Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શુદ્ધ, બુદ્ધ, અસંગ, અબંધ આત્મા છું' એવી વાતો માત્ર પોપટપાઠ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે –
અવયવ સવિ સુંદર હોય દેહેં, નાકે દીસેં ચાઠો;
ગ્રંથ જ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક કિસ્યો શ્રુતપાઠો રે." નિશ્ચયાભાસી જીવ ત્રિકાળી સ્વરૂપની વાતો કર્યા કરે છે, પણ વર્તમાન પર્યાયમાં પોતાને થતા વિકારનો તે સ્વીકાર પણ નથી કરતો. તે પોતાની વિષયલાલસા આદિનો સ્વીકાર નથી કરતો. તે પોતાના દોષો નથી જોતો. તે પોતાની ભૂલોનાં ઉપરાણાં લઈ તેનું રક્ષણ કરે છે. ગમે તે ભોગે પણ તે પોતાના દોષોનું રક્ષણ કરે છે. વિષયલાલસા આદિ પોષવા છતાં પોતાને નિર્દોષ, પવિત્ર ગણાવવામાં તેની શક્તિ વપરાય છે. આવી રીતે તે દોષોને પોષણ આપતો હોવાથી દોષો ખસતા જ નથી, પણ ઘર કરી જાય છે. ભૂલોનાં ઉપરાણાં લેવાનું બંધ કરે તો ભૂલ જાય. ભૂલોનો એકરાર કરે તો ભૂલોને મળતું રક્ષણ અટકે અને પછી દોષોને વિદાય લેવી જ પડે. તે પોતાની રુચિને - વૃત્તિને પકડે, પોતાની દરેક નિર્બળતાનો - દોષનો સ્વીકાર કરે કે “આ મારી જ ખામી છે, હું જ એને નિર્મૂળ કરવા માટે પ્રયત્ન નથી કરતો', તો તે દર્શનમોહની પુષ્ટિમાંથી અને તેનાથી થતા નુકસાનમાંથી બચી શકે; પરંતુ જીવ ભૂલોનું રક્ષણ કરે છે, તેનો બચાવ કરે છે અને તે દ્વારા દર્શનમોહને પુષ્ટ કરી પોતાના આત્માનું અહિત કરે છે.
નિશ્ચયાભાસી જીવ પર્યાયની શુદ્ધિ ઉપર જરા પણ લક્ષ નથી આપતો. તે ‘આત્મા શુદ્ધ છે' એવું બોલે છે, પણ તે શુદ્ધતાના વદન માટે જરા પણ પ્રયત્ન નથી કરતો. ‘અપરિણામી, ધ્રુવ, કૂટસ્થ જ્ઞાયકસ્વભાવનો સ્વીકાર કરવો તે જ કર્તવ્યરૂપ છે' એમ કહી તે પર્યાયને ગણકારતો નથી. એ વાત સત્ય છે કે અપરિણામી, ત્રિકાળી તત્ત્વ જ મુખ્ય છે, કારણ કે તેના ઉપર નજર થતાં સમ્યગ્દર્શન થાય છે અને પરમ આનંદનો અનુભવ થાય છે. પર્યાયના આશ્રયે જીવ દુઃખી થાય છે, તેથી તેને ગૌણ કરીને ત્રિકાળી સ્વભાવને મુખ્ય કહ્યો છે. ત્રિકાળી ધ્રુવ તત્ત્વનું લક્ષ કરાવવા માટે પર્યાયને ગૌણ કહી છે. લક્ષ ધુવ તત્ત્વ ઉપર રાખવાનું છે, પર્યાય તરફ નથી રાખવાનું, માટે પર્યાયને ગૌણ કરવાનું કહ્યું છે. આમ, લક્ષની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરવાનું કહ્યું છે, પરંતુ ધ્રુવ સ્વભાવનો અનુભવ પર્યાયમાં જ થાય છે. આત્માની પર્યાયમાં આનંદ અને વીતરાગતાનું વદન થાય છે. અપરિણામીનો નિર્ણય કરનાર, તેની સન્મુખ થનાર પર્યાય છે. પલટાતી પર્યાય જ નહીં બદલાતા એવા ત્રિકાળી’નો નિર્ણય કરે છે. ‘સ્વભાવ કૂટસ્થ, ધ્રુવ, અપરિણામી છે એવો નિર્ણય પર્યાય કરે છે. પર્યાય ત્રિકાળી વીતરાગતાનો નિર્ણય કરે છે અને તેથી પર્યાયમાં વીતરાગતા આવે છે. આ રીતે લક્ષની ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાલરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૩, કડી ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org