Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૮
૨૭૩
ન થાય તે માટે મુમુક્ષુ સતત જાગૃત રહે છે. બાહ્ય સંયોગોમાં પોતાના અવિકારી, શુદ્ધ, શાશ્વત સ્વરૂપના સ્મરણપૂર્વક સમતાભાવ જાળવવા તે પ્રયત્નશીલ હોય છે. આમ, મુમુક્ષુના અંતરમાં સમતાભાવ સદા જાગૃત રહે છે.
(૪) ‘ક્ષમા'
ક્રોધનું નિમિત્ત મળવા છતાં પણ ઉત્તેજિત ન થવું, કોઈ પ્રતિક્રિયા ન કરવી તેને ક્ષમા કહે છે. ક્રોધનું નિમિત્ત હોય તોપણ સ્વભાવમાં જ સ્થિર રહેવું તે ક્ષમા.
ક્ષમા એ આત્માનો ગુણ છે. બીજા તરફથી અગવડ, ઉપદ્રવ આદિ નિમિત્ત મળતાં, આત્મા ક્ષમાસ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે, ત્યારે તેના એ વિભાવપરિણમનને ક્રોધ કહેવામાં આવે છે. ક્રોધ આત્માનો વિભાવ છે અને તે ક્ષમાના અભાવસ્વરૂપે પ્રગટ થાય છે. તેથી સત્ય તો એ છે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે, પરંતુ કહેવામાં તો એમ જ આવે છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. એનું કારણ એ છે કે અનાદિથી આ આત્મા કદી પણ ક્ષમાસ્વભાવરૂપ પરિણમ્યો નથી, ક્રોધરૂપ જ પરિણમ્યો છે અને જ્યારે પણ તે ક્ષમાસ્વભાવરૂપ પરિણમે છે ત્યારે ક્રોધનો અભાવ થઈ જાય છે. તેથી ક્રોધના અભાવપૂર્વક ક્ષમારૂપ પરિણમન જોઈને કથન કરવામાં આવે છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે.
મુમુક્ષુ જીવ જાણે છે કે સુખ તો શાંતિ, સમતા, ક્ષમામાં છે. તે ક્રોધાગ્નિમાં બળવા નથી માંગતો. જગતમાં અગ્નિ બે પ્રકારના છે બાહ્ય અને આંતરિક. બહારનો અગ્નિ બીજાને બાળે છે, અંદરનો અગ્નિ પોતાને બાળે છે. એકથી સંસારી ડરે છે, બીજાથી મુમુક્ષુ ડરે છે. મુમુક્ષુને એ સભાનતા હોય છે કે ‘મારે બળવું નથી', તેથી તે ક્રોધાગ્નિને પોતાની પર્યાયમાં ઉત્પન્ન થવા દેતો નથી. ક્ષમાનું વર્ણન કરતાં કવિવર શ્રી ઘાનતરાયજીએ કહ્યું છે
'गाली सुन मन खेद न आनो, गुनको औगुन कहै अयानो . कहि है अयानो वस्तु छीनै, बांध मार बहुविधि करें;
धरतें निकारैं तन विदारै, बैर जो न तहां धरें. १
ઉપરોક્ત કડીમાં એમ કહેવામાં આવ્યું છે કે નિમિત્તોની પ્રતિકૂળતામાં પણ જે ઉત્તેજિત ન થાય તે જ ક્ષમાનો ધારક છે. જે ગાળ સાંભળી થપ્પડ મારે તે કાયાની વિકૃત્તિવાળો છે, જે ગાળ સાંભળી ગાળ આપે તે વચનની વિકૃત્તિવાળો છે, જે ગાળ સાંભળી મનમાં ખેદ લાવે મનની વિકૃત્તિવાળો છે; પરંતુ ગાળ સાંભળી મનમાં પણ ખેદ ન લાવે તે ક્ષમાધારી છે. આમ, કવિવર કહે છે કે ગાળ સાંભળી જેના મનમાં ૧- કવિવર શ્રી ઘાનતરાયજી, ‘દશલક્ષણ-પૂજા', અંગપૂજા, કડી ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org