Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સાંપ્રદાયિકતા અને દૃષ્ટિની ઉદારતાને સ્પષ્ટપણે સમજવા એક ઉદાહરણ જોઈએ. ચિકિત્સા માટે ઍલોપથિ કે બીજી કોઈ પદ્ધતિ સ્વીકાર્યા પછી તેમાં એટલા બધા બંધાઈ જવું કે ગમે તે વ્યક્તિ માટે અને ગમે તેવા દેશ-કાળમાં અને ગમે તેવી પરિસ્થિતિમાં તે જ પદ્ધતિની ઉપયોગિતા સ્વીકારવી અને બીજી તમામ પદ્ધતિઓ વિષે દ્વેષવૃત્તિ દાખવવી એ દૃષ્ટિની સંકુચિતતા છે. તેથી ઊલટું કોઈ પણ એક પદ્ધતિનો સવિશેષ આશ્રય લીધા પછી પણ ઇતર પદ્ધતિઓના વાસ્તવિક ઉપયોગી અંશો તે તે પદ્ધતિની દૃષ્ટિએ માન્ય રાખવા એ દૃષ્ટિની ઉદારતા છે.
૧૪૦
જો જીવમાં દૃષ્ટિની ઉદારતા ખીલી ન હોય અને તે સાંપ્રદાયિકતાના બંધનમાં જકડાયેલો હોય તો, જ્યારે જ્યારે એકતાના પ્રસંગો આવે છે ત્યારે ત્યારે તેને વ્યામોહ આડો આવે છે. ધર્મને નામે ઉદ્ભવેલું અને પોષાયેલું માનસિક સંકુચિતપણું, મિથ્યા અભિમાન, મતાગ્રહ જીવોને એક થતાં અને મળતાં અટકાવે છે. કોઈ નજીવી બાબત જતી કરવાની હોય ત્યાં ગચ્છ-મતના ઝેરીલા અને સાંકડા સંસ્કારો આવીને તેમ કરતાં રોકે છે. ગચ્છ-મતના મોટા મનાતા ધર્મગુરુઓ જો કદાઞહી કે મતાગ્રહી હોય તો તેઓ એકબીજાને મળવા તૈયાર થતા નથી, તેઓ બીજા સાથે એકરૂપ થઈ નથી શકતા; જ્યારે આગ્રહરહિત માણસો સહેલાઈથી એકબીજાને મળે છે. એકતાનો અને લોકકલ્યાણનો દાવો કરનાર ગચ્છ-મતના ધર્મગુરુઓ એકબીજાથી જુદા રહે છે. આ રીતે ગચ્છ-મતની કલ્પના સત્ય અને એકતાની આડે આવે છે. જીવ પોતે જ પોતાના ગચ્છમતના આગ્રહરૂપ શસ્ત્રથી સત્ય અને એકતાનો ઘાત કરે છે. ગચ્છ-મતના આગ્રહ વડે તે ધર્મનો દ્રોહ કરે છે. ગચ્છ-મતનો આગ્રહી જીવ પોતાને ધર્મપ્રચારક માનતો હોવા છતાં હંમેશાં ધર્મનો જ ઘાત કરે છે. આમ, ગચ્છ-મતના આગ્રહમાં ધર્મ નથી. ધર્મના નામે થતા અહંભાવ, મમત્વભાવ તથા ગચ્છ-મતની કલ્પના હિતકર નથી, તે સર્વ્યવહાર નથી.
આ ગાથાની પ્રથમ પંક્તિ એ વિચાર કરવા પ્રેરે છે કે નિશ્ચયની દિશામાં ગતિ જે વ્યવહારના આધારે કરવાની છે, તે વ્યવહાર કેવો હોવો જોઈએ? આ વિષે સાધકના ચિત્તમાં સ્પષ્ટતા હોવી અત્યંત જરૂરી છે. શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું એ સાધકનું ધ્યેય છે. આ ધ્યેયને સિદ્ધ કરવામાં જે જે અનુષ્ઠાન, ક્રિયાકાંડ કે સાધનાપદ્ધતિ સહાયકારી નીવડે છે તે બધાં મોક્ષમાર્ગના વ્યવહારમાં ગણના પામે છે. સર્વ્યવહારમાં માત્ર અમુક મતપંથનિર્દિષ્ટ ક્રિયાકલાપ જ ગણના પામે છે એવું નથી. ભલે ભિન્ન ભિન્ન મતપંથોના બાહ્ય ક્રિયાકાંડનું માળખું જુદું હોય, પણ જો તેના વડે શુદ્ધ સ્વરૂપની જાગૃતિ સધાતી હોય તો તે વ્યવહાર મુક્તિસાધક છે. ‘અધ્યાત્મસાર’માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે બાહ્ય લિંગ-વેષ-અનુષ્ઠાન ભલે જુદાં હોય, એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org