Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૧
૯૧
છે, તેથી તેઓ ક્રિયાનો નિષેધ કરે છે; પણ જિનમતમાં ક્રિયાની આવશ્યકતાનો અસંદિગ્ધ સ્વીકાર કરવામાં આવ્યો છે.
જૈન દર્શનમાં ધર્મક્રિયાના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ પાડ્યા છે. તેમાં દ્રવ્યક્રિયાને ભાવક્રિયામાં કારણભૂત ગણવામાં આવે છે. આનો અર્થ એમ નથી કે જેટલી દ્રવ્યક્રિયાઓ હોય તે બધી ભાવક્રિયામાં કારણભૂત હોય જ. સ્વરૂપના લક્ષે, જિનાજ્ઞા અનુસાર થતી દ્રવ્યક્રિયા જ ભાવક્રિયામાં કારણભૂત બને છે. આવી દ્રવ્યક્રિયાઓને શાસ્ત્રોમાં પ્રધાનભૂત દ્રવ્યક્રિયા કહી છે. જ્યાં સ્વરૂપનું લક્ષ ન હોય, મોક્ષની ઇચ્છા ન હોય તેવી દ્રવ્યક્રિયા ભાવક્રિયામાં કારણભૂત બની શકતી નથી. ઐહિક સુખના પ્રલોભનથી, નરકાદિના ભયથી, લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ થતી આવી દ્રવ્યક્રિયાઓને અપ્રધાનભૂત દ્રવ્યક્રિયા કહેવાય છે.
અચરમાવર્ત કાળમાં પ્રવર્તમાન જીવને જિનેશ્વરદેવ પ્રત્યે સાચું બહુમાન આવતું નથી અને તે જીવને સંસારની અભિલાષા પણ તીવ્ર હોય છે, તેથી અચરમાવર્ત કાળમાં થતી દ્રવ્યક્રિયા ભાવક્રિયામાં કારણભૂત બનતી નથી. અચરમાવર્ત કાળમાં રહેલા જીવને સંસારનું સુખ જ સદા પ્રિય હોય છે. ઐહિક સુખ વિનાના મોક્ષની વાત પણ તેને સાંભળવી ગમતી નથી. ધર્મક્રિયાઓ કરવાથી સંસારનાં સુખો પ્રાપ્ત થાય છે અને પરલોકમાં સ્વર્ગાદિ સુખોનો વૈભવ પ્રાપ્ત થાય છે એવી વાત સાંભળીને તે ધર્મક્રિયાઓ કરવા તૈયાર થઈ જાય છે. આવો જીવ સાધુપણાનું કષ્ટ પણ વેઠી લેવા સજ્જ થાય છે. દુઃખથી છૂટવાના અને સાંસારિક સુખને પામવાના લક્ષથી કરાયેલી આવી સાધુક્રિયાઓ મોક્ષપદની પ્રાપ્તિ કરાવતી નથી. સ્વરૂપના લક્ષ વિનાની એ અનંતી શુભ ક્રિયાઓ દેવ ગતિના સુખનો અનુભવ કરાવીને પણ સંસારમાં જ રખડાવે છે. સ્વરૂપ પામવાની તીવ્ર ઝંખના સહિત ધર્મક્રિયા થાય તો જ તે ભાવધર્મનું કારણ બને છે. તેથી એમ ફલિત થાય છે કે માત્ર બાહ્ય ક્રિયાથી તરાય નહિ, તરવા માટે મોક્ષનું - શુદ્ધ સ્વરૂપનું લક્ષ હોવું આવશ્યક છે. દ્રવ્યક્રિયા એ બહિરંગ ધર્મ છે અને તેની સફળતા અંતરંગ આશય ઉપર અવલંબે છે. જો અંતરંગ લક્ષ મોક્ષપ્રાપ્તિનું ન હોય તો માત્ર બહિરંગ ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત થાય નહીં.
ભવચક્રમાં આ જીવે અનંત વાર ક્રિયાઓ કરી છતાં તે તર્યો નહીં. તેનો અર્થ એમ નથી કરવાનો કે ક્રિયા નિરર્થક છે. સાચા લક્ષ્ય વિના કરેલી ક્રિયાનું મોક્ષાર્થે નિષ્ફળપણું છે એમ સમજવાનું છે. સારી વસ્તુનો પણ જો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો તેનાથી લાભ થતો નથી અને કેટલીક વાર લાભ થવાને બદલે નુકસાન થાય છે, પણ તેથી કંઈ એમ નથી કહેવાતું કે સારી વસ્તુ દ્વારા નુકસાન થયું છે. જેમ કે ઘી શરીરને લાભકારી છે - પુષ્ટિ આપે છે, પણ એને સો વાર ફીણીને જો ખાવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org