Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મોતી જેવા કિંમતી લાગે છે, તેથી તે પથ્થરો વીણે છે. તેની પાસેથી તેણે વીણેલો એક નાનો પથ્થર છીનવી લેવામાં આવે તો તે એ પથ્થર માટે આખી રાત રડતો રહે છે. તેને લાગે છે કે “મારી સંપત્તિ છિનવાઈ ગઈ!' બાળકને તે મૂલ્યવાન લાગે છે, પણ પ્રૌઢ વ્યક્તિને તે પથ્થર મૂલ્યહીન દેખાય છે. બાળકને તે કિંમતી લાગે છે, તેથી તે તેનો સંગ્રહ કરવાનો આગ્રહ રાખે છે; જ્યારે પ્રૌઢ વ્યક્તિને એની વ્યર્થતા સમજાઈ છે, તેથી તે એને ફેંકી દેવાનો આગ્રહ રાખે છે. બન્નેનાં સ્તર જુદાં છે. બાળકની સમજણના સ્તરમાં અને પ્રૌઢ વ્યક્તિની સમજણના સ્તરમાં ફરક છે. અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે પણ બાળક અને પ્રૌઢ જેવો તફાવત છે. અજ્ઞાનીને જે મૂલ્યવાન દેખાય છે તે જ્ઞાનીને તુચ્છ ભાસે છે, મૂલ્યહીન લાગે છે. જ્ઞાનીને ભૌતિક પદાર્થોનું કોઈ જ મૂલ્ય હોતું નથી. જે મૂલ્યહીન છે, તેને રાખવું તેમને વ્યર્થ લાગે છે; તેથી તે વસ્તુઓ આપોઆપ છૂટતી જાય છે.
બાળક જ્યારે મોટો થાય છે ત્યારે પૂર્વે ભેગા કરેલા કાંકરા-પથરા તે ફેંકી દે છે. કાંકરા-પથ્થરનો ત્યાગ કરે છે ત્યારે તે અહંકાર નથી કરતો કે “મેં બાળપણમાં એકઠી કરેલી સંપત્તિનો ત્યાગ કર્યો', કારણ કે હવે તે જાણી ગયો છે કે તે તો માત્ર કાંકરાપથ્થર જ હતા. લોકો દરરોજ પોતાના ઘરની બહાર કચરો ફેંકે છે, પરંતુ તે માટે સમાચારપત્રમાં સમાચાર નથી છપાવતા કે આજે અમે આટલા કચરાનો ત્યાગ કર્યો. જીવને જેનો મહિમા લાગતો નથી, તેના ત્યાગની તે ઘોષણા કરતો નથી. તેવી જ રીતે જ્ઞાની પણ પોતાને જે કચરો જણાયો છે તેનો ત્યાગ કરે છે, તેથી તેમને તેનો અહંકાર થતો નથી; પરંતુ બહિર્દષ્ટિ જીવે સાંસારિક પદાર્થોમાં કિંમત ભરી રાખી છે, તેથી પોતે કરેલ ત્યાગનું તેને અભિમાન થાય છે કે “મેં આટલું બધું છોડ્યું.' જ્ઞાનીને તો સમસ્ત પૌદ્ગલિક વૈભવ તુચ્છ લાગ્યા હોય છે, તેથી તેમનું ચિત્ત પરમાંથી પાછું વળી સ્વરૂપ અનુસરી થાય છે. તેઓ પરપરિણતિને વમી આત્મપરિણતિમાં રમે છે. તેમને એઠવતું સંસારમાં જરા પણ રુચિ થતી નથી.
અહીં એ વાત સ્પષ્ટ કરવી આવશ્યક છે કે “એઠવ” શબ્દ દ્વારા જ્ઞાનીને જગતના પદાર્થો પ્રત્યે દ્વેષભાવ છે એમ અભિપ્રેત નથી. “એઠવત' કહેવામાં ધૃણાનો ભાવ નથી. “એઠ' શબ્દ મૂકીને શ્રીમન્ને એ કહેવું છે કે લોકોને જેના પ્રત્યે આસક્તિ હોય છે, તેના પ્રત્યે જ્ઞાનીને રાગ નથી હોતો. પરમાં રાગભાવ, ગ્રહણભાવ નથી એ સમજાવવા માટે એઠ શબ્દ પ્રયોજ્યો છે. અજ્ઞાનવશ જે જે પદાર્થ સ્વાદ, રસ, મહિમાથી ભરેલા ભાસ્યા હતા, જ્ઞાન થતાં સહેજે તે તે પરપદાર્થો રસહીન અને એઠવતું લાગવા માંડે છે. સર્વ પરપદાર્થ કરતાં નિજપદાર્થમાં વિશેષ સ્વાદ, રસ, મહિમા અનુભવાય છે. પરમ સારભૂત એવા નિજ પદાર્થનો પરિચય થતાં સંસાર અસાર લાગે તો એમાં જ્ઞાનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org