Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૯
ગાથા-૧૩૯ વેષપલટો થઈ જાય છે. જેમ કોઈ અભિનેતાએ ભિખારીનો વેષ લીધો હોય અને તે પછી રાજાના વેષમાં આવે ત્યારે તેનો આખો દેખાવ પલટાઈ જાય છે, તેમ જીવને સ્વાનુભૂતિ થતાં તેનો ભિખારી જેવો વેષ પલટાઈ જાય છે, એ નિર્માલ્ય વેષ છૂટી જાય છે અને તે ચિદાનંદરાજાનો વેષ ધારણ કરે છે. સર્વોત્કૃષ્ટ એવા પોતાના ચૈતન્ય-રાજાના સાચા સ્વરૂપનું અનુભવાત્મક જ્ઞાન થયા પછી ભિખારી જેવા નિર્માલ્ય વેષને તે જીવ ફરીને ધારણ કરતો નથી. પરિભ્રમણ દરમ્યાન જીવ એક ભવ પૂરો કરીને બીજો નવો ભવ ધારણ કરે છે, છતાં સંસારના ચારે ગતિના જેટલા પણ ભવો ધારણ કરે તે બધા એક જ જાતિના છે, દુઃખરૂપ જ છે; પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ તો અનાદિ કાળના વિપરીત ભાવો દૂર કરીને, પૂર્વના સર્વ દુઃખમય ભવોથી પર એવો ચૈતન્યનો એક અદ્ભુત નવો આનંદમય અવતાર ધારણ કરે છે. આત્મા પોતે જ આનંદ સ્વરૂપે પરિણમે છે.
સ્વાનુભવ પ્રાપ્ત થવાથી ઇન્દ્રિયોના વિષયોમાં અનાદિથી રહેલ સુખભ્રાંતિ ટળે છે. આત્માના નિરુપાધિક આનંદનો અનુભવ મળતાં ઇન્દ્રિયસુખનો ભ્રમ ભાંગી જાય છે. તેમને વિષયભોગો જરા પણ સુખરૂપ લાગતા નથી. જ્ઞાનીને લક્ષ્મી, અધિકાર આદિ કેવાં લાગે છે તેનું અદ્ભુત આલેખન કરતા પંડિત શ્રી બનારસીદાસજીના કાવ્ય (‘સમયસારનાટક', બંધદ્વાર, સવૈયા ૧૯) ઉપર વિવેચન કરતાં શ્રીમદ્ કહે છે કે
‘જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.’૧
નિજના નિર્વિકાર શાશ્વત સ્વરૂપને અનુભવનાર જીવ દુન્યવી આશા-તૃષ્ણાઓની પકડમાંથી મુક્ત બની જાય છે. આત્મજ્ઞાનનો ઉદય થતાં જ તૃષ્ણાની વિષવેલ કરમાઈ જાય છે, કારણ કે તૃષ્ણાની વેલ અજ્ઞાનની ધરતીમાં જ પાંગરી શકે છે. અજ્ઞાન અને આકાંક્ષા સદા સાથે જ વસે છે. અજ્ઞાન હટતાં ઇચ્છારહિતતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનની ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦૫ (પત્રાંક-૭૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org