Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૨૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
અંશે પણ પ્રવેશ પામતા નથી, આત્માની ગુણસમૃદ્ધિમાં કોઈ પરિવર્તન થતું નથી, કોઈ હાનિ થતી નથી. દેહાદિ સંયોગોને આત્માના નિર્મળ સ્વભાવમાં ન ખતવાય. કોઈની વસ્તુ થોડા સમય માટે ઉછીની લાવવામાં આવે તો તેને ઘરની મૂડીમાં ન ખતવાય, તેમ આત્મા ત્રિકાળી શુદ્ધ પૂર્ણ આનંદધન છે, આત્માથી પર એવાં મન, વાણી, દેહને તેમાં ન ખતવાય.
નિશ્ચયનય આત્માના મૂળ સ્વભાવને જુએ છે, જણાવે છે; જ્યારે વ્યવહારનય વર્તમાન અવસ્થાને જુએ છે, જણાવે છે. નિશ્ચયનય ત્રિકાળી શુદ્ધ સ્વભાવને જાણે છે અને વ્યવહારનય વર્તમાન પર્યાયને, રાગાદિને જાણે છે. આત્માને પર્યાયથી ભિન્ન એક અભેદ શુદ્ધાત્મસ્વભાવરૂપે જાણવો એ નિશ્ચય છે અને આત્માને પર્યાયના ભેદ સહિત જાણવો, તેની પર્યાયગત શુદ્ધતા-અશુદ્ધતા જાણવી એ વ્યવહાર છે. ત્રિકાળ ટકતો સામાન્ય એકરૂપ આત્મસ્વભાવ અને વર્તમાન અવસ્થા એમ બન્ને મળીને આખી આત્મવસ્તુ છે એમ ખ્યાલમાં લેવું તે પ્રમાણ છે. કોઈ ૭૦ વર્ષના પુરુષને આગલે દિવસે તાવ આવ્યો હોય અને બીજા દિવસે મટી જાય, તે પુરુષને વર્તમાન રોગીનીરોગી અવસ્થાના ભેદપણે ન જોતાં એકરૂપ ૭૦ વર્ષનો છે એમ જોવું તે નિશ્ચયદૃષ્ટિ છે, તે નિશ્ચય તરફનું લક્ષ ગૌણ કરી વર્તમાન રોગી-નીરોગી અવસ્થા જોવી તે વ્યવહારષ્ટિ છે અને તે બે અપેક્ષાના ભેદ ન પાડતાં, પુરુષને સમગ્રપણે જાણવો તે પ્રમાણ છે. તેમ આત્મામાં ત્રિકાળ ટકનાર જ્ઞાયક એકરૂપ ભાવને જોવો તે નિશ્ચયનય છે, અખંડ પડખાનું લક્ષ ગૌણ કરી વર્તમાન અવસ્થાને જોવી તે વ્યવહારનય છે અને ત્રિકાળી અખંડ આત્મા અને વર્તમાન ક્ષણિક અવસ્થા તે બન્ને પડખાંનું એકસાથે અખંડ વસ્તુપણે જ્ઞાન કરવું તે પ્રમાણ છે.
ત્રિકાળી ધ્રુવ આત્મસ્વભાવ અમલ છે, તેમાં મલિનતા છે જ નહીં. આત્મસ્વભાવમાં નિર્મળતા કે પવિત્રતા કરવાની નથી, તે તો અત્યંત અમલ અને પૂર્ણ પવિત્ર જ છે. આત્મસ્વભાવ પર્યાયથી ભિન્ન અનાદિ-અનંત ત્રિકાળ શુદ્ધ છે. જે પણ મલિનતા છે તે પર્યાયમાં છે. કર્મના નિમિત્તે પર્યાયમાં શુભાશુભ ભાવરૂપ વિકાર ઉત્પન્ન થતા હોવાથી આત્મા પર્યાયથી અશુદ્ધ છે. વર્તમાન અવસ્થા અશુદ્ધ હોવાથી આત્મા પર્યાયમાં બંધદા ભોગવે છે. પરાશ્રયના કારણે ક્ષણિક વિકારી અવસ્થા છે, પરાશ્રય છૂટી જતાં વિકાર નાશ પામે છે. નિશ્ચયનય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવનું પ્રતિપાદન કરે છે અને વ્યવહારનય વર્તમાન અશુદ્ધ અવસ્થાનું પ્રતિપાદન કરે છે. નિશ્ચયનય બતાવે છે કે આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને વ્યવહારનય બતાવે છે કે આત્મા વર્તમાન દશાએ અશુદ્ધ છે. નિશ્ચયદૃષ્ટિએ જોતાં આત્માના ત્રિકાળી ધ્રુવ પડખા પ્રત્યે લક્ષ જાય છે, આત્માના શુદ્ધ સ્વભાવનો સ્વીકાર થાય છે અને વ્યવહારષ્ટિએ જોતાં આત્માની ક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org