Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૧
૩૩૯ માત્ર ગોખી લેવાથી કાર્યસિદ્ધિ થતી નથી. કોઈ વિદ્યાર્થી વિચાર્યા વિના, સમજ્યા વગર પુસ્તકો ગોખી લે અને પરીક્ષામાં ગોખેલું લખી આવે તો તે પરીક્ષામાં તો ઉત્તીર્ણ થઈ શકશે, પણ તેને તે જ્ઞાનનો યથાર્થ લાભ નહીં મળે. સ્વતંત્ર વિચાર કર્યા વિના, બુદ્ધિ વાપર્યા વિના, ગોખીને એકઠા કરેલા જ્ઞાનને તે ઉપયોગમાં લઈ નથી શકતો. એ જ રીતે જે જીવ વિચારશક્તિને વાપરતો નથી, સમજણશક્તિને સક્રિય કરતો નથી, જ્ઞાનીનાં વચનો સાંભળી-ગોખીને માત્ર બોલ્યા કરે છે, તેને યથાર્થ લાભ થતો નથી. સ્વરૂપની સમજણ વિના તેણે કરેલા સર્વ પ્રયત્ન નિષ્ફળ જાય છે.
સ્વરૂપની રુચિ ન હોય તેને તત્ત્વની વાત અઘરી લાગે છે. પરંતુ મોક્ષમાર્ગે આ કરવા યોગ્ય જ છે, મારા આત્મવિકાસ માટે આ અત્યંત આવશ્યક તથા સહાયક છે' એવા નિર્ધાર સાથે જો રુચિપૂર્વક તત્ત્વ-અભ્યાસ કરવામાં આવે તો કશું અઘરું લાગતું નથી. મનુષ્યજીવન સફળ કરવા માટે, પરમ ધ્યેયની પ્રાપ્તિ અર્થે તત્ત્વ-અભ્યાસ કરવો આવશ્યક છે. તત્ત્વ-અભ્યાસ દ્વારા એક નવી દષ્ટિ મળે છે. જાત અને જગત પ્રત્યે કઈ રીતે જોવું તે તત્ત્વ-અભ્યાસથી શીખવા મળે છે. પોતાની આજુબાજુની વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પરત્વે તત્ત્વદૃષ્ટિથી જોવાની ટેવ પડે છે. તત્ત્વદષ્ટિ અનુસાર જીવવાનો પ્રયત્ન કરતાં અશાંતિનાં કારણો ટળતાં જાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. આમ, આત્મકલ્યાણ અર્થે તત્ત્વનિર્ણય કરવો અત્યંત આવશ્યક છે.
આત્મહિતાભિલાષી મુમુક્ષુના અંતરમાં હું કોણ છું?', 'ક્યાંથી થયો?', ‘મારું ખરું સ્વરૂપ શું છે?' ઇત્યાદિ વિચારોનું મંથન ચાલ્યા કરતું હોય છે. આત્મજ્ઞાની સદ્દગુરુ પાસેથી “આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન છે; તે ત્રિકાળી નિત્ય છે; અજ્ઞાનભાવે તે રાગ-દ્વેષાદિનો કર્તા તથા હર્ષ-શોકાદિનો ભોક્તા છે અને જ્યારે સ્વરૂપમાં સ્થિત હોય છે ત્યારે નિજજ્ઞાનસ્વભાવનો કર્તા અને સહજ શાંતિ તથા આનંદનો ભોક્તા હોય છે; આત્માની પૂર્ણશુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે અને આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન તથા આત્મામાં લીનતા એ જ મોક્ષનો ઉપાય છે' એ છ પદની દેશનાનું તે એકાગ્રતાથી તથા ઉલ્લાસપૂર્વક શ્રવણ કરે છે અને સવિચાર દ્વારા નિઃશંકપણે એ જ સત્ય છે એમ નિર્ધાર કરે છે. તે આત્માનાં છે પદમાં સમજણપૂર્વક શ્રદ્ધા કરે છે.
સદ્ગુરુના બોધ દ્વારા મુમુક્ષુને પોતાના અસ્તિત્વની ઓળખાણ થાય છે. પોતાની અંદર જે સત્ય છે, જે આધારભૂત છે, જે અસ્તિત્વગત છે તેની તેને ઓળખાણ થાય છે. જીવે ક્યારે પણ પોતાની સાચી ઓળખાણ કરી નથી. તે જ્યારે પણ પોતાની બાબતમાં વિચારે છે ત્યારે તે પોતાનાં દેહ, નામ, દેશ વગેરેનો વિચાર કરે છે. પોતાનું સાચું સ્વરૂપ એ કાંઈ કોઈ નામ કે પદવી નથી. ‘હું' એટલે કર્મકૃત વ્યક્તિત્વ નહીં પણ પોતાનું શુદ્ધ ત્રિકાળી અસ્તિત્વ, કોઈ પણ નામ-રૂપ વગરનું જાણનાર-જોનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org