Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૭
૨૪૫
રીતે પહોંચાડું?' તેઓ દોડતા બજારમાં ગયા. એક કિંમતી પેટી ખરીદી લાવ્યા. પેટીમાં સૂરજની રોશની, ઠંડી મધુર હવા, સાગરના નાચતા આલાદક વાતાવરણને ભરી, પેટીને ચારે બાજુથી એવી મજબૂત બંધ કરી કે જેથી અંદર જે ભરેલું છે તે બહાર નીકળી ન જાય. તાળું મારી તે પેટી પોતાની પ્રેમિકાને મોકલી અને સાથે એક પત્ર લખીને મોકલ્યો કે “મને સમુદ્રતટ ઉપર એક અત્યંત અદ્દભુત અનુભવ થયો અને મને એવા ભાવ જાગ્યા કે તું પણ એમાં ભાગીદાર થાય, તેથી આ પેટીમાં તને એ અનુભવ મોકલી રહ્યો છું. તું જરૂર ખુશ થશે.’ પેટી અને પત્ર તેમની પ્રેમિકાને પહોંચ્યાં. તેણે પહેલાં પત્ર વાંચ્યો. અત્યંત ખુશ થઈ તેણે તાળું ખોલ્યું, પરંતુ પેટીની અંદર તો કંઈ હતું નહીં! ન સૂરજનાં કિરણો હતાં, ન સાગરની હવા, ન આલાદક વાતાવરણ. પેટી બિલકુલ ખાલી હતી. તેની મૂંઝવણનો પાર ન રહ્યો.
જેઓ સત્યરૂપી સાગરના કિનારે પહોંચે છે, જેઓ સત્યનો અનુભવ કરે છે, તેમના પ્રાણમાં જગતના સર્વ જીવો માટે કરુણા ઊમટે છે. તેમને થાય છે કે પોતે જે જાણ્યે-અનુભવ્યું છે તે જગતના જીવો સુધી પહોંચે અને તેથી તેઓ તેને શબ્દોની પેટીમાં ભરી, જગતના દુ:ખી જીવોને આપે છે. પોતે જે અનુભવ્યું તેને શબ્દમાં ભરવાનો તેઓ પ્રયત્ન કરે છે. જ્ઞાની પુરુષો જાણે છે કે સત્ય શબ્દમાં આવી નહીં શકે, છતાં તેઓ શાસ્ત્રો રચે છે. આ ઉપરથી સર્વ જીવો પ્રત્યેની તેમની કરુણા પ્રગટ થાય છે. તેઓ પોતાનો અનુભવ જીવોમાં વહેંચી, તે અનુભવમાં જીવોને ભાગીદાર બનાવવા ઇચ્છે છે; પરંતુ જીવ પાસે જ્યારે શાસ્ત્રરૂપી પેટી આવે છે ત્યારે તેમાં માત્ર શબ્દો આવે છે. અનુભવ તો કિનારે જ રહી જાય છે. શાસ્ત્રો દુઃખી જીવો પાસે પહોંચી જાય છે, પણ ચૈતન્યની અનુભૂતિ તેમના સુધી પહોંચતી નથી.
તે મહાકવિની પ્રેમિકાએ ખાલી પેટી જોઈને વિચાર્યું કે મારા પ્રિયતમે ચોક્કસ તેમાં કંઈક ભરીને મોકલ્યું છે. તે શું હશે? આ પેટી જેની પાસેથી આવી, જ્યાંથી આવી ત્યાં અવશ્ય કંઈક અદ્ભુત વસ્તુ છે. એ પેટીમાં આવી શકે એમ નથી, પણ તે દ્વારા મને અદ્ભુત પ્રેરણા મળે છે કે તું સમુદ્રતટ ઉપર જલદી આવ, નહીંતર આ અપૂર્વ અનુભૂતિના આસ્વાદથી તું વંચિત રહી જશે.' વારંવાર એનો જ વિચાર કરવાથી તે ઉત્સાહિત થઈ ગઈ અને તેણે એમાંથી પ્રેરણા ઝીલીને, બધું પડતું મૂકીને પ્રયાણ કર્યું. યાત્રા કરી સાગરકિનારે પહોંચી અને પેટીમાં જે આવી શક્યું ન હતું તેની અનુભૂતિ પામી તે ધન્ય થઈ ગઈ.
આ રીતે આત્માર્થી જીવને પણ સમજાય છે કે ‘સત્ય કેવળ અનુભવગમ્ય છે અને તે શબ્દોથી પાર છે. ધર્મગ્રંથોમાં જ્ઞાનીની કરુણા, જ્ઞાનીની દયા, જ્ઞાનીનો પ્રેમ પ્રગટ થયો છે અને તે દ્વારા તેઓ પોતાના અનુભવમાં મને ભાગીદાર બનાવવા ઇચ્છે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org