Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૨
૧૨૯ સાચી દિશા સાંપડે, પણ જો તે પુરુષાર્થ ન આદરે તોપણ પ્રયોજન સિદ્ધ થતું નથી. જો તે ગતિ કરે જ નહીં તો તે ક્યારે પણ ગંતવ્ય સ્થાને પહોંચતો નથી. પણ જો દિશા સાચી હોય અને ચાલમાં વેગ હોય તો જીવ શીઘ્રતાથી ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે.
મહાસાગરની સફર ખેડતાં નાવિકને દિશા નક્કી કરવામાં હોકાયંત્ર મદદ કરે છે, તેમ ભવસમુદ્રને પાર કરવા સાધનારૂપી નાવમાં બેઠેલાને સ્વરૂપની દિશા ચીંધીને નિશ્ચય તેને આડે માર્ગે ફંટાઈ જતા ઉગારી લે છે. જેમ હલેસાં મારનાર હલેસાં મારીને હોડીને ગતિ આપે છે, તેમ નિશ્ચયે ચીંધેલ દિશામાં જો મુમુક્ષુ વ્યવહારરૂપી હલેસાં મારીને ગતિ કરતો રહે તો તે ભવસાગરને પાર કરી જાય છે.
માર્ગ ઉપર ગતિ કરવા માટે જેમ જમણા અને ડાબા પગ બનેનું મહત્ત્વ છે, તેમ મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બન્નેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જેમ ડાબા કે જમણા બન્નેમાંથી કોઈ પ્રત્યે પક્ષપાત રાખ્યા વિના માર્ગ ઉપર એક પગ બરાબર ટેકવીને બીજા પગને ઊંચો કરી આગળ મૂકવામાં આવે છે, તેમ મુક્તિમાર્ગમાં નિશ્ચયનો આધાર લઈને વ્યવહાર દ્વારા નિજસ્વરૂપઘર તરફ ગતિ કરી શકાય છે. નિશ્ચય સાધકને તેના શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની સાચી ઓળખાણ કરાવે છે અને વ્યવહાર તે જ્ઞાયકસ્વરૂપની પ્રાપ્તિમાં મદદ કરે છે. આમ, નિશ્ચય અને વ્યવહાર અને પરસ્પર સહાયરૂપ હોવાથી કોઈ પણ એક પક્ષનો મિથ્યા આગ્રહ સેવ્યા વિના તે બન્નેનો સમન્વય કરવો ઘટે છે. જ્ઞાન કે ક્રિયામાંથી કોઈ એકના જ પક્ષકાર બની જવાથી સાધનાનો રથ મુક્તિપથ ઉપર પ્રગતિ કરતો નથી. આત્માર્થી જીવ કોઈ એકનો પક્ષકાર ન બનતાં નિશ્ચયનયનિર્દિષ્ટ શુદ્ધ સ્વરૂપને લક્ષમાં રાખી વ્યવહારનયનિર્દિષ્ટ મલિન અવસ્થા ટાળવા સત્સાધનની આરાધનામાં તત્પર રહે છે. તે નિશ્ચયનય અને વ્યવહારનયની સમતુલા બરાબર જાળવી રાખે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ (નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામીના સ્તવન'માં ફરમાવે છે - મેં મતિમોહે એકજ નિશ્ચય નય આદર્યો રે, કે એકજ વ્યવહાર;
ભૂલા રે ભૂલા રે, તુજ કરુણાયે ઓલખ્યા રે. શિબિકા વાહક પુરુષ તણી પરે તે કહ્યા રે, નિશ્ચય ને વ્યવહાર;
મિલિયા રે મિલિયા રે, ઉપગારી નવિ જૂજૂઆરે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત
ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧, સૂત્ર ૧-૪૯ 'हतं ज्ञानं क्रियाहीनं हता चाज्ञानिना क्रिया ।' 'संयोगमेवेह वदन्ति तज्ज्ञा न ोकचक्रेण रथः प्रयाति ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org