Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૫
૧૯૯
જ્ઞાનીની આજ્ઞાથી અવશ્ય કલ્યાણ થશે એવી પ્રતીતિ થાય અને જીવ નિશ્ચય કરે કે મારે જ્ઞાનીની આજ્ઞાએ જ વર્તવું છે, તેમણે કહેલું સર્વ સમ્મત કરવું છે' તો જ તે મોક્ષમાર્ગે પ્રગતિ કરી શકે છે. જ્ઞાની પાસેથી જે બોધ શ્રવણ કરે, તેમાંથી પોતાને જચે તેટલું માને અને બીજી વાત ન માને તો તે જીવે જ્ઞાનીનું કહેલું સર્વ સમ્મત કર્યું નથી, પણ તેણે પોતાનો સ્વચ્છંદ જ પોષ્યો છે. જ્ઞાનીએ માન્ય કરેલું સર્વ માન્ય કરવામાં જો જીવ કશે પણ પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદ પોષે તો તેણે જ્ઞાનીને યથાર્થપણે ઓળખ્યા જ નથી.
સદ્ગુરુને જે સમ્યક્ લાગે તે પોતાને પણ સમ્યક્ લાગે તો જ તે યથાર્થ અનુયાયીપણું છે. પોતાની ઇચ્છા પણ રાખવી હોય અને ગુરુની ઇચ્છા પણ પાળવી હોય, એ કંઈ સાચું શિષ્યપણું નથી. જ્યારે પોતાની ઇચ્છા સાથે સદ્ગુરુની આજ્ઞા મળતી આવે ત્યારે આજ્ઞાપાલન અત્યંત ઉત્સાહથી ત્વરાથી થાય, પણ જ્યારે તેમની આજ્ઞા પોતાની ઇચ્છાથી જુદી પડે ત્યારે વિલંબ, નારાજગી, બહાનાબાજી આવી જાય એ કંઈ યથાર્થ શરણાગતિ નથી. સદ્ગુરુના શરણનો યથાર્થપણે સ્વીકાર કર્યો ત્યારે જ કહેવાય જ્યારે પોતાની ઇચ્છાઓનો, આગ્રહોનો ત્યાગ થાય.
-
પોતાના સર્વ મિથ્યાગ્રહોને ત્યજી, પોતે કંઈ જાણતો નથી એમ પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરે તથા સ્વચ્છંદ અને પ્રમાદથી રહિત થઈ, સદ્ગુરુની આજ્ઞાનું એકનિષ્ઠાએ આરાધન કરતાં જીવનું કલ્યાણ નિશ્ચિત છે. જેને પોતાના અજ્ઞાનનું ભાન ન હોય, તેને સદ્ગુરુની આજ્ઞાનું માહાત્મ્ય સમજાતું નથી. જે પોતાના અજ્ઞાનનો સ્વીકાર ન કરી શકે, તે આજ્ઞારાધનમાં એકનિષ્ઠ ન રહી શકે. પરંતુ જીવ એ માનવા તૈયાર નથી થતો કે તે કંઈ નથી જાણતો. ‘હું કાંઈ નથી જાણતો' એમ દૃઢપણે સ્વીકારીને જ્યારે તે સદ્ગુરુના ચરણોમાં સમર્પિત થાય છે, તેમના ચીંધેલા માર્ગે આગળ વધે છે ત્યારે કાર્ય થાય છે.
સાચો અનુયાયી મેં જે માન્યું એ જ સાચું' એવો આગ્રહ રાખી, પોતાની માન્યતાને યેનકેનપ્રકારે વળગી નથી રહેતો. તે પોતાનો આગ્રહ છોડી સદ્ગુરુની આજ્ઞાનું અનુસરણ કરે છે. તે તો સદ્ગુરુને આધીન વર્તવામાં જ આનંદ અનુભવતો હોય છે. તે સદ્ગુરુને આધીન રહેવામાં બંધન નથી અનુભવતો. પોતાના દોષો વિલય કરવાના શુદ્ધ હેતુથી જે ખપી જીવ સદ્ગુરુનો સંગ સેવે છે, તે તો સદ્ગુરુની આજ્ઞામાં સ્વહિતની સિદ્ધિ જોતો હોવાથી પ્રસન્ન ચિત્તે આજ્ઞાનું આરાધન કરે છે. દરેક આજ્ઞામાં પોતાનો વિકાસ જ છે એમ દૃઢપણે સમજાયું હોવાથી તે આજ્ઞાની આરાધના હર્ષોલ્લાસ સહિત કરે છે. આવા જીવની પ્રગતિ ત્વરાથી થાય છે. પોતાનો એક એક દોષ કેટલી ત્વરાથી ઘટી-ટળી રહ્યા છે એ જોઈ તે પ્રસન્ન રહે છે. તેના જીવનનું એક એક પ્રકરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org