स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः ।।' ૨- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ગ ૧૮, શ્લોક ૨૩
'ये याता यान्ति यास्यन्ति यमिनः पदमव्ययम । समाराध्यैव ते नूनं रत्नत्रयमखण्डितम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org