Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૭
૨૪૯
જ્ઞાનની પ્રવૃત્તિરૂપ બની જાય છે. અપાત્ર જીવને નિશ્ચયસિદ્ધાંતોના વાંચનથી શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે.
શાસ્ત્રોમાં બોધ બે પ્રકારના હોય છે એક ઉપદેશબોધ અને બીજો સિદ્ધાંતબોધ. ઉપદેશબોધમાં વૈરાગ્યાદિ ઊપજે, પાત્રતા કેળવાય એવી શિક્ષા હોય છે; જ્યારે આત્માનાં અસ્તિત્વાદિ અંગેનો, પરિપૂર્ણ જ્ઞાનથી નિર્ણીત થયેલ અફર તત્ત્વવિષયક બોધ તે સિદ્ધાંતબોધ છે. સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધના પરિણમનથી થાય છે. જો જીવ ઉપદેશબોધનું આરાધન કરી વિષય-કષાય ઘટાડે તો જ તેને સિદ્ધાંતબોધનો અભ્યાસ લાભદાયી નીવડે છે, પરંતુ જો જીવ ઉપદેશજ્ઞાનને પરિણમાવી પાત્રતા કેળવે નહીં અને સિદ્ધાંતબોધનો અભ્યાસ કરે તો તેનો વિપર્યાસ ટળતો નથી. તેનામાં શુષ્ક-જ્ઞાનીપણું ઉત્પન્ન થાય છે.
શુષ્કજ્ઞાની જીવ મુખથી જ્ઞાનની વાતો કર્યા કરે છે, ‘હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્યઘન છું, પરમાત્મા છું, બ્રહ્મસ્વરૂપ છું' વગેરે ગોખી રાખેલા શબ્દો બોલ્યા કરે છે. જો કે જ્ઞાનની વાતો કરવી એ કંઈ ભૂલ નથી. જ્ઞાનીઓ પણ જ્ઞાનની વાતો કરે છે. અંતરમાં તથારૂપ પરિણમન તથારૂપ પરિણમનના પ્રયત્નો હોય તો જ્ઞાનની વાત કરવામાં કશું ખોટું નથી, પરંતુ તથારૂપ પરિણમન કે તેવા પ્રયત્ન વિના જ્ઞાનની માત્ર વાતો કર્યા કરવાથી જીવને હાનિ થાય છે. શુષ્કજ્ઞાની તથારૂપ વર્તન વિના વાચામાં જ્ઞાન કથે છે. તે જ્ઞાનની વાતો કરે છે, પરંતુ તેની વાણી અને તેનું વર્તન એકરૂપ હોતાં નથી.
જેની કથની અને કરણીમાં એકતા નથી, પણ ભિન્નતા છે એવો શુષ્કજ્ઞાની મુખથી તો આત્માના શુદ્ધ સ્વરૂપની વાતો કરતો હોય છે કે ‘હું શુદ્ધ આત્મા છું. મારો આત્મા સર્વ પરદ્રવ્યથી ભિન્ન છે, અખૂટ સામર્થ્યનો ધણી છે, પૂર્ણ જ્ઞાનથી ભરપૂર છે'; પણ તેના અંતરમાં વિકારો સિવાય કશું જ હોતું નથી. સર્વ જીવ સિદ્ધ સમાન છે' એમ તે બોલતો હોય છે, પણ પોતાને બધાથી ઊંચો માનતો હોય છે; પોતે આત્માની ખૂબ નિકટ છે એમ બોલતો હોય છે અને તેનો સઘળો પુરુષાર્થ તો પોતાનાથી દૂર જવાનો થતો હોય છે; પોતે પરિપૂર્ણ છે સહજાનંદથી સભર છે એમ બોલતો હોય છે અને વિષયાદિની પ્રવૃત્તિ ઓછી કરતો નથી. તે વિષયસુખ, દેહની શાતા આદિનો અભિલાષી હોય છે. આ વિષે શ્રીમદ્ એક રમુજી દૃષ્ટાંત આપે છે
‘એક સંન્યાસી હશે તે પોતાના શિષ્યને ત્યાં ગયો. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે ‘ટાઢ ઘણી છે, અને નહાવું પડશે.' આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે ‘મૈં તો જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હૂં.' શિષ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયો, અને તેને શિખામણ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org