Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા--૧૩૮
૨૮૧ દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી.”
મુમુક્ષુ જીવનો ત્યાગ સમજણપૂર્વકનો હોય છે. તે યથાર્થ સમજણ કરીને પરવસ્તુઓને છોડે છે. પરંતુ કેટલાક બહિર્દષ્ટિ જીવો સમજણ કર્યા વિના માત્ર વસ્તુઓ છોડી દે છે. તેમને સમજવામાં રસ નથી હોતો, માત્ર વસ્તુઓને છોડવાનો રસ હોય છે. તેઓ બાહ્યમાં પરદ્રવ્યનો ત્યાગ કરે છે, પરંતુ તેમને અંતરમાં રહેલા સંસારના મૂળ કારણરૂપ એવા મિથ્યાત્વરૂપ મહાપાપનો ત્યાગ કરવાનો લક્ષ હોતો નથી. સમજણ વિનાના ત્યાગથી કાર્યસિદ્ધિ થતી નથી, તેથી પ્રથમ તો ત્યાગનો અર્થ બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વસ્તુઓને છોડવાની ઉતાવળ કરતાં પહેલાં સમજવાનું લક્ષ રાખવું જરૂરી છે. જો જીવ ત્યાગને યથાર્થપણે સમજી લે તો તેનું ફળ રૂપાંતરણ છે. સમજણ વિના ક્રાંતિ સંભવતી નથી. સમજણ વિના જીવ પોતાની સમસ્યાઓ વધારી દે છે, તે પોતાનાં દુઃખમાં વધારો કરે છે.
બહિર્દષ્ટિ જીવ પોતાની સમજણ સવળી કરતો નથી, સંસારને ચિત્તમાંથી દૂર કરવાના પ્રયત્નો કરતો નથી અને માત્ર જ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિનું અનુકરણ કરી બાહ્ય ત્યાગ કરે છે અને તેથી તેને ત્યાગ દુઃખરૂપ - કષ્ટરૂપ લાગે છે. તે માત્ર જ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિઓનું અનુકરણ કરી સંતોષાઈ જાય છે. જેમ કે કોઈ વ્યક્તિ દારૂડિયાને જોઈને તેનું અનુકરણ કરવા લાગે છે. તેને ડોલતો જોઈને - તે કઈ રીતે ચાલે છે, કઈ રીતે લથડિયાં ખાય છે તે જોઈને તેનું અનુકરણ કરવા લાગે છે; પણ તેના નશાને નથી જોતો, તેથી પોતાની કુદરતી ચાલ ભૂલી એ દારૂડિયાની ચાલ શીખી જાય છે, પણ મૂળમાં દારૂ પીવાનું ચૂકી ગયો હોવાથી તેને નશો નથી ચડતો. માત્ર દારૂડિયાનો અભિનય થાય છે. તેમ જ્ઞાની ભગવંતોનું માત્ર બાહ્ય અનુકરણ કરવામાં આવે તો પરવસ્તુઓનો ત્યાગ થાય છે, પણ આત્મમસ્તીનાં રસકૂપ નથી સાંપડતાં. ધાર્મિકતા તો પ્રગટતી નથી, પણ આવે છે માત્ર ધાર્મિકતાનો અભિનય.
જીવને હજી પરની પકડ છે, બાહ્યમાંથી સુખ મેળવવાની આશા છે, છતાં પણ જ્ઞાનીઓનું અનુકરણ કરવા તે ત્યાગ કરે છે, તેથી તે અહંકાર આદિમાં જ રચ્યોપચ્યો રહે છે. તેની પરની પકડ છૂટતી તો નથી, ઊલટું તે પકડ વધુ મજબૂત થઈ જાય છે. આત્માની પકડ વિના, યથાર્થ સમજણ વિના તે પરવસ્તુઓ છોડે છે, પણ અંતરમાં તો તેની પકડ અનેકગણી વધે છે. જગતની પકડ સહિતની દ્રવ્યનિવૃત્તિ નહીં પણ સમજણપૂર્વકની - જાગૃતિ સહિતની દ્રવ્યનિવૃત્તિ જ જીવને ધર્મ તરફ દોરી જાય છે. ભાવનિવૃત્તિના લક્ષપૂર્વક અભ્યાસ ન થાય તો ધર્મ દૂરનો દૂર જ રહી જાય છે. શાંતિપથનો યાત્રી એવો મુમુક્ષુ જીવ વિકારી ભાવોથી મુક્ત થવા અર્થે ઉપાધિમાંથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૧-૪૨૨ (પત્રાંક-પ૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org