Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૯
૩૦૧ જાગરૂક થઈ જાય છે. તેઓ પ્રત્યેકના અસ્તિત્વનો આદર કરે છે. તેઓ અસ્તિત્વમાત્ર પ્રત્યે એટલા સંવેદનશીલ થઈ જાય છે કે પ્રત્યેક જીવ સાથેની એક નવી મિત્રતા પ્રગટે છે. એક નવા જ પ્રકારનો મૈત્રીભાવ - વૃક્ષોની સાથે, પક્ષીઓની સાથે, પશુઓની સાથે, પર્વત અને પાણી સાથે! તેમનું અંતઃકરણ એટલું કોમળ બની જાય છે કે તમામ હિંસા આપોઆપ અટકી જાય છે. તેઓ સર્વનાં સુખ-દુઃખ પ્રત્યે અંતરથી સભાન બને છે. એક પ્રગાઢ પ્રેમ તેમની અંદર ઊછળે છે કે જે પહેલાં કદી જાણ્યો ન હતો. એ પ્રેમ તેમને સમગ્રપણે ભરી દે છે. આ પ્રેમ સર્વ ઉપર વરસે છે. પુરસ્કાર કે પ્રશસ્તિની કોઈ પણ આશા વગરનો આ અકારણ પ્રેમ સર્વ પ્રત્યે સભાનપણે વહે છે. એ બદલામાં કોઈની પણ પાસે કંઈ પણ માંગતો નથી. એ તો માત્ર આપવાને તત્પર રહે છે. સમસ્ત જગતને પ્રેમ કરતા હોવા છતાં જ્ઞાની જગતમાં કોઈની પણ સાથે બંધાતા નથી. તેઓ છૂટા ને છૂટા જ રહે છે.
જ્ઞાની પુરુષને કોઈ ગાળો ભાંડે તો પણ તેને માટે તેમને પ્રેમ જ હોય છે. કોઈ તેમનું અપમાન કરે તો પણ તેમને તે વ્યક્તિ નિર્દોષ લાગે છે. તેમની દૃષ્ટિ તેના શુદ્ધાત્મા ઉપર હોય છે, બહારના રૂપ કે પર્યાય ઉપર નથી હોતી. પોતાના શુદ્ધાત્માનું ભાન થયું હોવાથી અન્યમાં તેમને શુદ્ધાત્માનાં જ દર્શન થાય છે, તેથી તેઓ આખા જગતને નિર્દોષ જુએ છે. તેમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું નથી, સર્વ તેમને નિર્દોષ લાગે છે. સ્વયંની દષ્ટિ નિર્દોષ થઈ હોવાથી આખું જગત તેમને નિર્દોષ લાગે છે. જેની દૃષ્ટિ અન્યની પર્યાય ઉપર હોય છે તેને અન્યમાં દોષ દેખાય છે, પણ જ્ઞાનીની દૃષ્ટિ અન્યના દ્રવ્ય ઉપર હોવાથી તેમને તે નિર્દોષ લાગે છે.
જ્ઞાનીને દઢ થયું હોય છે કે ‘સારભૂત પદાર્થ મારું સ્વરૂપ જ છે. અન્ય બધા પદાર્થો મારાથી નિરાળા છે. તે બાહ્ય પદાર્થો પોતાની જ પરિણતિથી રહે છે. તે પદાર્થો નિરંતર પરિણમન કર્યા કરે છે. એનું કામ એનામાં છે. એમાં મારું કંઈ ભલું થવાનું નથી કે બૂરું થવાનું નથી. એના પરિણમનથી મને રંચ પણ લાભ-નુકસાન નથી. એમાં જરા પણ પ્રીતિ કરવા યોગ્ય નથી. મારું સહજ ચૈતન્યસ્વરૂપ જ અવલંબનભૂત છે.' આવો નિશ્ચય થયો હોવાના કારણે તેઓ બાહ્ય પદાર્થો પ્રત્યે દૃષ્ટિ કરતા નથી. તેઓ સંયોગોમાં થતા ફેરફારથી વિચલિત થતા નથી. તેઓ પુદ્ગલકૃત ક્ષણભંગુર અવસ્થાઓ કે બાહ્ય પરિસ્થિતિઓમાં આવતાં અનિવાર્ય પરિવર્તનોના કારણે દીનતા, વ્યાકુળતા અનુભવતા નથી.
જ્ઞાની જે પણ પરિસ્થિતિ હોય તેનો સ્વીકાર કરે છે. તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરતા નથી. તેઓ સતત સ્વીકારભાવ સાથે જીવે છે. તેમના હૃદયની દરેક ધડકનનો અર્થ શાંત અને પૂર્ણ સ્વીકાર હોય છે. તેમના પ્રાણોના કોઈ પણ હિસ્સામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org