Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૭
૨૪૭
ત્યાં જ બેસી રહે તો તે કદાપિ પૂના પહોંચી શકતો નથી, તેમ શાસ્ત્રનો અભ્યાસી જો શબ્દો જ વાંચે અને સ્વનો અભ્યાસ ન કરે તો તે નિજધરે પહોંચી શકતો નથી. શબ્દ જ સત્ય છે એવી માન્યતાના કારણે તેનો વિકાસ રૂંધાઈ જાય છે. સમ્યક્ સાધના વડે સ્વની ઉપલબ્ધિ કરવાને બદલે તે શાસ્ત્રોનો આગ્રહ બાંધી બેસે છે અને તેથી તેને શાસ્ત્રીય અભિનિવેશ થઈ જાય છે.
કેવળ શાસ્ત્રોને વાંચવાથી આત્માનો અનુભવ થતો નથી, તે અર્થે આત્મચિકિત્સા કરવી આવશ્યક છે. જો કોઈ અંધ વ્યક્તિને પ્રકાશને જાણવાની ઇચ્છા થાય તો તે માત્ર પ્રકાશના સિદ્ધાંતોનો અભ્યાસ કરે, તેનું તત્ત્વજ્ઞાન માથે લઈને ફરે તો શું તેને પ્રકાશનું જ્ઞાન થઈ શકશે? ના. પ્રકાશને જાણવાના ચક્ષુહીન વ્યક્તિના આ બધા જ પ્રયત્નો વ્યર્થ છે. તે અંધ વ્યક્તિ જો પ્રકાશ અંગે માત્ર વિચારો કર્યા કરે તો તેનાં સમય, શક્તિ અને શ્રમ વ્યર્થ જાય છે. તેણે પ્રકાશનું જ્ઞાન મેળવવા પોતાના અંધાપાનો ઇલાજ કરવો જોઈએ. પ્રકાશના જ્ઞાન માટે આંખોનો ઇલાજ જરૂરી છે. અંધાપો એ સમસ્યા છે અને આંખોના ઇલાજથી તે સમસ્યા ઊકલી જશે. આંખો મળતાં પ્રકાશનું જ્ઞાન થશે. આંખોની ખોટ પ્રકાશ વિષેના વિચારમાત્રથી નહીં પુરાય. અંધાપાનો ઇલાજ કરવાને બદલે પ્રકાશના સિદ્ધાંતો મોઢે કરવાથી કંઈ નહીં વળે. પ્રકાશનું જ્ઞાન અને પ્રકાશ સંબંધીનું જ્ઞાન આ બે તદ્દન ભિન્ન વાતો છે. જેમ પ્રકાશની બાબતમાં છે, તેમ આત્માની બાબતમાં પણ છે. તેને જોવા માટે આંખો જોઈશે. ધર્મ એટલે અંતઃચક્ષુની ચિકિત્સા, ધર્મ એવી આંખોની ચિકિત્સા છે કે જે આંખો સર્વને ઉપલબ્ધ તો છે જ, પણ બંધ છે. કેવળ શાસ્ત્રોને વાંચવાથી નહીં પણ અંતર્દષ્ટિથી આત્માનું જ્ઞાન થાય છે અને તે અંતર્દ્રષ્ટિ ચિત્તના પરિવર્તનથી પ્રાપ્ત થાય છે.
સિદ્ધાંતોનું અધ્યયન કરવું, તેને મુખપાઠ કરવા, ચર્ચા કરવી ઇત્યાદિ અયોગ્ય નથી; પરંતુ તેટલામાત્રથી ધર્મ નથી. માત્ર સિદ્ધાંતોને ગોખવા તે ધર્મ નથી, પણ શાસ્ત્રનો અભ્યાસ કરી, તેના ઉપદેશ અનુસાર પોતાના ભાવમાં પરિવર્તન લાવવાથી ધર્મ સધાય છે. કોરા શાસ્ત્રાભ્યાસથી નહીં પણ ભાવપરિવર્તનથી આત્મા પ્રાપ્ત થાય છે. માત્ર શાસ્ત્રની સ્મૃતિથી સ્વયંનું જ્ઞાન થઈ શકે નહીં. સ્વની દિશામાં આગળ વધવા માટે તો સ્વપરિવર્તનની કિંમત ચૂકવવી પડે છે. સ્વમાં પ્રવેશવાથી જ સત્યની ઉપલબ્ધિ થાય છે, અધ્યાત્મની અનુભૂતિ થાય છે.
સત્યની પ્રાપ્તિ માટે સ્વનું અધ્યયન કરવું એ જ એક ઉપાય છે. સ્વયંનું અધ્યયન તે સ્વાધ્યાય છે. જો કે સામાન્યતઃ સ્વાધ્યાય શબ્દનો અર્થ ‘શાસ્ત્રનું અધ્યયન' એમ ક૨વામાં આવે છે, પરંતુ તે અર્થ અપૂર્ણ છે. જો શાસ્ત્રોનું અધ્યયન એ જ સ્વાધ્યાય હોત તો એ શબ્દમાં ‘સ્વ' જોડવાની કંઈ જરૂર રહેતી નથી. સ્વની પકડ વગર કરેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org