Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જીવની રુચિ જ જીવને તે કાર્યની પ્રેરણા આપે છે. ધનોપાર્જનની રુચિ હોય તો જીવ તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. તે ધનોપાર્જનમાં સહાયક નિમિત્તોને મેળવવાનો પ્રયત્ન કરે છે અને તેનાં બાધક નિમિત્તોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. વિષયભોગની રુચિ હોય તો પ્રાપ્ત ધનનો ઉપયોગ કરી અનુકૂળ વિષયસામગ્રીનો સંગ્રહ કરે છે અને તે ભોગના આધારભૂત શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારના તેના પુરુષાર્થ ઉપરથી તેની અંતરંગ રુચિનો પરિચય મળે છે. હવે જો તેની રુચિ બદલાય અને તેનો પુરુષાર્થ શાંતિની પ્રાપ્તિ તરફ વળે, તો તે માટે શાંતિની પ્રાપ્તિને અનુકૂળ એવાં નિમિત્તોનું ગ્રહણ કરે છે તથા પ્રતિકૂળ નિમિત્તોનો ત્યાગ કરે છે. જેમ ધનોપાર્જનની રુચિ હોય ત્યારે તો તે તદનુસાર નિમિત્તોનું ગ્રહણ-ત્યાગ કરે છે, તેમ શાંતિની રુચિ જાગૃત થતાં તે ધર્મસાધનામાં સહાયક નિમિત્તોનું ગ્રહણ કરે તથા તેમાં બાધક નિમિત્તોનો ત્યાગ ન કરે તે કેવી રીતે શક્ય બને? ધર્મની સાચી રુચિ જાગી હોય તો જીવ તે દિશામાં અવશ્ય પુરુષાર્થ કરે છે. તે શક્તિ અનુસાર મન-વચન-કાયાને ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રવૃત્ત કરે છે.
જીવ ધનોપાર્જનની દિશામાં નિમિત્તોનું ગ્રહણ-ત્યાગ કરતો રહે અને ધર્મની દિશામાં ઉપાદાનની વાતો કરી, નિમિત્તોની પસંદગી ન કરે તો તેને ધર્મની રુચિ છે જ નહીં એમ સિદ્ધ થાય છે. એ તો તેની પોતાની ચાલાકી છે. તે મનની અવળચંડાઈને ધાર્મિક શબ્દોના વાઘા પહેરાવે છે. જો તે સાંસારિક કાર્યોથી મુક્ત થઈ ધાર્મિક કાર્યોમાં યથાશક્તિ પ્રયત્ન કરે તો તેને ધર્મની સાચી રુચિ છે એમ કહી શકાય. સ્વરૂપલક્ષે નિમિત્તોની પસંદગી કરવાથી વિકલ્પોની નિવૃત્તિ થતી જાય છે. આ પુરુષાર્થના ફળ
સ્વરૂપે લૌકિક દિશા તરફની તીવ્ર ધારા ધીરે ધીરે વિરામ પામતી જાય છે અને શાંતિદિશાગામી ધારા ધીરે ધીરે ઉદ્દીપ્ત થતી જાય છે. જીવ નિશ્ચિતપણે મોક્ષને પાત્ર થાય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યાં સુધી બાહ્ય નિમિત્ત અનુસાર પોતાનું ચિત્ત ગમા-અણગમાના ઝૂલે ચડતું હોય, ત્યાં સુધી સાધકે આત્મવિકાસ અર્થે સાધક-બાધક નિમિત્તો વચ્ચે પસંદગી કરવી શ્રેયસ્કર છે. નિમિત્તોની વિવેકપૂર્વક પસંદગી કરવામાં તેનું હિત સમાયેલું છે.
નિમિત્તાધીન જીવે ધર્મભાવનાને પ્રેરક એવા સંયોગ, સ્થાનાદિનું સેવન કરવું જોઈએ અને રાગ-દ્વેષનાં પ્રેરક નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. એ ભૂમિકાએ જીવે સ્વરૂપાભિમુખ રહેવા માટે જેનાથી પોતાને સહાય મળતી હોય એવાં નિમિત્તોનો સંગ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જેનાથી રાગ-દ્વેષ, વાસના-વિકાર, વિષય-કષાય આદિ જાગૃત થતાં હોય તેવાં નિમિત્તોથી અળગા રહેવા સજાગ રહેવું જોઈએ, નહીંતર નિશ્ચયનાં વચનોનું અવલંબન તેને આત્મવંચનાના વમળમાં ગોથાં ખવડાવશે. શાસ્ત્રોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org