Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ક્રિયાકાંડના બાહ્ય ભેદોને વીંધીને તેમાં રહેલી અભિન્નતા સમજી શકે એ જ આ ગાથાનો પવિત્ર ઉદ્દેશ છે.
અહીં સહજપણે વિચાર થાય કે જો પરમાર્થમાર્ગ અભિન્ન છે તો વ્યવહારમાર્ગમાં ભેદ કેમ છે? આ સંશયનું સમાધાન કરતાં જ્ઞાનીઓ જણાવે છે કે જીવે બાહ્યમાં કયાં સત્સાધનોનું સેવન કરવું જરૂરી છે તે તેની બાહ્ય તથા આંતર પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. જુદા જુદા દેશ-કાળ-સંયોગો અનુસાર તેની સાધનાનું બાહ્ય કલેવર જુદું પડે છે. વળી, તે આત્મવિકાસની કઈ ભૂમિકામાં છે તે અનુસાર સત્સાધનોનું માળખું ઘડાય છે. આમ, વ્યવહારમાં જે ભેદ જોવામાં આવે છે તે દેશ, કાળ, સંયોગો તથા જીવની પાત્રતાની ભિન્નતાના કારણે છે.
જ્ઞાની પુરુષો દરેક જીવને તેની ભૂમિકા તથા બાહ્ય પરિસ્થિતિ અનુસાર જુદાં જુદાં સત્સાધન સૂચવે છે, જુદું જુદું માર્ગદર્શન આપે છે. તેઓ પાત્રવિશેષને લક્ષમાં લઈ, કોઈ પણ પ્રકારે શિષ્યને માર્ગમાં સ્થિર કરવો એ જ એકાંત હિતહેતુપૂર્વક માર્ગદર્શન આપતા હોવાથી તેમણે આપેલાં માર્ગદર્શનમાં ભેદ પડે છે. જ્ઞાની પુરુષરૂપી શિલ્પી, પથ્થરની જેવી જરૂરિયાત હોય તે રીતે ટાંકણાં પાડે છે. કોઈ પથ્થરને પૂર્વથી, કોઈને પશ્ચિમથી, કોઈને ઉપરથી તો કોઈને નીચેથી તોડવો પડે. કોને કયો દોષ કેટલો નડે છે અને તે દોષ ક્યારે, કઈ રીતે કઢાવવાનો છે તેની પૂરી જાણ જ્ઞાની પુરુષોને હોય છે. તેઓ જીવના દોષ જાણે છે અને તે તે દોષની નિવૃત્તિ અર્થે ભિન્ન ભિન્ન સમયે, ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે.
જો કોઈને નિશ્ચયનો આગ્રહ હોય તો જ્ઞાની તેને વ્યવહારનો ઉપદેશ આપે અને જો કોઈને વ્યવહારનો આગ્રહ બંધાયો હોય તો તેને નિશ્ચય સમજાવે. કોઈ જીવ નિશ્ચયાભાસી થઈ, સ્વચ્છેદે પ્રવર્તતો હોય તો જ્ઞાની તેને ભક્તિ-સત્સમાગમાદિનો ઉપદેશ આપે, ત્યાગ-વૈરાગ્યાદિની જરૂરિયાત છે એમ જણાવે. કોઈ જીવ વ્યવહારાભાસી થઈ, કેવળ બાહ્ય ક્રિયા કરીને ધર્મ માનતો હોય તો તેને ક્રિયાનો આગ્રહ છોડાવી સ્વરૂપ સમજવાનો ઉપદેશ આપે. તેને સમજાવે કે વૃત્તિને સ્વસમ્મુખ કરવા યોગ્ય છે. માત્ર સગુરુ આદિ નિમિત્ત ઉપર વજન આપી વ્યવહારમાં અટકનાર જીવને કહે કે કોઈના આશીર્વાદમાત્રથી તારું કલ્યાણ નહીં થાય. તારું કલ્યાણ તારી પાસે છે. બીજા પાસે ગીરવી મૂક્યું નથી કે કોઈ તને આપી દે.' આમ, નિમિત્તના આલંબને જો કોઈ ઉપાદાન તરફ વળતો ન હોય તો તેનો આગ્રહ છોડાવવા જે માર્ગદર્શન આપે, તેના કરતાં તદ્દન અલગ પ્રકારનું માર્ગદર્શન, જો કોઈ ઉપાદાનની વાત કરી શુભ નિમિત્તનો અનાદર કરતો હોય તો તેને આપે. અહીં એટલું ખાસ સમજવાની જરૂર છે કે વસ્તુસ્વરૂપ જ્ઞાનીના લક્ષ બહાર હોય નહીં, પરંતુ પાત્રવિશેષને અનુલક્ષીને તેઓ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org