Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૫
૧૯૭ દોષ, ભૂમિકા, રુચિ, પ્રકૃતિ, સંજોગો, કર્મોદય આદિ જોઈને તેને આજ્ઞા આપે છે. તેઓ શિષ્યના રોગનું નિદાન કર્યા પછી જ તેને સારવાર સૂચવે છે, તેથી તેને યથાર્થ રીતે અનુસરવામાં આવે તો જીવ અવશ્ય રોગમુક્ત થાય છે. આદેશરૂપ આજ્ઞા માત્ર તે ભોક્તા જીવ માટે જ હોય છે. એક જીવ માટેનું માર્ગદર્શન અન્ય જીવોને લાગુ ન પડી શકે. જે વસ્તુ એક જીવ માટે લાભનું કારણ હોય, તે અન્યને તથારૂપ ભૂમિકાના અભાવે નુકસાનનું કારણ પણ થઈ શકે. સગુરુ પાસેથી શિષ્યને જે આદેશાત્મક આજ્ઞા મળે છે એ માત્ર તેના જ ઉદ્ધાર માટે હોય છે. તે આજ્ઞા ત્રણે યોગના એકત્વથી આરાધતાં જીવ પોતાનો આત્મવિકાસ ત્વરાથી સાધી શકે છે અને સ્વરૂપમાં સ્થિત થાય છે. સદ્ગુરુની આજ્ઞા વિના ત્રણે કાળમાં કલ્યાણ થાય જ નહીં - એ જે સમજે છે, સ્વીકારે છે, તદનુસાર જીવન જીવે છે તે પોતામાં સમાઈ જાય છે. સદ્ગુરુની આજ્ઞાની આવશ્યકતા તથા મહત્તા બતાવતાં શ્રીમદ્ લખે છે કે --
જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. .... જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.”
સ્વચ્છેદરૂપી મહાદોષનું સેવન કરી જીવ અનાદિ કાળથી રખડ્યો છે. હું જાણું છું, હું સમજું છું' એવા પ્રકારના અભિમાનથી જીવે પોતાની ઇચ્છા પ્રમાણે પ્રવર્તન કરી, પોતાનું ખૂબ અહિત કર્યું છે. હું જાણું છું ના ભાવના કારણે તેને જ્ઞાનીની ઓળખાણ થતી નથી, તેમના પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગતો નથી, તે જીવ જ્ઞાની પ્રત્યે સમર્પણભાવે ઢળતો નથી અને પરિણામે તેની મોક્ષયાત્રા શરૂ થતી નથી. તે અનેક ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૧-૪૧૨ (પત્રાંક-૫૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org