Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
શાસ્ત્રનું જાણપણું તથા વ્યાખ્યાનની કુશળતા પોતામાં હોવાથી, તેની વિશેષતા દર્શાવીને મોટાઈ બતાવવાની ઇચ્છા રહ્યા કરે છે, મોટાઈ-મહત્તાની કલ્પના વર્ષા કરે છે. તેને પોતાને જ્ઞાની કહેવરાવવાની ઇચ્છા વર્તે છે. તે પોતાને જ્ઞાની માનવા-મનાવવાની કુચેષ્ટા કરે છે. આ સંદર્ભમાં શ્રીમદે આ શાસ્ત્રની ગાથા ૯ ઉપર કરેલું વિવેચન પુનઃ ઉલ્લેખનીય છે. તેમાં શ્રીમદ્ લખે છે કે
-
..... જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્ગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે; અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનોને તેનો પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પોતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનોનો ઉપયોગ કરે છે, પણ તેવાં વચનો કયે લક્ષે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતો નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનનો જ નિષેધ છે. એમ છતાં તેનો લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેનો આત્મા મૂઢતાને પામ્યો છે, તેથી તેને વિચારનો અવકાશ રહ્યો નથી.'૧
શુષ્કજ્ઞાની પોતે શાની ન હોવા છતાં જ્ઞાનની વાતો કરવામાં કુશળ હોવાથી પોતાની જાતને જ્ઞાનીમાં ખપાવનાર અને પોતાનાં માન-પૂજાદિની કામના પોષનાર તે પામર જીવ સાચા જ્ઞાનીનો દ્રોહ કરે છે. તે સાચા જ્ઞાનીપુરુષને ઓળખી શકતો નથી, તેમના પ્રત્યે અહોભાવ કેળવી શકતો નથી. તેમના પ્રત્યે જેટલું વિનયાન્વિત થવું જોઈએ તેટલું તે થતો નથી. તે જ્ઞાનીપુરુષની આદર-ભક્તિ કરતો નથી. તેમના પ્રત્યે તેને સમર્પણભાવ જાગતો નથી. તેમની આજ્ઞાને સર્વાર્પણભાવે ઉપાસવામાં તેને પોતાનો સ્વચ્છંદ આડો આવે છે.
જ્યાં સુધી સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનો પ્રત્યે અચળ પ્રેમ આવતો નથી. તે વચનો પ્રત્યે જેવો થવો જોઈએ તેવો ઉચ્ચ ભાવ જાગતો નથી. જ્ઞાનીનાં વચનો તેના અંતઃકરણને સ્પર્શતાં નથી. જ્ઞાની જે સન્માર્ગ બતાવે છે, તેની અંતરમાં સૂઝ પડતી નથી. સ્વચ્છંદરૂપી મહાદોષના કારણે તે જ્ઞાનીનાં વચનોમાં શંકા કરવા લાગી જાય છે અને જ્ઞાનીનાં વચનો પૂર્વાચાર્યોનાં શાસ્ત્રો સાથે મેળ ખાતાં નથી એવું શોધવાનો પ્રયાસ કરનારી પોતાની દોષશોધક બુદ્ધિને તે પરીક્ષાબુદ્ધિમાં ખતવે છે. ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૯ (ગાથા ૯ ઉ૫૨ શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org