Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આચરણ હર પળે ચૈતન્યની જાગૃતિપૂર્વક હોય છે. પળે પળે બોધપૂર્ણ રહી કર્મની નિર્જરા કરવી એ તેમનો ધર્મ છે. તેમની પ્રત્યેક ચર્યા પાછળ સમતા, નિઃસ્પૃહતા, નિષ્કારણ કરુણા જ હોય છે. જ્ઞાનીના આવા અંતરંગ ગુણો તરફ નજર હોવી જોઈએ. તેમના વર્તનનો આશય પકડી, તેમાંથી બોધ ગ્રહણ કરી, જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય, ત્યાં ત્યાં તે તે આચરણ કરવું જોઈએ.
સદ્ગુરુના અંતઃકરણ તરફ દૃષ્ટિ કરતાં શિષ્યને સમજાય છે કે સદ્ગુરુ આત્મસ્વરૂપમાં સ્થિત છે. તેમની સમસ્ત ચિત્તવૃત્તિઓ અંતર્મુખ છે. શરીરમાં વસવા છતાં તેમને શરીર સાથે કોઈ સંબંધ નથી. તેઓ દેહ છતાં વિદેહી બની ગયા છે. શરીર પ્રત્યે અહં-મમપણું નષ્ટ થઈ ગયું હોવાથી તેઓ તેનાથી પર છે. શત્રુ-મિત્રાદિ પ્રત્યે તેમને સમદર્શિતા વર્તે છે. તેમને વખાણ મીઠાં નથી લાગતાં, નિંદા કડવી નથી લાગતી. તેઓ સદા અલિપ્ત રહે છે. તેઓ શાતા-અશાતાથી જરા પણ વિચલિત થતા નથી. તેઓ રાગ-દ્વેષરહિત રહીને પૂર્વે બાંધેલાં કર્મના ઉદયને જ્ઞાતાભાવે જાણ્યા કરે છે. શાતા હોય કે અશાતા, તેઓ તો પોતાની આત્મમસ્તીમાં જ રહે છે. સદ્ગુરુની આવી વીતરાગદશાનું લક્ષ કરી, શિષ્ય શાતા-અશાતાના પ્રસંગોમાં પોતાને ઉત્પન્ન થતા ગર્વ
ગ્લાનિ, હર્ષ-શોક, ગમા-અણગમા આદિ દોષોની નિવૃત્તિ અર્થે પ્રયાસ કરે છે. સદ્ગુરુના ગુણોનું ચિંતન કરી તે દરેક પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરવાનો પ્રયત્ન કરે છે. અનુકૂળતા વખતે પણ સદ્ગુરુ કેવા મનોવિજયી, શાંત, ગંભીર રહે છે તેનો વિચાર કરી, શિષ્ય શાંત ભાવને અવગાહે છે. પુણ્યના ઉદયમાં તેઓ કેવી આશ્ચર્યકારક ઉદાસીન દશામાં સ્થિત રહે છે, સમપરિણામ રાખે છે, ગર્વ કે ગારવ તેમની પાસે આવી શકતા નથી - તેનો લક્ષ કરી, તેમાંથી બોધ લઈ, બળ મેળવી, શિષ્ય શાતાના પ્રસંગોમાં સમપરિણામે રહેવાનું શક્ય બનાવે છે. જેમ શાતાના ઉદય વખતે, તેમ અશાતાના ઉદય વખતે પણ સમપરિણામે રહેવાનું શક્ય બનાવે છે. દૈહિક વેદના, વિયોગ, સ્વજનાદિના મરણ આદિ પ્રસંગો વખતે અકથ્ય ખેદ ઉત્પન્ન થાય છે. તે પ્રસંગોમાં ચિત્ત સ્થિર રહેવું અત્યંત કઠિન છે, આત્માને સ્વસ્થ રાખવો અત્યંત વિકટ છે; તેથી તેવા પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય ત્યારે સ્વસ્થતાપૂર્વક - વૈર્યપૂર્વક તેને વેદવાની શક્તિ મેળવવા માટે શિષ્ય ગુરુની વીતરાગદશાનું મનન કરે છે, જેથી આત્મવીર્ય પ્રગટે અને નિજગુણોનો અંશે અંશે ઉઘાડ થતો જાય. પ્રતિકૂળતા વખતે સદ્ગુરુના વલણનું સ્મરણ કરી તે વિષમ પ્રસંગોમાં ટકી રહેવાનું બળ મેળવે છે.
જ્યારે સદ્ગુરુ સ્વરૂપ રમણતામાં મગ્ન થાય છે ત્યારે સુશિષ્ય સદ્ગુરુની સાક્ષાત્ વીતરાગમુદ્રા નીરખીને તે દશાની અદ્ભુતતા અને અપૂર્વતાના સલૂચિંતનમાં પડી જાય છે. તેને સદ્ગુરુની સ્વરૂપસ્થિતદશા નજરે જોઈ અત્યંત પ્રમોદ થાય છે. તે દશા પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org