Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
પોતાના જ્ઞાનમાં જગત અસાર અને અનિત્યરૂપે ઝળકતું હોવાથી જગત પ્રત્યે પરમ ઉદાસીનભાવ વર્તે છે.
અભેદ્ય કિલ્લારૂપ જીવના કેન્દ્રમાં પદ્રવ્યનો તો ક્યારે પણ પ્રવેશ થઈ વિશેષાર્થ શકતો જ નથી, પરંતુ જીવના પોતાના રાગ-દ્વેષાદિ ભાવો કે જે પરદ્રવ્યને અવલંબીને થાય છે, તેનો પણ કેન્દ્રમાં ક્યારે પણ પ્રવેશ થઈ શકતો નથી. ત્યાં પરદ્રવ્ય કે પરભાવ કોઈ જ પહોંચી શકતું નથી, તેથી કેન્દ્ર તરફની ગતિ અંતર્યાત્રા એ પરમ એકાકીપણાની યાત્રા છે. કેન્દ્ર તરફની આ યાત્રામાં પોતાની સાથે અન્ય કોઈને પણ લઈ જઈ શકાય એમ જ નથી. શુદ્ધ સ્વરૂપ તરફની યાત્રામાં અન્ય કોઈને પણ ભાગીદાર બનાવી શકાતું નથી.
ધર્મયાત્રાએ નીકળેલો સાધક જીવ અન્ય કોઈના પણ સાથ-સંગાથ વિના કેન્દ્ર તરફ યાત્રા કરે છે. અંતર્યાત્રા કરતાં જ્યારે સાધક ભીતરમાં પહોંચે છે ત્યારે બાહ્ય જગત સાથેનો તેનો બધો સંબંધ તૂટી જાય છે. તેને માટે સમગ્ર જગત વિલીન થઈ જાય છે. કેન્દ્ર તરફની આ યાત્રામાં એકાકીપણું એટલું બધું ગહન હોય છે કે તે જીરવવા માટે અત્યંત સાહસ અને સામર્થ્યની જરૂર પડે છે. જો જીવ સાહસ કરે તો આ એકાકીપણામાંથી પરમની તેને અનુભૂતિ થાય છે. આ જ એકાકીપણામાંથી આનંદનો વિસ્ફોટ થાય છે. અંતર્યાત્રા શરૂ થતાં પરદ્રવ્ય અને પરભાવનો સાથ છૂટતો જાય છે અને આત્મપ્રદેશમાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે.
સંસારમાં તો ઉત્સવ ઊજવવા માટે અનેક માણસોની જરૂર પડે, કંઈ નહીં તો એક સાથી તો જોઈએ; જ્યારે એકાકીપણાનો અંતરના અકારણ આનંદના વિસ્ફોટનો ઉત્સવ ઊજવવા માટે પોતાના સિવાય અન્ય કોઈની આવશ્યકતા નથી. જીવ પોતાની સાથે રહે છે કેવળ નિજાનંદની મસ્તીમાં! અને ત્યારે અસ્તિત્વમાંથી એક ગીત, એક સંગીત વહેવા લાગે છે. આનંદની ઉપલબ્ધિની ક્ષણોમાં અંતરવીણા ઉપર સંગીત ગુંજી ઊઠે છે. પોતાના એકાકી સ્વભાવની સન્મુખતા એક નૃત્ય બની જાય છે. જીવ પ્રફુલ્લિત થઈ નાચી ઊઠે છે.
-
એકાકી હોવાનો આનંદ કોઈ પરિસ્થિતિ ઉપર, કોઈ સંયોગો ઉપર, કોઈ પણ રીતે નિર્ભર નથી હોતો. અજ્ઞાનદશામાં સુખનો જે કંઈ અનુભવ થાય છે, તેમાં કોઈ ને કોઈ બાહ્ય પરિબળ કારણભૂત હોય છે. ધન મળી જાય, પદ મળી જાય, સ્ત્રી મળી જાય તો જીવ હર્ષ-સુખ અનુભવે છે. બાહ્ય કારણને લીધે પ્રગટેલો આવો આનંદ બહુ ટકતો નથી. તે તરત જ વિલીન થઈ જાય છે. બાહ્ય કારણ ત્રિકાળ ટકતું નથી, તેથી તેના ઉપર આધારિત હર્ષનો સુખનો અનુભવ પણ અબાધિત અને સતત નથી રહેતો; જ્યારે બાહ્ય કારણ વિના થતો એકાકીપણાના આનંદનો અનુભવ સતત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org