Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમજાય છે કે “આજ સુધીનું મારું જીવન માત્ર ભ્રમણ હતું, અંતહીન ચક્કર હતું.' તે પોતાની શોધમાં લાગી જાય છે અને પરમ વિશ્રામને, પરમ તૃપ્તિને, પરમ સંતોષને પ્રાપ્ત કરે છે; પણ શુષ્કજ્ઞાની વ્યર્થ માટે સાર્થકને છોડે છે અને તેથી દુઃખ, પીડા, અશાંતિ, ક્લેશનો અનુભવ કરે છે. તે વ્યર્થને બચાવે છે, સાર્થકને ગુમાવે છે. પર પાછળની દોડમાં તે આત્માનાં પરિણામ બગડવા દે છે, પરંતુ પોતાના ભાવોને બચાવવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બીજી કોઈ ઘટના નથી.
શુષ્કજ્ઞાની જીવ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિનો અર્થી છે. તે છોડી તેણે આત્માના અથ થવું જોઈએ. જીવનને સમ્યક્ લક્ષ્ય આપવું જોઈએ. લક્ષ્ય વિના સાધના નહીં ઊપડે. લક્ષ્ય વિના શક્તિઓ કામે નહીં લાગે. લક્ષ્ય બનાવી, પોતાની બધી જ શક્તિ ભેગી કરી લક્ષ્ય પ્રત્યે સમર્પિત કરતાં અવશ્ય કાર્ય થાય છે. જમીનમાં દબાયેલું બીજ પોતે નબળું અને તેની પરિસ્થિતિ પણ પ્રતિકૂળ, છતાં સૂર્યનાં દર્શનની તેની પ્રબળ પ્યાસ તેનામાં ઉત્સાહ પ્રગટાવે છે, જેથી તે અત્યંત કોમળ હોવા છતાં ભૂમિને ચીરીને બહાર નીકળે છે. તેની પ્યાસ જ તેને અંકુરિત કરે છે. તેની પ્રબળ ઇચ્છાથી જ તે તેના ઉપર રહેલાં આવરણોને તોડે છે અને ક્ષુદ્રતામાંથી બહાર આવે છે. શુષ્કજ્ઞાનીએ વિરાટને પ્રાપ્ત કરવાની પ્યાસ જગાવવી જોઈએ. તેનામાં પડેલી સંભાવનાને જાગૃત કરશે તો એક ક્ષણ એવી આવશે કે જ્યારે તે કર્મકૃત વ્યક્તિત્વને ચીરી શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. તેનો મોહભાવ ક્ષય થશે અથવા બહુ ક્ષીણ થવા પામશે અને જ્ઞાનીદશા પ્રગટ થશે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘મોહભાવ ક્ષય હોય જ્યાં, ક્ષાયિક ભાવ પ્રશસ્ત; ક્ષપક શ્રેણી અનુભવ જિહાં, બંધભાવનો અસ્ત. દર્શન ચારિત્ર મોહ જ્યાં, અથવા હોય પ્રશાંત; ઉપશમભાવ સુધારતો, વર્તે શાંત ને દાંત. આત્માનુભવ સુધા રસે, રહે ચિત્ત સુપ્રસન્ન; તે કહીએ જ્ઞાનીદશા, એથી ઊલટી અન્ય. જેમાં દેહાધ્યાસનો, મોહ માયાથી શાંત; દશા જ્ઞાનીની એ જ છે, બાકી કહીએ ભ્રાંત.' ૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૫૫૩-૫૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org