Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોવાથી તેમને નરકમાં જવું પડે એવું પાપ થતું નથી, પણ કાયાથી જે હિંસા થાય છે; તેટલા પ્રમાણમાં કર્મબંધ તેમને અવશ્ય થાય છે.
આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ - ૭
વિકાર ભલે આત્માના સ્વભાવમાંથી આવતો નથી, પરંતુ વિકારની ઉત્પત્તિ તો આત્માની જ અવસ્થામાં થાય છે. જીવ જ્યારે સ્વરૂપને ભૂલે છે ત્યારે તે પોતે જ વિકાર કરે છે, કોઈ પરદ્રવ્ય તેને વિકાર કરાવતું નથી. આત્મા નિમિત્તના કારણે વિકાર કરે છે તે વાત બરાબર નથી. સામે નિમિત્ત એકનું એક હોવા છતાં ઉપાદાનને કારણે પરિણામમાં ફરક પડે છે. ઉદાહરણ તરીકે - એક વેશ્યા રસ્તા વચ્ચે મરેલી પડી હતી. તેના મૃતદેહને જોઈને સાધુ, ચોર, કામીપુરુષ અને કૂતરાને જુદા જુદા ભાવ આવ્યા. સાધુને એવો વિચાર આવ્યો કે “અહો! આવો મનુષ્ય અવતાર પામીને પણ આત્માની સમજણ કર્યા વગર આ બીચારી મરી ગઈ' , ચોરને એવો વિચાર આવ્યો કે “જો અહીં કોઈ ન હોત તો એના શરીર ઉપરના બધા દાગીના હું કાઢી લેત', કામીપુરુષને એવો વિચાર આવ્યો કે “જો આ જીવતી હોત તો એની સાથે ભોગ ભોગવત' અને કૂતરાને થયું કે “જો અહીંથી બધા ચાલ્યા જાય તો મને આના શરીરનું માંસ ખાવા મળે'. પરિસ્થિતિ એક જ હતી, પરંતુ મનઃસ્થિતિ જુદી જુદી હતી. નિમિત્તે એક પ્રકારનું હોવા છતાં દરેકના ઉપાદાનની સ્વતંત્રતાના કારણે વિચારમાં કેટલો બધો ફરક પડ્યો! જો નિમિત્ત વિકાર કરાવતું હોત તો બધાને એકસરખા ભાવ થાત. તેથી એમ સિદ્ધ થાય છે કે ઉપાદાનની સ્વાધીનતાથી જ કાર્ય થાય છે. જીવ જેવા ભાવ કરવા ઇચ્છે તેવા ભાવ તે કરી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં તે શુભ, અશુભ કે શુદ્ધ ભાવ કરી શકે છે. સમાધાન - ૭
નિમિત્ત જીવને વિકાર કરાવતું નથી, જીવ વિકાર કરવામાં સ્વતંત્ર છે તે વાત બરાબર છે; પણ જીવ વિકાર કરે ત્યારે બીજી ચીજ નિમિત્તરૂપે અવશ્ય હાજર હોય છે. આત્મામાં જે વિકારી ભાવ થાય છે તે શું નિમિત્ત વગર જ થાય છે? જો નિમિત્ત વગર એકલા આત્માથી જ વિકાર થતો હોય તો તે આત્માનો સ્વભાવ થઈ જાય અને તેથી સિદ્ધ ભગવંતને પણ વિકાર થવો જોઈએ; પણ વિકાર આત્માનો સ્વભાવ નથી અને તેથી નિમિત્તને આધીન થઈ જીવ વિકાર કરે છે. આત્મા વિકાર કરે છે તે પરના લક્ષે કરે છે કે આત્માના લક્ષે? આત્માના લક્ષે વિકાર થવાની આત્મામાં લાયકાત જ નથી, માટે વિકાર થવામાં પણ નિમિત્ત તો જરૂરી જ છે. જો કે એક જ નિમિત્તથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org