Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૧૭
સ્થાન નથી. તેનું સમાધાન કરતાં જ્ઞાનીઓ કહે છે કે જેમ સમુદ્રના પાણીનું એક બિંદુ સમુદ્ર ન કહેવાય તેમજ અસમુદ્ર પણ ન કહેવાય. તેના માટે એટલું જ કહેવાય કે તે સમુદ્રનો એક અંશ છે. જો સમુદ્રના એક બિંદુને સમુદ્ર માનવામાં આવે તો એ બિંદુ સિવાયનો સમુદ્રનો શેષ ભાગ અસમુદ્ર બની જાય અથવા જો સમુદ્રના દરેક બિંદુને એક એક સમુદ્ર ગણવામાં આવે તો એક જ સમુદ્રમાં અસંખ્ય સમુદ્રનો વ્યવહાર થવા લાગે. હકીકતમાં એવો વ્યવહાર સંભવે નહીં. તેના માટે કેવળ એટલું જ કહી શકાય કે બિંદુ સમુદ્રનો અંશ છે. તે જ રીતે નય તે પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી; પરંતુ પ્રમાણનો એક અંશ છે, તેથી આંશિક સત્ય છે. જેમ પ્રમાણ શુદ્ધ જ્ઞાન છે, તેમ નય પણ શુદ્ધ જ્ઞાન છે. ફરક એટલો જ કે પ્રમાણનું શુદ્ધ જ્ઞાન પૂર્ણ વસ્તુને સ્પર્શે છે અને નયનું શુદ્ધ જ્ઞાન વસ્તુના અંશને સ્પર્શે છે. નયની પ્રવૃત્તિ પ્રમાણ દ્વારા જાણવામાં આવેલ પદાર્થના એક અંશમાં થાય છે. મર્યાદાનું તારતમ્ય છતાં એ બન્ને શુદ્ધ જ્ઞાન જ છે. જૈન દર્શનમાં પ્રમાણ અને નય બન્નેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નય પ્રમાણથી અભિન્ન છે, પ્રમાણનો એકદેશ છે તથા તેની પ્રામાણિકતામાં કોઈ સંદેહની સંભાવના નથી. વસ્તુસ્વરૂપના પ્રતિપાદનમાં એ પ્રામાણિક છે. જૈન દર્શનની આ અનુપમ કથનશૈલીની ઉપેક્ષા કરવી ઉચિત નથી.
ગાથા-૧૩૨
પ્રમાણદૃષ્ટિ વસ્તુના પૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરે છે અને નયદૃષ્ટિ વસ્તુના જુદા જુદા ધર્મને ખંડરૂપે ગ્રહણ કરે છે. તો પ્રશ્ન એ થાય કે જો નય પ્રમાણનો અંશ જ હોય તો તેની ભિન્ન પ્રરૂપણા શા માટે? પ્રરૂપણા શું એક જ પ્રકારે ન થઈ શકે? તેનું સમાધાન આ પ્રમાણે છે
પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. કેવળજ્ઞાનમાં એ અનંત ધર્મો યુગપત્ જણાય છે. સમગ્ર વિશ્વના સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ પદાર્થોનું, તેના સર્વ ભાવ અર્થાત્ સર્વ ગુણ-પર્યાય સહિતનું સમયમાત્રમાં થતું જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કેવળી ભગવંતો એકસાથે અનંત ધર્મોને જાણી શકે છે, તેમ છતાં તેનું કથન કરવું હોય તો તે ક્રમશઃ જ સંભવિત બને છે. તેમને વસ્તુના અનંત ધર્મોનું જ્ઞાન એકીસાથે થતું હોવા છતાં તેને પ્રગટ કરવાની સામગ્રી(વાણી)ની મર્યાદાના કારણે તેનું કથન ક્રમશઃ જ બની શકે છે. એ બધાનું કથન એકીસાથે સંભવિત નથી, કારણ કે શબ્દોની શક્તિ સીમિત છે, એ એક સમયમાં એક જ ધર્મને કહી શકે છે. દ્રવ્યદૃષ્ટિથી વસ્તુ જે સમયે નિત્ય છે, પર્યાયદૃષ્ટિથી તે જ સમયે અનિત્ય પણ છે, પરંતુ વાણીથી જ્યારે નિત્યતાનું કથન કરવામાં આવે ત્યારે અનિત્યતાનું કથન સંભવિત નથી, તેથી નયની પ્રરૂપણા આવશ્યક છે.
કેવળી ભગવંતો દરેક વસ્તુનાં સર્વ પડખાંઓનું એકીસાથે જ્ઞાન કરી શકે છે, પરંતુ તેનું કથન એકીસાથે નથી કરી શકતાં; જ્યારે છદ્મસ્થ જીવને તે સર્વ પડખાંઓનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org