Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૪૬
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે નિરંતર આંટાફેરા મારતી રહે છે. તે આગળ-પાછળ, ઉપર-નીચે કરતી રહે છે. તેને
ક્યાં જવું છે? શા માટે જવું છે? ત્યાં જઈને શું કરવું છે? - કંઈ ખબર હોતી નથી. તે રસ્તો ઓળંગવા જાય તોપણ થોડી આગળ જઈ, અડધેથી પાછી વળી જાય છે. આવી ખિસકોલી સમાન વૃત્તિવાળો જીવ ખૂબ ચંચળ હોય છે, સતત અનિર્ણયાત્મકતાથી પીડાતો હોય છે. તેને જીવનમાં કશું જ ઉપલબ્ધ થતું નથી. ‘વાર્થ સાધયાર વા દ્રઢ પતયાનિ - કાં તો કાર્ય સાધીશ, નહીં તો દેહ પાડીશ - એવો નિશ્ચય કરનાર જ કાર્યસિદ્ધિ કરી શકે છે. હમણાં થોડો વ્યાપાર કરી લઉં અને પછી આત્મકલ્યાણનું કાર્ય કરીશ' એમ વિચારનારને મોક્ષપ્રાપ્તિ થતી નથી. આવા વાયદા કરનારને આત્માની ઓળખાણ થતી નથી. જેને આત્મકલ્યાણની ઝંખના જાગી છે તે ક્યારે પણ ‘કાલે કરીશ' એવા વાયદા નથી કરતો. પરંતુ જેને આત્મપ્રાપ્તિની ગરજ નથી જાગી તે બહાનાં આપતો રહે છે કે “મને આત્માની રુચિ તો ઘણી છે, પરંતુ સંસારની ફરજોમાંથી સમય બચે તો કંઈક કરુંને!' “જીવન ખૂબ વ્યસ્ત છે, પ્રવૃત્તિઓની આ વણઝારમાંથી શુદ્ધાત્માની શોધનો સમય ક્યાંથી કાઢવો?' આવું કહી તે મોક્ષના ઉપાયમાં પ્રવર્તતો નથી.
વળી, કેટલાક લોકો એમ કહે છે કે “અનાદિકાલીન મિથ્યા માન્યતા આટલી જલદી કઈ રીતે તૂટી શકે? તેને તોડવું એ કાંઈ સરળ કામ છે?' પરંતુ અનાદિકાલીન મિથ્યાત્વને તોડવા માટે કંઈ અનંત કાળ લાગતો નથી. તે તો અલ્પ કાળમાં તોડી શકાય છે. જો જીવ દઢ નિશ્ચય કરી લે તો મિથ્યાત્વ જલદી તૂટી શકે છે. મિથ્યાત્વભાવનો નાશ કરવામાં સર્વથી મોટી બાધા તો મિથ્યાત્વ તોડવું કઠિન છે' - એવી માન્યતા છે. આ માન્યતા જ મિથ્યાત્વને જીવિત રાખે છે.
અનાદિનું મિથ્યાત્વ છે જ શું? મિથ્યાત્વ તો પ્રતિસમય નવીન ઉત્પન્ન થાય છે. અને બીજા સમયે સ્વયં નાશ પણ પામે છે. એક સમય પહેલાંનું મિથ્યાત્વ પણ બીજા સમયે આત્માની સાથે રહી શકતું નથી. અનાદિ તો તેને સંતતિપ્રવાહની અપેક્ષાએ કહેવાય છે. પ્રત્યેક સમયે નવું નવું મિથ્યાત્વ ઉત્પન્ન કરી કરીને અનાદિ કાળથી મિથ્યાત્વ અવસ્થામાં રહેવાનું થયું છે, પરંતુ વાસ્તવમાં દરેક મિથ્યાત્વભાવની સત્તા તો માત્ર એક સમયની જ છે. કોઈ પણ પર્યાય એક સમયથી અધિક ટકી જ નથી શકતી, તેથી મિથ્યાત્વની કાળમર્યાદા પણ માત્ર એક સમયની જ છે.
‘જીવ અનાદિથી મિથ્યાત્વને વશ છે' એ વાત સત્ય હોવા છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે મિથ્યાત્વ અનાદિનું નથી. તે તો પ્રતિસમય બદલાતું જ રહે છે. તેથી સમસ્યા માત્ર એક સમયના મિથ્યાત્વના નાશની જ છે. પણ અજ્ઞાની જીવ અનાદિકાલીન મિથ્યાત્વ' એમ કહી કહીને એનો મહિમા પોતાના ચિત્તમાં એટલો વધારી દે છે કે પછી એને તોડવાની હિંમત જ નથી થતી. અનાદિ કાળના મિથ્યાત્વનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org