Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવને બાહ્ય અનુકૂળ સંયોગો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અનેક રિદ્ધિ-સિદ્ધિલબ્ધિઓ તથા અઢળક બહુમૂલ્ય બાહ્ય સંપત્તિ આદિનો યોગ હોવા છતાં સાધક જીવ તે સર્વમાંથી ઉપયોગને પાછો ખેંચી શકે છે. “સુંદર શરીર અને સાનુકૂળ સંયોગો એ પરની રચના છે, એમાં કશું મારું નથી' એવી જાગૃતિપૂર્વક તે સ્વરૂપમાં દૃષ્ટિ સ્થાપી શકે છે. સ્વર્ગના અત્યંત અનુકૂળ સંયોગમાં પણ સમ્યગ્દર્શન પ્રગટાવી શકે છે.
એવા કોઈ સંયોગ નથી કે જેમાં સાધના ન થઈ શકે, ધર્મ ન થઈ શકે. અંધારું ગમે તેટલું ગાઢ હોય, પણ તે પ્રકાશને પ્રગટવામાં બાધારૂપ ન બની શકે; તે જ પ્રમાણે એવી કોઈ પરિસ્થિતિ નથી કે જે સાધના કરવામાં અટકાવે, કારણ કે સાધકરૂપ કે બાધકરૂપ થવાનો ગુણ પરિસ્થિતિમાં છે જ નહીં. પરિસ્થિતિ અંતર્મુખ થવામાં અંતરાય કરી શકતી નથી. જીવ જ જો પોતાને રોકવા ઇચ્છે તો તે વાત જુદી છે. પરિસ્થિતિ કાંઈ તેને રોકતી નથી, રોકી શકતી પણ નથી. અંદર ન જવામાં જીવની અરુચિ અને પ્રમાદ જ કારણભૂત છે.
પરિસ્થિતિ ઉપર કશું જ નિર્ભર નથી. જીવ પરિસ્થિતિને કઈ રીતે લે છે તેના ઉપર જ બધું નિર્ભર છે. કોઈ રસ્તા ઉપર પડેલા પથ્થરોને પણ પગથિયાં બનાવે છે, જ્યારે પરિસ્થિતિને ખોટી રીતે મૂલવી કોઈ પગથિયાને પણ પથ્થર ગણી - રસ્તાની આડ ગણી તેનો વાંક કાઢે છે! તેથી જીવની દૃષ્ટિ ઉપર જ બધું નિર્ભર છે. જીવનો પરિસ્થિતિ તરફનો દૃષ્ટિકોણ જ જવાબદાર છે. પરિસ્થિતિ તરફનો અભિગમ વિપરીત હોય તો જીવની વૃત્તિ વિષમ બને છે અને તેને સાધના કરવી અશક્ય લાગે છે. તે અનુકૂળતા કે પ્રતિકૂળતા બન્નેમાં સાધના નથી કરતો, જ્યારે સાધકનો સંયોગો પ્રત્યેનો અભિગમ યથાર્થ હોવાથી તે અનુકૂળતા કે પ્રતિકૂળતા બન્નેમાં સાધના કરે છે. તે અનુકૂળતામાં લીન થઈને કે પ્રતિકૂળતામાં દીન થઈને આરાધનાથી ડગતો નથી. તે દરેક પરિસ્થિતિમાં પોતાની આરાધના ચાલુ રાખે છે.
આમ, પરિસ્થિતિની અનુકૂળતા-પ્રતિકૂળતા આત્મધ્યાનને રોકતી નથી. ચિદાનંદમૂર્તિ, નિર્દોષ, નિર્લેપ ચૈતન્યગોળો અંતરમાં બિરાજમાન છે. તેમાં એકાગ્રતા કરવી તે હિતકર છે, બાકી બધા ભાવ અહિતકર છે. બહારની કોઈ પરિસ્થિતિ હિતરૂપ કે અહિતરૂપ નથી. સર્વ પરસંયોગો જોય છે, માટે જીવે તેમાં ઠીક-અઠીકપણાનો ભાવ આરોપવાનું છોડી દેવું જોઈએ. સંયોગોની ફરિયાદ ન કરવી જોઈએ, પરંતુ યથાર્થ સાધના કરવી જોઈએ. ફરિયાદી વલણ ન રાખતાં દરેક પરિસ્થિતિમાં સાધનામય જ રહેવું જોઈએ. પરિસ્થિતિનો વાંક ન કાઢતાં અંતર્મુખતાના પ્રયત્ન કરવા જોઈએ, નહીં તો ક્લેશિત ભાવમાં રહેવાનું થાય છે. પરિસ્થિતિઓમાં ઉલઝાવાનું નથી પણ અંતરમાં ચાલ્યા જવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org