Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
જીવ સુખ-શાંતિ જેટલો બહારથી લેવા જાય છે, તેનો ઉપયોગ એટલો વધુ બહાર ફંગોળાય છે. પોતાના અસ્તિત્વથી બહાર જતાં જ સ્વસીમાનું ઉલ્લંઘન થાય છે. પોતે જે છે તેનાથી ભિન્ન એવા વિજાતીય તત્ત્વો સાથે સંબંધિત થવાથી દુ:ખ ઉત્પન્ન થાય છે. જે પોતાથી ભિન્ન જ છે, તેને પોતાનું બનાવવા માટે જીવ ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ તે તેનું થઈ શકતું નથી. જે સંભવિત નથી, તે કરવાની ચેષ્ટા અસફળતામાં જ પરિણમે છે. પરને પોતીકું બનાવવાનો ભાવ જ દુઃખ પેદા કરે છે. પરને પોતીકું બનાવવા જીવ ગમે તેટલી મહેનત કરે તોપણ તેની બધી શક્તિ, આયુષ્ય આદિનો અપવ્યય જ થાય છે. આ દુ:ખ જીવનું અધર્મ સાથે જોડાઈ જવાનું જ પરિણામ છે.
૧૬૦
સ્વસીમાનું ઉલ્લંઘન કરી અન્ય સાથે સંબંધ જોડવાની ચેષ્ટા તે અધર્મ છે. સ્વયંને છોડીને બીજાને મેળવવાનો પ્રયાસ કરવો તે અધર્મ છે. અન્ય પ્રત્યે સુખની આકાંક્ષા સહિતની દૃષ્ટિ રાખવી તે અધર્મ છે. પર તરફ દોડતી ચેતનધારા તે અધર્મ છે. જીવની આ દોડ અટકી જાય અને સ્વભાવ તરફ વળે, સ્વયંમાં સ્થિર થાય તે ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ સુધી પહોંચવાની વિધિ. જીવ પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયો છે, ભટકી ગયો છે; માટે તે તરફ પાછા વળવાની વિધિ ધર્મ છે. ધર્મનો અર્થ છે સ્વભાવ ઉપર દૃષ્ટિ કરવી, સ્વભાવમાં રહેવું. જે પોતે છે એની સભાનતામાં ક્ષણે ક્ષણે રહેવું. જીવનમાં જેટલો પણ આનંદ મળવાની સંભાવના છે તે આ ધર્મના દ્વારથી પ્રવેશ કરે છે. જીવનમાં જે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે તે આ ધર્મના આકાશમાં ઉડાણ કરવાથી પ્રાપ્ત થાય છે. જીવનમાં જે શુદ્ધિ પ્રગટે છે તે આ ધર્મના મૂળમાંથી પોષણ પ્રાપ્ત થતાં શક્ય બને છે.
ઉપયોગને સ્વભાવ તરફ દોરવારૂપ વીતરાગનો ધર્મ પ્રાણીમાત્ર માટે હિતકારી છે, ઉપકારી છે, મંગલમય છે. રાગનો આશ્રય છોડીને શુદ્ધાત્માનો આશ્રય કરતાં નિજકલ્યાણ થાય છે. પોતાના ધ્રુવ સ્વભાવનો આશ્રય લેતાં ચૈતન્યવિલાસ પ્રગટે છે. પોતામાં શુદ્ધ પર્યાય પ્રગટ કરવા, વિકારી પર્યાય ટાળવા માટે એકમાત્ર સ્વભાવ જ આશ્રયભૂત છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રય વિના નિજપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યાં શુદ્ધાત્માનો આશ્રય નથી ત્યાં ધર્મ નથી. પરના આશ્રયે કદી ધર્મ થતો નથી. તેના આશ્રયે તો રાગ-દ્વેષ થાય છે. સ્વસત્તાના આશ્રયથી જ ધર્મ સધાય છે. અંતરમાં ચૈતન્યનું જેટલું અવલંબન હોય એટલો જ સાધકભાવ હોય. એવા સ્વાશ્રયભાવની એક કણિકા પણ જેનામાં જાગૃત નથી થઈ, તે પરાશ્રયભાવના કેટલા પણ પહાડ ખોદી કાઢે તોપણ તેના હાથમાં કંઈ નથી આવતું. ત્રણે કાળમાં ધર્મ તો આત્માના અવલંબને જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org