Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૯
૨૯૭ પિંડ છું' એવો જ્ઞાનપ્રકાશ આત્મામાં પથરાય છે.
આ અનુભવ થાય છે ત્યારે ઓચિંતો થાય છે. સાધક પુરુષાર્થના બળ વડે આગળ વધતો હોય છે ત્યારે એક વખત અચાનક જ ચિત્ત તરંગરહિત બની શાંત થઈ જાય છે, દેહનું ભાન જતું રહે છે અને જ્ઞાનજ્યોતિ ઝળહળી ઊઠે છે. અંધારી રાતે તદ્દન અજાણ્યા સ્થાને ઊભા રહેલા મુસાફરને, અચાનક ત્રાટકતી વીજળીના ઝબકારામાં પોતાની આજુબાજુનું દશ્ય દેખાઈ જાય છે; તેમ આ સ્વાનુભવથી સાધકને પોતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. તેને પોતાના અકળ, અબદ્ધ, શાશ્વત, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે. વર્ષોના શાસ્ત્રાધ્યયનથી પ્રાપ્ત ન થાય એવું સ્પષ્ટ, નિશ્ચિત અને ઊંડાણવાળું જ્ઞાન આ થોડી ક્ષણોમાં જ મળી જાય છે. જે દેહાત્મબુદ્ધિ બહોળા શ્રુતજ્ઞાનથી પણ ખસતી નથી, તે આ અલ્પ ક્ષણોની અનુભૂતિથી નષ્ટ થઈ જાય છે.
મહાભયંકર તોફાની સાગરમાં ડૂબી રહેલા અને મગરમચ્છથી પકડાયેલા મુસાફરને, અનાયાસે મગરમચ્છની પકડમાંથી છૂટી તરવા માટેનો કોઈ આધાર પ્રાપ્ત થઈ જાય અને મહાપ્રયત્ન તે કિનારે આવી પહોંચે ત્યારે તેને જે અકથ્ય આનંદ થાય તેના કરતાં પણ વિશેષ આનંદ સાધકને આત્માનુભવ થતાં થાય છે. તે નિર્વિકલ્પ નિજ પદને અનુભવી નિર્મળ, વિશુદ્ધ, શાશ્વત, સ્થિર, અતીન્દ્રિય પરમાનંદને પ્રાપ્ત કરે છે. તે સ્વાત્માના આનંદરસને ચાખે છે. વસ્તુતઃ આત્મા સ્વયં જ આનંદમય છે. આત્માનું સ્વરૂપ જ સાનંદ છે. અસ્તિત્વની દૃષ્ટિએ જે આત્મા છે, અનુભૂતિની દૃષ્ટિએ તે જ આનંદ છે.
આત્માનો અનુભવસ્વાદ ચાખવાથી સાધકને પોતાની મુક્તિની ખાતરી થઈ જાય છે. તેનું અંતર બેધડક સાક્ષી આપે છે કે “હું હવે પ્રભુના માર્ગે ચઢ્યો છું, સિદ્ધના સંદેશા આવી ચૂક્યા છે. હવે હું અલ્પ કાળમાં સિદ્ધ થવાનો જ છું.' પ્રારંભિક અનુભવ અલ્પ સમયનો જ હોવા છતાં તે અનુભવ તેના માનસિક વલણમાં ધરખમ પરિવર્તન લાવી દે છે. તે જીવનું આંતર પોત જ બદલાઈ જાય છે. અનુભવ થતાં તેનું સમસ્ત જીવન જ ફરી જાય છે, હૃદયપલટો થઈ જાય છે, અંતરમાં ઉથલપાથલ થઈ જાય છે. અંતરની જ્યોત જાગતાં તેના જીવનની દિશા ફરી જાય છે
જ્યાં સુધી આત્મા મળતો નથી ત્યાં સુધી જીવનમાં દુ:ખ ઘેરાયેલું હોય છે, વ્યાકુળતા છવાયેલી હોય છે; પણ આત્માની એક ઝલક મળી જતાં બધી ઉદાસી, વ્યાકુળતા સમાપ્ત થઈ જાય છે અને હંમેશ માટે શાંતિ મળે છે. અનાદિ કાળથી જીવે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી, પરથી ભિન્ન દ્રવ્યસ્વભાવનું પરિજ્ઞાન ન હોવાથી તે પરમાં એકત્વ-મમત્વ સ્થાપિત કરે છે અને પરિણામે દુઃખી થાય છે. અનાદિ કાળથી તે પરને પોતાનું માનીને તેમાં જ રચ્યોપચ્યો રહે છે, તેથી ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંત દુઃખ ભોગવે છે. અનાદિ કાળથી અનંત ભવોમાં જીવ અનેક દુઃખ ભોગવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org