Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેમ રસ્તો લીધો. શિષ્ય “જમવા પધારો' એવા માનસહિત બોલાવી જમાડ્યા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માંગ્યું; એટલે તરત શિષ્ય કહ્યું : “મહારાજ, જળ જ્ઞાનગંગામાંથી પી લો.”
જ્યારે શિષ્ય આવો સખત રસ્તો લીધો ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે “મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું.”
શુષ્કજ્ઞાની જીવ “આત્મા શુદ્ધ છે, અસંગ છે, બંધન અને મુક્તિથી પર છે, જ્ઞાનમય છે, સુખસ્વરૂપ છે, આનંદનો પિંડ છે' એવા નિશ્ચયપ્રધાન કથનો બોલે છે અને અંતરમાં તો તેને એમ છે કે પરવસ્તુમાં સુખ છે. તેને ભોગની પ્રવૃત્તિ અને પરિણામમાં મીઠાશ લાગે છે. જો આત્મા સુખસ્વરૂપ ભાસ્યો હોય તો પરમાં સુખબુદ્ધિ રહે નહીં. તે બન્ને સાથે રહી શકે નહીં. જેમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં એકસાથે ગતિ નથી થઈ શકતી, પ્રકાશ અને અંધકારની પ્રાપ્તિ એકસાથે નથી થતી; તેમ પરમાં સુખની કલ્પના હોય તો તેને હજી આત્મા સુખરૂપ લાગ્યો જ નથી. સાધકને તો મારો આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો ખજાનો છે, શાશ્વત સુખનો સ્વામી, સ્વાધીન આનંદનો અધિષ્ઠાતા છે. ત્રિકાળી જ્ઞાયક એવો હું ભગવાન આત્મા મારા પોતામાં જ પરિપૂર્ણ છું' એવું યથાર્થપણે લાગ્યું હોવાથી તેને સુખની પ્રાપ્તિ માટે જગતની કોઈ ચીજની આવશ્યકતા નથી લાગતી. તે યથાર્થપણે જાણે છે કે બહારથી કદી સુખ મળી શકતું જ નથી. તે સુખની શોધ માટે અંતર તરફ વળે છે.
શુષ્કજ્ઞાની પરિસ્થિતિઓમાં થતા ફેરફારોનો સ્વીકાર કરી શકતો નથી. તે નિર્લેપ રહી શકતો નથી. પ્રતિકૂળતા આવે ત્યારે તેનાં પરિણામ બગડે છે. પ્રતિકૂળતાથી તે અકળાઈ જાય છે. સાધક તો યથાર્થ માન્યતાના આધારે, શૂરાતનપૂર્વક પ્રતિકૂળતાઓનો સામનો કરે છે; અર્થાત્ તેનો શાંત સ્વીકાર કરી, ઉપયોગને અપ્રભાવિત રાખે છે. સદ્ગુરુના બોધબળે પોતાના પૂર્ણ, શુદ્ધ આત્માની ખુમારીથી તે સર્વ પ્રતિકૂળતાઓને સરળતાથી પાર કરતો જાય છે.
હું ત્રિકાળી સત્ છું' એમ શુષ્કજ્ઞાની કહે છે, પરંતુ તેને મૃત્યુનો ડર ઓછો થયો હોતો નથી. તે મૃત્યુ સમયે ડરી જાય છે, અશાંત થઈ જાય છે. સાચો સાધક મરણ આવે ત્યારે પણ પરિણામને વિકૃત થવા દેતો નથી. તે મરણની અત્યંત તીવ વેદનાને પણ સમભાવપૂર્વક સહન કરે છે. તે જાણે છે કે વેદના આવતા કોપ કરવાથી, ભયભીત થવાથી, વિષાદ-શોક કરવાથી, રડવાથી, દુઃખી થવાથી, સંક્લેશપરિણામ કરવાથી કાંઈ તે વેદના મટી જતી નથી કે ઘટી જતી નથી. સંક્લેશપરિણામ કરવાથી કોઈ લાભ થતો નથી, ઊલટું તે સંક્લેશપરિણામરૂપ આર્તધ્યાન તો કર્મબંધનું કારણ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૪ (ઉપદેશછાયા-૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org