Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૪૭
વિલય કરવામાં કેટલો બધો પ્રચંડ પુરુષાર્થ જોઈશે આ ખ્યાલથી જ એનામાં નિરાશા વ્યાપી જાય છે, પરંતુ જો ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો સમજાય કે આ વાતમાં કંઈ જ દમ નથી.
ગાથા-૧૪૧
-
વળી, મિથ્યાત્વનો નાશ કરવા માટે જીવે કંઈ જ કરવાની જરૂર નથી, કારણ કે તે તો પછીના સમયમાં સ્વયં જ નષ્ટ થઈ જાય છે. આવશ્યકતા માત્ર એટલી જ છે કે જીવ હવે, બીજા સમયે નવું મિથ્યાત્વ ઉત્પન્ન ન થવા દે. તે માટે સ્વયંમાં એકત્વનું સ્થાપન કરવાનું છે. પોતામાં પોતાપણું સ્થાપવાનું છે, સ્વયંમાં સ્થિત થવાનું છે. આ જ મિથ્યાત્વના નાશનો એકમાત્ર ઉપાય છે. મિથ્યાત્વના નાશની એકમાત્ર કળા છે. જેને આ કળા પ્રાપ્ત થઈ ગઈ, તેનું મિથ્યાત્વ નષ્ટ થઈ જાય છે. મિથ્યાત્વના નાશ માટે જીવે પોતાના આત્માને ઓળખવો જોઈએ.
આત્માના શુદ્ધ ચિદાનંદસ્વભાવને અનાદિથી જીવે ઓળખ્યો નથી અને તે કારણે તે દુઃખી, અશાંત, વિકારી છે; પરંતુ આ દુ:ખ, અશાંતિ, વિકાર હોવા છતાં પણ આજ સુધી આત્મસ્વભાવને કોઈ ક્ષતિ પહોંચી નથી. જેમ હીરાની કિંમત ખબર ન હોય તોપણ હીરાને કોઈ હાનિ થતી નથી, તેમ આત્માને જાણ્યો નથી તેથી આત્મદેવને કોઈ ક્ષતિ પહોંચી નથી. જો કોઈ હીરાની કિંમત ન જાણે તો હીરો ઓછી કિંમતનો નથી થઈ જતો, એની કિંમત તો જે છે તે જ રહે છે, પણ એ સત્ય છે કે કિંમત ન જાણનારને તેનાથી લાભ થતો નથી અને જાણનારને જરૂર લાભ થાય છે.
આજ સુધી આત્મસ્વભાવની અવગણના થઈ, પરંતુ તેની ક્ષતિપૂર્તિ માટે આત્મસ્વભાવમાં કંઈ નથી કરવાનું, કારણ કે તેમાં ખરેખર કંઈ થયું જ નથી. તેમાં કોઈ ક્ષતિ થઈ જ નથી. ક્ષતિ તો ન જાણવાવાળી અને મિથ્યા જાણવાવાળી પર્યાયમાં થઈ છે. જ્યાં ક્ષતિ થઈ છે ત્યાં કાર્ય કરવાનું છે, તેથી કાર્ય પર્યાયમાં કરવાનું છે, આત્મસ્વભાવમાં કંઈ જ કરવાનું નથી. તેને તો માત્ર જાણવાનો છે, તેના સાચા સ્વરૂપમાં જાણવાનો છે, તેની સાચી કિંમત સમજવાની છે, તેના મહિમાથી પરિચિત થવાનું છે.
Jain Education International
આત્માને તો હીરાની ઉપમા આપવામાં આવે જ છે, પરંતુ આત્મપ્રાપ્તિની સાધનાના સર્વોત્તમ અવસર એવા માનવજીવનને પણ હીરાની ઉપમા આપવામાં આવે છે. અજ્ઞાની જીવ આ મનુષ્યભવરૂપી હીરાને પ્રાપ્ત કરીને પણ તેની કોઈ કિંમત નથી કરતો, વિષય-કષાયમાં, માન-મોટાઈમાં જ તેને વ્યતીત કરી નાખે છે. મનુષ્યભવની એક એક ક્ષણ અત્યંત કિંમતી છે, તેને તે વેડફી નાખે છે. આત્માની ઓળખાણ નહીં કરીને તે પોતાનું મહાનુકસાન કરે છે. જે જીવ માનવદેહ પામીને પણ આત્માની ઓળખાણ નથી કરતો, તે જીવ હીરા જેવા મનુષ્યદેહની કિંમત કોડીની કરી નાખે છે. શ્રીમદ્ લખે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org