Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જાણી લેવાથી આત્માનુભૂતિરૂપ ફળ નથી નીપજતું. જેને અસ્તિત્વને પામવાની તાલાવેલી હોય છે તે અવશ્ય શાસ્ત્રનાં સૂચનોને અમલમાં મૂકે છે, પ્રયોગાત્મક અભ્યાસ કરે છે.
- આત્માર્થી જીવને આત્મપ્રાપ્તિની તરસ જાગી હોય છે. તેને શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાની અભીપ્સા જાગી હોય છે. તે આત્મસ્વભાવમાં એકાગ્ર થવા ઇચ્છે છે. સ્વરૂપની ઉપલબ્ધિ સિવાય બીજું બધું તેને વ્યર્થ લાગે છે. તેને નિશ્ચય થયો હોય છે કે ‘દેહાદિ સંયોગોમાં રતિ કરવા જેવું કંઈ નથી. આજ પર્યંતનો તમામ કાળ એને જાળવવામાં બગાડ્યો, પણ હવે પરના મોહમાં આ દુર્લભ મનુષ્યભવ વ્યતીત નથી કરવો. મારે નિજસ્વરૂપને જાણવું છે.'
આત્માર્થી જીવને પોતાનું સાચું સ્વરૂપ જાણવાની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ‘કોણ છું? મારું સ્વરૂપ શું છે?' એ જાણવાની પ્રબળ જિજ્ઞાસા જાગતાં તે સગુરુના બોધના આધારે તેમજ શાસ્ત્રાદિના આધારે સ્વરૂપનો - તત્ત્વનો નિર્ણય કરવા લાગે છે. તે સ્વપરભિન્નતાનું ચિંતન-મનન કરે છે. નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવકર્મ અથવા સમસ્ત સંયોગો અને વિકારોથી આત્માને ભિન્ન જાણીને જ્ઞાયકસ્વભાવી ત્રિકાળી ધ્રુવ નિજ પરમાત્મસ્વરૂપમાં એકત્તાનો અભ્યાસ કરે છે.
સ્વ-પરના ભેદજ્ઞાનથી પોતાનું શું અને પરાયું શું તેની ઓળખાણ થાય છે, તેથી સાધક પરપરિણતિનો પરિત્યાગ કરીને શુદ્ધાત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે. તે પોતાનો ઉપયોગ પર ઉપરથી હટાવીને પરથી ભિન્ન એવા પરમ શરણભૂત, સારભૂત એક નિજ શુદ્ધાત્મતત્ત્વમાં લગાવે છે. આત્માનો જ્ઞાનોપયોગ કોઈ ને કોઈ ઇન્દ્રિયના કે મનના વિષયભૂત પદાર્થમાં ચોંટેલો હોય છે. આ બાહ્ય વિષયોમાં રમણતા કરી રહેલ ઉપયોગને સમેટીને અંદર ખેંચવાનો, આત્મામાં જોડવાનો તે અભ્યાસ કરે છે. નિરંતર જાગૃતિપૂર્વક સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ કરતાં મિથ્યાત્વમલ ગળી જાય છે અને સમ્યકત્વ પ્રગટે છે. ભેદજ્ઞાનની કળાના ફળરૂપે પરમાં એકત્વ-મમત્વના સર્વ સંસ્કારો લય પામે છે.
આ રીતે સાધક શાસ્ત્રનું શ્રવણ-વાંચન કરી, પ્રયોગાત્મક અભ્યાસ કરી આગળ વધે છે. ભેદજ્ઞાનના અભ્યાસમાં ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ સ્થિરતા પ્રાપ્ત કરતાં કરતાં કોઈ ધન્ય પળે મન શાંત થઈ જાય છે. તે સ્વસ્વરૂપમાં રમણતા કરીને એવો ઠરી જાય છે કે તેને ભેદજ્ઞાનના વિકલ્પ પણ રહેતા નથી. તે સર્વ વિકલ્પોથી વિરામ પામીને આત્મામાં જ લીન રહે છે અને નિજને જ જાણે છે. ધ્યાતા ધ્યેયની સાથે તદાકાર બની, શુદ્ધ આત્મસ્વરૂપમાં અભેદ થઈ પોતાના યથાર્થ સ્વરૂપનો અનુભવ કરે છે. પોતાના અલૌકિક, શાશ્વત આનંદસ્વરૂપની અનુભૂતિ થાય છે ત્યારે મોહ-અંધકાર દૂર થાય છે અને ઉજ્વળ જ્ઞાનપ્રકાશ પ્રગટી ઊઠે છે. ‘દેહાદિથી ભિન્ન હું જ્ઞાન-આનંદનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org