Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે અને બાહ્ય સર્વ પરિવર્તનોથી પોતાને કશી જ અસર થતી નથી. આ દષ્ટિ ખૂલવાથી રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના, સમભાવમાં રહી, સંકલ્પ-વિકલ્પની પકડમાંથી તે મુક્ત બની જાય છે. પોતાની તાત્ત્વિક સત્તા દેહાદિથી પર છે એમ સમજાતાં, શરીર, વિષયો વગેરેમાંથી રાગ-દ્વેષ છૂટતા જાય છે. જેટલા અંશે રાગ-દ્વેષ ઓછા થાય છે, તેટલા અંશે આત્મા સ્થિરતા અને શાંતિનો અનુભવ કરે છે.*
જેમ સિદ્ધ ભગવાનને મન-વચન-કાયા છૂટી ગયાં છે અને જ્ઞાન તેમજ આનંદ રહ્યાં છે, તેમ મારાં મન-વચન-કાયા છૂટી શકે છે. મારામાં જ્ઞાન અને આનંદ ભરેલાં છે. હું પરનો જાણનાર-જોનાર છું. હું કોઈનો કરનાર-હરનાર નથી. દરેક પદાર્થનું રૂપાંતરણ પોતપોતાના કારણે થઈ રહ્યું છે, તેનો હું માત્ર જાણનાર છું' એમ અંતરની રુચિપૂર્વક પોતાના જ્ઞાયકસ્વરૂપનું ઘોલન ચાલુ રાખવામાં આવે તો પરમાં જામેલાં એકત્વ-મમત્વનાં વાદળ અવશ્ય વિઘટિત થાય છે, રાગનો તંતુ જરૂર તૂટે છે. સમ્યક દિશામાં કરવામાં આવેલો સમ્યક્ પુરુષાર્થ નિષ્ફળ નથી જતો. હું અખંડ, જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ છું; મન-વાણી-કાયા હું નથી; મન-વાણી-કાયાથી થતાં કાર્યો મારાં નથી' એવા નિર્ણયપૂર્વક મન-વાણી-કાયાની ક્રિયાને શાંત ભાવે માત્ર જોયા કરવાથી સિદ્ધપણું પ્રગટે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે –
દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સરૂપ રે. કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ-વેલ રે;
રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે.” મોક્ષાર્થી જીવ નક્કી કરે છે કે હું પણ સિદ્ધની જાતનો છું, સિદ્ધોની પંક્તિમાં બેસું તેવો મારો સ્વભાવ છે.' તે પોતાના સિદ્ધ સમાન સ્વભાવને પોતાના ધ્યેયરૂપ રાખીને સ્વ-પરનું ભેદજ્ઞાન કરે છે. ‘ઇન્દ્રિયો કે શરીરાદિ મારાથી પર છે, વિકાર પણ મારા સ્વરૂપથી પર છે, જડથી ભિન્ન અને વિકારથી ભિન્ન મારું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ સ્વ છે' એમ તે સ્વ-પરનું ભેદજ્ઞાન કરે છે. એક અખંડ શુદ્ધ જ્ઞાયક આત્મવસ્તુ હું છું, તે જ મારું સર્વસ્વ છે, બીજું બધું જ મારાથી બહાર છે' એમ પરથી પોતાની ભિન્નતાનું તે ચિંતન કરે છે. ‘શરીર, કર્મ કે કર્મની ઉપાધિથી થયેલા વિભાવભાવો - બધાથી રહિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તે જ હું છું' એમ તે પોતાના શુદ્ધ સ્વરૂપનો લક્ષ કરે ૧- જુઓ : શ્રી સિદ્ધર્ષિગણિજીકૃત, ‘ઉપમિતિ ભવપ્રપંચા કથા', પ્રસ્તાવ ૭, શ્લોક ૨૦૩
'ततो विविक्तमात्मानं, सदानन्दं प्रपश्यतः ।
नास्य संजायते द्वेषो, दुःखे नापि सुखे स्पृहा ।।' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘અમૃતવેલની સઝાય', કડી ૨૪, ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org