Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૬
૨૨૯
હતાં, હવે સદ્ગુરુનાં દૃશ્ય ગમે છે. તેણે જ્ઞાનને તો બહારનું બહાર જ રાખ્યું, જ્ઞાનની દિશા ન બદલી. સદ્ગુરુનાં દર્શનથી એવી પ્રેરણા લેવી જોઈએ કે જેના બળે ઉપયોગ અંતર્મુખ થઈ જાય, જ્ઞાનની દિશા બદલાઈ જાય, અંતરમાં ઊતરાય. આમ થાય તો એ દર્શન પરમાર્થે કામનું છે, નહીં તો તે માત્ર એક શુભ પ્રવૃત્તિ થઈ. દૃષ્ટિ દૃશ્યમાંથી ખસી દ્રષ્ટા તરફ વળે તો જ પરમાર્થષ્ટિએ કાર્ય થયું ગણાય.
સદ્ગુરુના દુર્લભ યોગમાં અંદર ઝૂકવાનું કાર્ય ત્વરાથી ઉપાડવું જોઈએ. તેમની ઉપસ્થિતિમાં અંતરમાં વળી જવું જોઈએ. સદ્ગુરુની પાસે આવી પોતાની ભીતર ઝૂકવું જોઈએ, સ્વરૂપની પકડ કરવી જોઈએ. ઉપયોગને અંતરમાં વાળી ત્યાં જ ઠરી જવું જોઈએ. આમ કરવામાં સદ્ગુરુની ઉપેક્ષા નથી થતી પણ તેમની સાચી ભક્તિ થાય છે, સાચું આજ્ઞાપાલન થાય છે. દૃષ્ટિ પરથી હટાવી સ્વમાં સ્થિર કરવાની સદ્ગુરુની આજ્ઞા છે. નિમિત્તાધીન દષ્ટિ છોડી ત્રિકાળી ઉપાદાનમાં દૃષ્ટિને જોડવી જોઈએ. આમ કરવામાં જ તેમની સાચી ભક્તિ રહી છે. એક પ્રસિદ્ધ દૃષ્ટાંતથી આ વાત સમજીએ.
ગુરુ દ્રોણે સો કૌરવ તથા પાંચ પાંડવ રાજકુમારોને ધનુર્વિદ્યા શીખવી હતી. વિદ્યાદાનનું ફળ જોવા તેમણે એક કસોટી યોજી. દૂરના એક ઝાડ ઉપર માટીનું પક્ષી મૂકી તેની આંખની કીકી વીંધવાનું રાજકુમારોને કહેવામાં આવ્યું. એક પછી એક રાજકુમાર આવવા માંડ્યા. ધનુષ ઉપર બાણ ચઢાવે, એટલે ગુરુ દ્રોણ તે દરેકને અટકાવીને પૂછતા કે વત્સ, તને શું દેખાય છે?' કોઈએ કહ્યું કે ચારે તરફનું બધું દેખાય છે, તો કોઈએ કહ્યું કે નિકટ ઊભેલા ભાઈઓ દેખાય છે. કોઈને ગુરુના ચરણ, કોઈને ગુરુની મુદ્રા, કોઈને ઝાડ, કોઈને ડાળી, તો કોઈને પક્ષી દેખાતાં હતાં. આમ, અલગ અલગ જવાબ ગુરુ દ્રોણને મળતા ગયા અને ગુરુ તે દરેકને એમ ને એમ પાછા મોકલતા ગયા. અંતે અર્જુન આવ્યો. તેણે ઉત્તર આપ્યો કે મને માત્ર પક્ષીની કીકી દેખાય છે. તેને બાણ ચલાવવાની રજા મળી. તેણે કીકી વીંધી અને કસોટીમાં ઉત્તીર્ણ થયો. દ્રોણાચાર્ય દુર્યોધન આદિના પણ ગુરુ હતા, છતાં તેમને ખ્યાતિ અર્જુનના ગુરુ તરીકે મળી, કારણ કે અર્જુને તેમણે બતાવેલા લક્ષ્ય તરફ દૃષ્ટિ કરી હતી. ગુરુએ બતાવેલ માર્ગ ઉપર ચાલીને એ લક્ષ્યની પ્રાપ્તિ કરવી કે જે લક્ષ્યની પ્રાપ્તિનો ગુરુએ નિર્દેશ કર્યો હોય. તે તરફ પુરુષાર્થને વાળવામાં જ સદ્ગુરુનું સાચું સન્માન છે, એમાં તેમની રંચમાત્ર પણ ઉપેક્ષા થતી નથી. જીવે સદ્ગુરુના ઉપદેશ દ્વારા વિકલ્પાત્મક ક્ષયોપશમશાનમાં શુદ્ધાત્માનો તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ. વારંવાર તેમનું પડખું સેવી, ઉપયોગને બધાં નિમિત્તોથી હટાવી, ઉપયોગને ધ્રુવ ઉપાદાનની સન્મુખ કરવાનો નિરંતર નિયમિત અભ્યાસ કરવો જોઈએ; તો કોઈ ધન્ય પળે સર્વ વિકલ્પો છૂટી જશે અને શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે. શુદ્ધાત્મામાં સ્થિર થવાના પ્રયત્ન તે જ સાચી ભક્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org