Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૯
૩૦૯
સત્પુરુષે તેની પ્રભુતા બતાવી કે ‘જ્ઞાન, દર્શન, સુખ, શાંતિ બધું તારી પાસે જ છે'; પણ યથાર્થ પ્રતીતિના અભાવે તેની પરાશ્રયવૃત્તિ
માંગણબુદ્ધિ છૂટતી નથી.
-
શુષ્કજ્ઞાની સત્પુરુષોનો બોધ વિસારી પરને ભેગું કરવાની ચેષ્ટા કરે છે. તે સ્વયંનું લક્ષ કરતો નથી અને બહારથી સુખ ભેગું કરવા ફાંફાં મારે છે. તે સ્વયં પ્રત્યે બોધપૂર્ણ થવાને બદલે બાહ્ય પદાર્થો પાછળ પડે છે. ઉપયોગને અંતર્મુખ કરવાને બદલે તે ઉપયોગને બહાર ભમાવે છે. અંતરંગ કાર્ય કરવાનું રહી જાય છે અને ઉપયોગ નિરંતર બહાર ભમતો રહે છે. તેનો ઉપયોગ કુબુદ્ધિના રવાડે ચઢી આરંભ, પરિગ્રહ, ઇન્દ્રિયભોગાદિમાં ભટકતો રહે છે.
શુષ્કજ્ઞાની પોતાની સ્વાભાવિક વિરાટતા પ્રત્યે સભાન થતો નથી અને સુખ-શાંતિ માટેના વ્યર્થ પ્રયાસોમાં સરી પડે છે. તેને બાહ્ય પદાર્થોની પ્રાપ્તિની તૃષ્ણા જાગે છે અને તે પૂરી કરવા તે સ્વયંથી ખૂબ દૂર થતો જાય છે, જેના પરિણામે તે દુઃખ અને અશાંતિ પામે છે. જીવ સ્વયંથી જેટલો દૂર જાય છે, સુખ-શાંતિથી પણ એટલો જ દૂર થાય છે. જેનું ચિત્ત તૃષ્ણાના વમળમાં ફસાઈને તણાતું જાય છે, તેને સુખ-શાંતિ મળવાં શક્ય નથી. તે પોતે પોતામાં રહેતો નથી અને સુખ-શાંતિ તો સ્વયંમાં રહેવાનું જ ફળ છે. સ્વયંમાં હોવું એટલે જ સ્વસ્થ હોવું. જે સ્વયંમાં નથી તે અસ્વસ્થ છે. તૃષ્ણાનો જ્વર તેના જીવનને વિષમય બનાવે છે.
કોઈ પણ બાહ્ય પદાર્થની પ્રાપ્તિથી તૃષ્ણા નાશ નથી પામતી. તૃષ્ણાપૂર્તિની એક યોજનામાં સફળતા મળે કે તરત બીજી કોઈ તૃષ્ણા ઊઠે છે. જે બાહ્ય પદાર્થની પ્રાપ્તિ સંતોષજનક લાગતી હતી, તે પ્રાપ્તિ જ બીજી નવી તૃષ્ણાની જન્મદાત્રી સિદ્ધ થાય છે. તૃષ્ણાયુક્ત જીવને મળતી દરેક સફળતા આત્મઘાતી છે, કારણ કે તે તૃષ્ણાની અગ્નિમાં ઘીનું કામ કરે છે. સફળતા આવે છે, પણ તૃષ્ણા જતી નથી અને તેથી પહેલાં કરતાં પણ વધુ મોટી સફળતાઓ મેળવવી આવશ્યક થઈ પડે છે. પહેલાની તૃષ્ણા કરતાં પણ પ્રબળ તૃષ્ણા જાગે છે અને આમ તૃષ્ણા વધતી જ જાય છે. ક્વચિત્ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ થઈ જાય તોપણ કામનાની તો વૃદ્ધિ જ થાય છે, કારણ કે કામનાનો અંત તો અંતરમાં જવાથી જ આવી શકે છે. જો અંતરનું અવલંબન લેવામાં ન આવે તો જીવ કામનાના અંતહીન ચક્કરમાં ઘૂમ્યા કરે છે. તેના ઉપર ચાલવાથી તો કશે જ પહોંચાતું નથી. માત્ર થાકીને મરી જવાય છે. પરંતુ શુષ્કજ્ઞાની જીવ કામનાના પથ ઉપર ચાલ્યા કરે છે. કામનાની ઉત્પત્તિ-પૂર્તિ, ઉત્પત્તિ-પૂર્તિ એમ અંતહીન ચક્કર ચાલ્યા જ કરે છે. એક પળ માટે પણ અટકીને તે વિચાર કરતો નથી કે પોતે સુરેખ માર્ગ ઉપર છે કે ચક્રાકાર માર્ગ ઉપર?
સાધક જીવ આ ભ્રમણને સમજી પોતાની ચિરનિદ્રામાંથી જાગી જાય છે. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org