Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૦૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ક્રિયાકાંડો યાંત્રિકપણે કર્યા કરે છે. તે ઉપવાસાદિ ક્રિયામાં અટકી જાય છે. વ્રતાદિમાં આ ખપે અને આ ન ખપે આદિ બાહ્ય વિધિનિષેધના આરહોને તે વળગી રહે છે અને તેમાં જ ધર્મ છે એમ માની લે છે. તે વિધિ-નિષેધના આગ્રહોમાં રચ્યોપચ્યો રહે છે પણ આત્મસન્મુખ થતો નથી. ધર્મના નામે પણ તે બહિર્મુખ રહે છે, અંતર્મુખ થતો નથી. તે ક્રિયાઓ કરીને પણ માત્ર પરિઘ ઉપર જ ઘૂમ્યા કરે છે, કેન્દ્ર તરફ જતો નથી. તે ભોજનમાં, કપડાંમાં, શરીરમાં ગૂંચવાયેલો રહે છે, પણ તેને આત્માને ઓળખવાની આવશ્યકતા જ લાગતી નથી. બાહ્ય ક્રિયાઓ કરીને પોતે ધર્મ કરી રહ્યો છે એવી ભ્રાંતિમાં તે જીવે છે. તે અન્યને પણ બાહ્ય ક્રિયા ઉપરથી જ મૂલવે છે. જે ખૂબ દાન કરે, ખૂબ ઉપવાસ કરે તેને તે મોટો ધાર્મિક ગણે છે. કેવળ બાહ્ય ક્રિયા એ જ તેને માટે ધાર્મિકતાનો માપદંડ હોય છે.
કેવળ બાહ્ય ક્રિયાથી ધર્મ માનનારો આવો ક્રિયાજડ જીવ નિશ્ચય-વ્યવહારની સંધિરૂપ જિનમતની બહાર છે. સ્વભાવની જાગૃતિ વિના તેનાં કર્મ ક્ષય થતાં નથી. જીવ સ્વભાવની રુચિ કરે તો તેનું વીર્ય સ્વભાવ તરફ ઢળે, પરંતુ ક્રિયાજડને સ્વભાવની રુચિ ન હોવાથી તેનું વલણ સ્વભાવસમ્મુખ થતું નથી અને તેથી મિથ્યાત્વ ટળતું નથી. તેને ત્રિકાળી જ્ઞાનસ્વભાવ રુચતો ન હોવાથી સમ્યગ્દર્શન થતું નથી. સ્વભાવની ઓળખાણ ન હોવાથી તેને રાગની રુચિ છૂટતી નથી અને આત્મપ્રાપ્તિ થતી નથી. નિશ્ચયની અપૂર્વ વાત તે સમજ્યો ન હોવાથી તેનું કાર્ય સધાતું નથી. જીવે નિશ્ચયને લક્ષમાં રાખ્યા વગર અનંત વાર બાહ્ય ક્રિયાઓ કરી છે, પરંતુ એકલી બાહ્ય ક્રિયાથી કદી કાર્યસિદ્ધિ થતી નથી. જીવ ગમે તેટલા પ્રયત્નો કરે - ગમે તેટલાં અનુષ્ઠાનો કરે, પણ જો નિશ્ચયનો લક્ષ ન હોય તો એ મિથ્યા દોડાદોડીથી કાંઈ સાર વળતો નથી. સ્વરૂપના લક્ષ વિના જે પણ પ્રયત્ન થાય છે, તેના ફળરૂપે ક્યારે પણ સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી; માટે જીવે પોતાના સ્વરૂપ પ્રત્યે બોધપૂર્ણ થવું જોઈએ. તેણે આત્માનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. અભ્યાસ દ્વારા સ્વસ્વરૂપની યથાર્થ ઓળખાણ કરવી જોઈએ. પરિઘથી કેન્દ્ર તરફ ગતિ કરવી જોઈએ. સ્વરૂપ પ્રત્યે સજાગ રહી, ધર્મક્રિયાઓ કરવામાં આવે તો જીવ મિથ્યાષ્ટિ રહે નહીં. ‘હું જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છું' એ લક્ષમાં રાખી ધર્મપ્રવૃત્તિ કરવામાં આવે તો અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
આમ, જીવે નિશ્ચયનું મૂલ્ય સમજવા યોગ્ય છે. સ્વરૂપલક્ષના અભાવમાં કોઈ પણ ધાર્મિક ક્રિયા ધર્મમાં ગણના પામતી નથી. લક્ષપૂર્વક ક્રિયા કરવામાં આવે છે ત્યારે જ તે ધર્મની સંજ્ઞા પામે છે. તેથી માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં અટકી રહેવા યોગ્ય નથી, પરંતુ તેમાં સ્વરૂપનું લક્ષ જોડી આગળ વધવા યોગ્ય છે. ધર્મક્રિયા એ માત્ર સાધન છે, સાધ્ય નથી; સાધ્ય તો સ્વરૂપમાં પ્રસ્થાપિત થવું, ઉપયોગને શાંત-નિર્વિકલ્પ કરવો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org