Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૦
૩૧૫ જે આનંદ કોઈ કારણ વિનાનો હોય, જેને કોઈ બાહ્ય પરિવર્તન ભંગ કરી શકતું ન હોય, તે આનંદ સદાકાળ રહે છે. પરિસ્થિતિઓ બદલાઈ જાય તોપણ તે ચિરસ્થાયી રહે છે, કારણ કે તેનો સ્રોત અવિનાશી એવું નિજતત્ત્વ છે. તે બહારના કારણે ઘટિત નથી થતો, પણ તેનો પ્રાદુર્ભાવ ભીતરથી થાય છે, તે સ્વભાવમાંથી ટપકે છે. આનંદ એ જીવનો સ્વભાવ છે. પોતાની સાથે એકરૂપ હોવાથી આનંદ સવાર-સાંજ, દિવસરાત, યુવાનીમાં-વૃદ્ધાવસ્થામાં, સ્વાથ્યમાં-બીમારીમાં - દરેક વખતે મોજૂદ હોય છે. જ્ઞાની સદા અકારણ આનંદ અનુભવે છે. તેઓ કોઈ બાહ્ય કારણ વગર સ્વભાવના અવલંબનથી નિરંતર પ્રસન્ન રહે છે. સ્વરૂપની પકડ થઈ હોવાથી તેઓ ગમે ત્યાં જાય, તેમનું સમાધિસુખ કોઈ છીનવી શકતું નથી.
આત્માનુભવ દ્વારા નિજના નિરુપાધિક આનંદનો આસ્વાદ મળતો હોવાથી વિષયો, ઇન્દ્રિયોના ભોગો યથાર્થપણે નીરસ લાગે છે. અંતરના સુખનો સાક્ષાત્ અનુભવ થયો હોવાથી જ્ઞાનીને વિષયસુખમાં રસ પડતો નથી. સુખ અંતરમાં છે એવી વેદનપૂર્વકની પ્રતીતિ હોવાથી તેમને બાહ્ય વિષયોમાં રસ પડતો નથી. અતીન્દ્રિય શક્તિ ખીલી હોવાથી સ્થૂળ ઇન્દ્રિયોનો રસ ફિક્કો લાગે છે. ભીતરનો અતીન્દ્રિય રસ માણ્યો હોવાથી બહારના રસ ફિક્કા પડી જાય છે. અંદર સ્વરૂપરસનું ભોજન મેળવી લીધું હોવાથી તેમને બાહ્ય ભોજનની રુચિ રહેતી નથી. તેમને ભીતરનું ભોજન આરોગવામાં જ રુચિ હોય છે. ભીતરમાં કોઈ અનેરો સ્પર્શ થઈ ગયો હોવાથી તેમને પથ્થર ઉપર સૂવું પડે તોપણ કષ્ટરૂપ નથી લાગતું. તેઓ કોઈ પણ સંજોગમાં દુઃખી નથી થતા, હંમેશાં મહાસુખી હોય છે. ભીતરનું અલૌકિક ભોજન બહારના તુચ્છ ભોજન ઉપર છવાઈ જાય છે. ભીતરનો અદ્ભુત સ્પર્શ બહારના કઠિન સ્પર્શને ભુલાવી દે છે. ભીતરનું અચળ વિશ્વ બહારના વિનાશશીલ વિશ્વને ગૌણ કરી દે છે. જ્ઞાનીને બાહ્ય વિષયસુખની મમતા થતી નથી, મિથ્યાદૃષ્ટિ જીવની જેમ તેઓ વિષયસુખને ઇચ્છતા નથી.'
પરમ સ્વરૂપજાગૃતિમય દશા પ્રાપ્ત થતાં જ્ઞાનીનો પર પ્રત્યેનો અભિગમ ધરમૂળથી પલટાઈ જાય છે. પહેલાં અજ્ઞાનદશામાં પોતાની સ્વરૂપસમૃદ્ધિનું ભાન નહીં હોવાથી તેમને પરવસ્તુઓ ભેગી કરવાની વૃત્તિ હતી, અંદર ખોટ લાગતી હોવાથી તેમને પરવસ્તુથી તે ખોટ ભરવાની વૃત્તિ થતી હતી, પરંતુ સ્વરૂપનો બોધ થતાં તેમને પરમ વિશ્રામ, પરમ શાંતિ, પરમ તૃપ્તિ પોતાનામાંથી જ મળી રહે છે. સ્વરૂપની જાગૃતિ,
સ્વરૂપની ખુમારી સહિત હોવાથી તેઓ પોતામાં અત્યંત પરિતૃપ્ત રહે છે. ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૨૫૯
'वैषयिक सुखे न स्याद्रागभावः सुदृष्टिनाम् । रागस्याज्ञानभावत्वात् अस्ति मिथ्यादृशः स्फुटम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org