Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૪
૧૫૭ આત્મા જ છે. આત્મા પોતે જ અંતર્મુખદૃષ્ટિથી સાધન થઈને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરે છે. જે જીવ બહારમાં કે રાગમાં સાધન માને છે, તે જીવ ધર્મનું સ્વરૂપ યથાર્થ રીતે સમજ્યો જ નથી.
શરીરની ક્રિયાને પોતાની માનવી, તેમાં ધર્મ માનવો તથા રાગને પોતાનું સ્વરૂપ માનવું, તેનાથી ધર્મ માનવો તેમાં મિથ્યાત્વનો મોટો દોષ લાગે છે. તેનાથી સંસારપરિભ્રમણ થાય છે. દેહાદિથી ભિન્ન એવા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ કરવી તે નિર્દોષ કાર્ય છે અને તે જ મોક્ષનું કારણ છે. સત્સમાગમે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ઓળખાણ કરીને તેનું ધ્યાન કરવું તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ કાર્ય છે. ચિદાનંદસ્વરૂપ એવા આત્માનું સંવેદન કરવાને જ ભગવાન નિર્દોષ કાર્ય કહે છે. જીવ વિપરીત સમજણપૂર્વક જે કાંઈ કરે તે બધું સદોષ છે.
જીવે પર્યાયમાં આત્માની પ્રસિદ્ધિ કરવા યોગ્ય છે, એકરૂપ શુદ્ધ ચૈતન્યને ગ્રહણ કરવા યોગ્ય છે. જે જીવને સ્વરૂપપ્રાપ્તિની જિજ્ઞાસા જાગે છે, રુચિ થાય છે, લગની લાગે છે તે આત્મતત્ત્વનો નિર્ણય કરવા સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. તે જીવ આત્માના સ્વરૂપની ઓળખાણ કરવામાં પોતાના વીર્યને જોડે છે. તે શરીરાદિ અને રાગાદિથી ભિન્ન આત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરે છે. તે શરીરાદિ પરપદાર્થો, જ્ઞાનાવરણીયાદિ કર્મો અને રાગાદિ ઉપાધિભાવોને આત્માથી ભિન્ન જાણે છે. તે નિજસ્વરૂપને પરદ્રવ્ય-પરભાવથી ભિન્ન, અવિનાશી, શાશ્વત, જ્ઞાતા-દ્રષ્ટા જાણે છે. શરીરાદિ અજીવ, રાગાદિ વિભાવભાવ, જ્ઞાનાનંદમય સ્વભાવભાવ એ ત્રણેનું સ્વરૂપ જુદું જુદું છે; તેમાં જ્ઞાનાનંદમય સ્વભાવભાવને તે નિજરૂપ જાણે છે અને બાકી સર્વને નિજરૂપથી બહાર જાણે છે.
સાધક જીવ ભેદજ્ઞાન દ્વારા આત્માનો મહિમા વધારે છે. આત્મા જ્ઞાયક ભગવાન છે. આત્મા અનંત અનંત ગુણોથી સંપન્ન છે. તેને માથે પરના કર્તુત્વના કે રાગના બોજા ન શોભે. પર અને રાગની ભેળસેળ વગરનો શુદ્ધ જ્ઞાયકસ્વભાવ પોતે પોતામાં શોભે છે. ચૈતન્યસૂર્યના પ્રકાશમાં પરપદાર્થ કે રાગ ટકી શકતા નથી. રજનો કણ હોય કે રાગનો કણ, તે ચૈતન્યસ્વરૂપ થઈ શકતા નથી અને ચૈતન્યસ્વભાવ પણ રજકણરૂપ કે રાગરૂપ થઈ શકતો નથી. ચેતન ક્યારે પણ જડ ન થાય અને સ્વભાવ ક્યારે પણ વિભાવ ન થાય. સ્વલક્ષણ વડે તેની અત્યંત ભિન્નતા છે. આવી વિચારણા દ્વારા સાધક જીવ ભેદજ્ઞાન વડે મોક્ષસુખને સાધે છે. તે ભેદજ્ઞાનમાં મગ્ન રહે છે, લીન રહે છે. ભેદજ્ઞાનમાં પોતાને નિશ્ચલપણે સ્થાપનાર સાધક જીવ અવશ્ય મોક્ષને પામે છે. શરીરાદિ અને રાગાદિથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેનું જ્ઞાન કરનાર જીવ મુક્ત થયા વિના રહેતો નથી. યથાર્થ ભેદજ્ઞાનનું ફળ મોક્ષ છે. પૂર્વે જે કોઈ જ્ઞાની થઈ ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org