Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૪
૧૬૫
શોધવાં પડે, તપેલી શોધવી પડે, પાણી શોધવું પડે અને ત્યારપછી દાળ-ચોખા રાંધવાં પડે ત્યારે ખીચડી થાય. ખીચડી બનાવવી એ પરાધીન કાર્ય છે, જ્યારે સ્વભાવની પ્રાપ્તિ તો ખીચડી બનાવવા કરતાં પણ સહેલું કાર્ય છે, કારણ કે એ સ્વાધીન કાર્ય છે. શ્રદ્ધાનમાંથી વિપરીતતા કાઢી નાખતાં સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય છે.
કોઈને પ્રશ્ન થાય કે કોઈક કોઈક સ્થળે સ્વભાવની પ્રાપ્તિનું કાર્ય સુલભ બતાવવામાં આવે છે, પણ કોઈક કોઈક સ્થળે તેને મહાદુર્લભ બતાવવામાં આવે છે. તો આ બન્નેમાં સત્ય વાત કઈ છે?
આનો ઉત્તર એ છે કે આ બે કથન પરસ્પર વિરોધી નથી પણ એકબીજાને પૂરક છે. બન્ને કથનો સત્ય છે. સ્વભાવની પ્રાપ્તિ સ્વાધીન હોવાથી સુલભ છે અને અનાદિ કાળથી અનુપલબ્ધ હોવાથી દુર્લભ પણ છે. જે જીવ આત્મોન્મુખી પુરુષાર્થ આદરે તેને માટે મહાસુલભ છે, પરંતુ જે જીવ જાગૃત નથી થયો, તેના માટે તે મહાદુર્લભ છે.
જ્યાં સુધી સંજ્ઞી પંચેન્દ્રિયદશાની ઉપલબ્ધિ ન થઈ હોય ત્યાં સુધી સ્વભાવની પ્રાપ્તિ સંભવિત નથી. મનુષ્યપર્યાય પ્રાપ્ત થાય તો પણ અનભ્યાસના કારણે પણ તે દુર્લભ છે, પરંતુ જો જીવ અંતર્મુખી પુરુષાર્થ ઉપાડે તો અલ્પ સમયમાં પ્રાપ્ત થાય એવું હોવાથી સુલભ છે.
જિનાગમોનું પ્રયોજન તો જીવની દષ્ટિને જગત ઉપરથી હટાવી જ્ઞાનાનંદસ્વભાવી આત્મા ઉપર લગાડવાની છે, તેને રત્નત્રયની પ્રાપ્તિ કરાવી અનંત સુખનો સ્વામી બનાવવો છે. આ પ્રયોજનની સિદ્ધિ અર્થે સ્વભાવપ્રાપ્તિની દુર્લભતા અને સુલભતા એમ બન્ને પ્રકારનાં કથન કરવામાં આવે છે. સ્વભાવપ્રાપ્તિની દુર્લભતા બતાવીને તેની પ્રાપ્તિ માટે જીવને જાગૃત કરવામાં આવે છે અને સ્વભાવપ્રાપ્તિની સુલભતા બતાવીને તેની પ્રાપ્તિ અંગેના અનુત્સાહનો નાશ કરવામાં આવે છે. સ્વભાવસ્થિરતા આજ સુધી પ્રાપ્ત થયેલ ન હોવાથી તેને દુર્લભ બતાવીને તેના પ્રતિ અનુરક્તિ કરાવવામાં આવે છે. જો જીવ સ્વભાવસ્થિરતાને અત્યંત કઠિન માનીને પુરુષાર્થહીન થવા લાગે તો તેના ઉત્સાહને જાગૃત રાખવા માટે સ્વભાવ સ્થિરતાની સુલભતાનું જ્ઞાન કરાવવામાં આવે છે. એક તરફ જીવને ઉપલબ્ધ મનુષ્યદેહ આદિ સંયોગોની દુર્લભતાનું ભાન કરાવવામાં આવે છે અને તેની સાર્થકતા માટે અતિ દુર્લભ એવા રત્નત્રયને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવે છે; પરંતુ જો દુર્લભતાની વાતથી જીવનું ચિત્ત શિથિલ થવા લાગે તો સ્વાધીનતાની અપેક્ષાએ રત્નત્રયની સુલભતા બતાવીને તેને પ્રાપ્ત કરવાના પુરુષાર્થને જાગૃત કરાવવામાં આવે છે, તે અંગેના ઉત્સાહને વધારવામાં આવે છે. આમ, બન્ને પ્રકારનાં કથનો ઉપયોગી છે. સ્વભાવપ્રાપ્તિની દુર્લભતા અને સુલભતાનાં કથન એક જ ઉદેશનાં પૂરક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org