Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૧
૩૪૫
ઉપેય મોક્ષને અવશ્ય સાધે જ, - આ ત્રણે કાળમાં ન ચળે એવો નિશ્ચયરૂપ નિશ્ચળ અખંડ સિદ્ધાંત છે.”૧
જે જીવ પાંચ સ્થાનક વિચારીને મોક્ષના ઉપાયરૂપ છઠ્ઠા સ્થાનકે પ્રવર્તે છે તે જીવ અવશ્ય મોક્ષપદરૂપી પંચમ સ્થાનકને પામે છે. જીવ જો સમજે તો સહજમાં મોક્ષ છે, પણ જો દિશામૂઢ થઈ વર્તે તો કોઈ ઉપાય નથી. જીવ જો મોક્ષનું ધ્યેય બાંધી મહેનત કરે તો તેને મોક્ષ મળે છે, પરંતુ જો તે દિશામૂઢ રહી સંસારને ઉપાસે તો તે મોક્ષ મેળવવામાં નિષ્ફળ જ રહે છે. જેમ માળો બાંધવા માટે ચકલી વાદળાનું ધ્યેય બાંધે તો તે કદાપિ માળો બાંધી જ નહીં શકે. એ ગમે તેટલો વખત, ગમે તેટલી મહેનત કરે તો પણ તે નિષ્ફળ જ રહે એ સમજાય એવી વાત છે. પરંતુ જો તે ધ્યેય બદલી નાંખી, પર્વતના શિખર ઉપર માળો બાંધવાનું લક્ષ કરે તો તેના મનોરથ જરૂર સફળ થાય. પર્વતના શિખર ઉપર તે માળો બનાવી શકે છે. એમ જો જીવ ખોટી દિશામાં મહેનત કરે તો તે નિષ્ફળ જાય છે, પણ જો એ સાચી દિશા બાંધી પુરુષાર્થ આદરે તો તેને અવશ્ય મોક્ષ મળે છે.
મોક્ષપ્રાપ્તિના માર્ગે પ્રયાણ કરવા માટે જીવને આત્મકલ્યાણની પ્રબળ ઇચ્છા હોવી જરૂરી છે. ઇચ્છા વિના વીર્ય પ્રગટતું નથી. સાચી ઇચ્છા હોય તો જ પાંચ પદનો વિચાર થાય અને મોક્ષનો ઉપાય કરવાનો નિશ્ચય થાય. ઇચ્છા બળવાન હોય તો જીવ પાંચ પદની વિચારણા તથા મોક્ષનો ઉપાય કરે જ છે. જીવ આત્માની શુદ્ધતા ઇચ્છે, જોર કરીને રુચિ બદલે તો રુચિની દિશા બદલાતાં પોતાની દશા બદલાઈ જાય છે અને અપૂર્વ મોક્ષદશા પ્રગટે છે.
આત્માની જ રુચિ હોય તો પુરુષાર્થનું વલણ તે તરફ થયા વિના રહે જ નહીં. જેને આત્મદષ્ટિ કેળવવાની રુચિ થાય છે તેની સાધના રુચિના બળે આગળ ધપતી રહે છે. જેને જેની જરૂરિયાત લાગે છે, તેને તેની જ રુચિ થાય છે. પોતાના પ્રાણથી પણ વધારે જેને આત્મપ્રાપ્તિની જરૂરિયાત લાગે છે, તેને જાગૃતિમાં તો શું, સ્વપ્નમાં પણ તેના જ તરંગ ઊઠે છે. તેને બીજું બધું જ દખલરૂપ લાગે છે. અન્યમાં તેનું ચિત્ત ચોંટી શકતું નથી. આત્મપ્રાપ્તિ વિના તેને બીજે કશે પણ સુખ લાગતું નથી. તેને બીજું કાંઈ ગમતું નથી. તેને આત્માની બહુ ખોટ જણાય છે.
જીવે આત્માને મેળવવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ. દઢ સંકલ્પના અભાવના કારણે જીવ સાધનાના પંથે પાછો પડે છે, નિષ્ફળ જાય છે. જેનો સંકલ્પ મોળો હોય, ઢીલો હોય, નિર્બળ હોય તે સફળ થતો નથી. તેની વૃત્તિ ખિસકોલી જેવી હોય છે. ખિસકોલીની વૃત્તિમાં આનાકાની અને અનિશ્ચિતતા હોય છે, ભય અને શંકા હોય છે. ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૭૧-૫૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org