Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આત્મકલ્યાણનું મૂળ કારણ એવું સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવની આત્મસ્થિરતા, ચારિત્રદશા ક્રમશઃ વૃદ્ધિ પામતી જાય છે. પ્રથમ વાર નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યારે જીવ ચોથા ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને છ મહિનાની અંદર ઓછામાં ઓછો એક વખત આત્માનુભવ અવશ્ય થાય છે. જો છ મહિનાની અંદર અનુભવ ન થાય તો તે જીવ ચોથા ગુણસ્થાને ટકી શકતો નથી. પાંચમે ગુણસ્થાને ચોથા કરતાં ઓછા કાળને આંતરે અનુભવ થાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ પંદર દિવસમાં એક વાર આત્માનુભવ થવાની યોગ્યતાવાળા બને છે ત્યારે તેઓ પંચમ ગુણસ્થાનવાળા કહેવાય છે. છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનવર્ધી મુનિને તો વારંવાર, અંતર્મુહૂર્તમાં જ નિયમથી સ્વાનુભવ થયા કરે છે, અર્થાત્ અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ છે. મુનિ વારંવાર નિર્વિકલ્પ ઉપયોગમાં સ્થિર થાય છે. મુનિઓને સવિકલ્પ દશામાં છઠું અને નિર્વિકલ્પ દશા થતાં સાતમું ગુણસ્થાન હોય છે. આ રીતે આત્મસ્થિરતા વધારતાં વધારતાં ચારિત્રમોહનો ક્ષય કરતાં કરતાં ધર્માત્મા આગળ વધે છે અને ક્ષપકશ્રેણી માંડી, દસમા ગુણસ્થાનને અંતે સર્વ મોહભાવનો ક્ષય કરી તેઓ વીતરાગ બને છે. શેષ રહેલાં જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મનો ક્ષય થતાં, સયોગી કેવળી અવસ્થા પ્રગટે છે. આયુષ્ય કર્મ પૂર્ણ થવા આવે ત્યારે – પાંચ હ્રસ્વઅક્ષરના ઉચ્ચારણ જેટલો વખત આયુષ્યનો બાકી હોય ત્યારે કેવળી ભગવંત ચૌદમું – અયોગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, જેના અંતે તેઓ ચારે અઘાતી કર્મોનો નાશ કરી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આમ, ચતુર્થ ગુણસ્થાને દર્શનમોહનો ક્ષય કરી, દેહથી ભિન્ન ચૈતન્યનો અનુભવ કરી, ક્રમે ક્રમે ચારિત્રમોહનો ક્ષય કરતાં કરતાં, ક્રમે ક્રમે વીતરાગતા પ્રગટાવતાં પ્રગટાવતાં, અંતે સર્વ મોહભાવનો ક્ષય કરી, તે ધર્માત્મા પૂર્ણ વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. ત્યારપછી તેમને ક્યારે પણ રાગની ઉત્પત્તિ થતી નથી. તેઓ ચિદાનંદતત્ત્વની શાંત અનુભૂતિમાં અવિરતપણે લીન રહે છે.
મોહભાવનો સંપૂર્ણ ક્ષય થતાં ધ્યેયની પૂર્ણ પ્રાપ્તિ થાય છે. મોહભાવને નિવૃત્ત કરવો એ જ મોક્ષમાર્ગ છે. જેમને મોહભાવ ક્ષય અથવા પ્રશાંત થયો છે તેઓ જ્ઞાની છે. આ ગાથામાં શ્રીમદે જ્ઞાનદશા અને બ્રાંતદશા (અજ્ઞાનદશા) વચ્ચેનો ભેદ સમજાવવા, મોહભાવનો ક્ષય અથવા શાંતતારૂપ જ્ઞાનીદશાનાં ચિહ્નો બતાવ્યાં છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે –
“મોહભાવ છે તે જ બંધવૃત્તિઓ છે. મોહનીય કર્મના ઉદયથી થતા આત્માના ભાવો છે તે બંધ કરનારા છે. ભ્રાંતિ પણ બે પ્રકારે છે. દર્શનમોહને લઈને અને ચારિત્રમોહને લઈને. આત્માનું અજ્ઞાન છે તે દર્શનમોહથી થતી ભ્રાંતિ છે અને રાગદ્વેષથી મનમાં વિક્ષેપ થાય છે તે ચારિત્રમોહથી થતી ભ્રાંતિ છે. વિક્ષિપ્ત મન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org