Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમને કોઈ પણ પરિસ્થિતિનો કોઈ જ વિરોધ નથી હોતો. તેમને કોઈ પણ પરિસ્થિતિ સાથે કોઈ સંઘર્ષ નથી હોતો. તેમને કોઈ ફરિયાદ નથી હોતી. આથી વિપરીત, મૂચ્છિત જીવને દરેક સામે ફરિયાદ હોય છે. તે સંયોગોમાં દોષ જ શોધ્યા કરે છે. બાહ્યમાં ગમે તેટલું હોવા છતાં તેને અસ્વીકારનો ભાવ હોય છે. તે પ્રાપ્ત સંયોગોના નકાર દ્વારા સંઘર્ષ ઊભો કરે છે, નિરંતર સંઘર્ષમય જ રહે છે. તે શાંત સ્વીકારનો દૃષ્ટિકોણ અપનાવતો ન હોવાથી તેનું જીવન સતત સંઘર્ષમય રહે છે.
શાંત સ્વીકારમાં જ સાચું સુખ છે, એ જ સફળતાનો માર્ગ છે; તે છતાં અજ્ઞાની જીવ શાંત સ્વીકારના સત્પથે ચઢતો નથી. તેની મરજી અનુસાર વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પ્રવર્તે એવો તેને આગ્રહ હોય છે. તે શરતો મૂકે છે કે “આજે આમ થવું જોઈએ, કાલે આમ થવું જોઈએ, આ વ્યક્તિએ મને ન છોડવો જોઈએ, આ વ્યક્તિએ મને ન સતાવવો જોઈએ' ઇત્યાદિ. તે ઇચ્છે છે કે જીવન તેણે બનાવેલી શરતોમાં બંધાઈને ચાલે. જ્ઞાનીએ શાંત સ્વીકારને પોતાનો જીવનપથ બનાવ્યો હોવાથી તેઓ તો કોઈ પણ વાતમાં શરત મૂકતા નથી. શાંત સ્વીકાર કરનારને શરતનો શું ખપ? જ્ઞાનીને કોઈ ઉત્સુકતા નથી હોતી કે આમ જ બનવું જોઈએ. તેઓ કોઈ માંગણી કરતા નથી. તેમને કોઈ અપેક્ષા હોતી નથી. પ્રત્યેક પળે તેઓ શાંત સ્વીકાર કરતા હોવાથી તેમને વર્તમાન પ્રત્યે કોઈ ફરિયાદ હોતી જ નથી. કોઈ પૂર્વતૈયારી કરવી પડતી નથી અને પશ્ચાત્ કંઈ વાગોળવાનું હોતું નથી. જીવનમાં દરેક પળે થતા દરેક વ્યક્તિ, વસ્તુ અને ઘટનાના શાંત સ્વીકારના કારણે દરેક ડગલે સુખ, સંતોષ અને સફળતા તેમની રાહ જુએ છે.
જ્ઞાની તમામ કંકોમાં પરમ સમત્વદશામાં સ્થિત હોય છે. દુન્યવી સર્વ પ્રલોભનોમાં પણ તેઓ સ્વસ્થ રહે છે અને પ્રતિકૂળ સંયોગોમાં પણ તેમના અંતરમાં પ્રસન્નતાનો એક શાંત પ્રવાહ વહેતો રહે છે. તેઓ ફૂલોને પણ સ્વીકારે છે અને કાંટાઓને પણ સ્વીકારે છે. તેઓ સુખને અને દુઃખને, બન્નેને સમભાવે સ્વીકારે છે. તેઓ સુખ આવે તોપણ પ્રસન્ન રહે છે અને દુઃખ આવે તોપણ પ્રસન્ન રહે છે. તેમનો એક એક શ્વાસ પ્રસન્નતાથી સભર હોય છે. જે કંઈ પણ બને તેની વ્યાખ્યા જ તેઓ નથી કરતા. તેમણે ઘટનાઓને વ્યાખ્યાઓ આપવાનું બંધ કરી દીધું હોવાથી, તેઓ સુખ-દુ:ખમાં નહીં પણ આનંદમાં હોય છે.
આનંદનો અર્થ એ નથી કે હવે દુઃખ નહીં આવે. આનંદનો અર્થ એ છે કે હવે તેઓ એવી વ્યાખ્યા નથી કરતા જે તેમને દુઃખી કરી શકે. આનંદનો અર્થ એ નથી હવે સુખ જ સુખ આવતાં રહેશે. આનંદનો અર્થ એ છે કે હવે તેમની એ વ્યાખ્યા છૂટી ગઈ છે કે જે સુખની સતત માંગણી કરાવતી હતી. તેઓ હવે એવી કોઈ વ્યાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org