Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તો જીવ મરી જાય; તેથી કંઈ ઘીથી મરણ થાય છે એમ કહેવાતું નથી. ઘી ખાનારે સમજવું જોઈએ કે સો વાર ફીણેલું ઘી ઝેર બની જાય છે અને એ રીતે ઝેર બનેલું તે ઘી પ્રાણઘાતક બને છે, માટે ઘી ઝેર ન બની જાય એની કાળજી રાખવી જોઈએ. એ જ રીતે ધર્મક્રિયાઓ અમૃત સમાન જ છે, પરંતુ સંસારલક્ષે આચરેલ ધર્મક્રિયાઓ ઝેરરૂપ - વિષાનુષ્ઠાનરૂપ બને છે અને તેવી ક્રિયાઓથી આત્માનો વિસ્તાર થતો નથી.
મૂઠથી પકડવાની તલવારને જો કોઈ ધારવાળી જગ્યાએથી પકડે તો તીક્ષ્ણ ધારથી તેના આંગળા કપાય, પણ તેમાં તલવારનો દોષ નથી, પકડનારનો દોષ છે; તેમ સંસારની અભિલાષાથી કરાયેલી ધર્મક્રિયાઓથી મોક્ષપ્રાપ્તિ ન થાય તેમાં દોષ ધર્મક્રિયાનો નથી, પરંતુ તેનો અવળો ઉપયોગ કરનાર વ્યક્તિનો છે. અભવ્ય જીવો અનંત ધર્મક્રિયાઓ કરીને પણ મોક્ષ પામતા નથી, તેથી ધર્મક્રિયાઓ નિરર્થક છે એમ કહેવું ખોટું છે; પરંતુ સંસારભાવે થયેલી ધર્મક્રિયાઓથી મોક્ષપ્રાપ્તિ નથી એમ કહેવું યોગ્ય છે. ક્રિયાઓ જિનાજ્ઞા અનુસાર સ્વરૂપલક્ષે થાય તો તે અવશ્ય મોક્ષફળ આપે છે.
અભવ્ય જીવને સ્વરૂપનું લક્ષ ક્યારે પણ બંધાતું નથી, તેથી લક્ષ વગરની તેની ક્રિયા નિષ્ફળ નીવડે છે. દૂધપાકના લક્ષ વિના જો કંદોઈ દૂધ હલાવ્યા કરે તો માવો બની જાય, તેમ મોક્ષના લક્ષ વિના જો જીવ અનેક ધર્મક્રિયાઓ કરે તો દેવલોકરૂપ માવો પ્રાપ્ત થાય છે, પણ મોક્ષરૂપ દૂધપાક પ્રાપ્ત થતો નથી. જો કંદોઈ એમ કહે કે દૂધપાકના લક્ષના અભાવે દૂધપાક પ્રાપ્ત થયો નહીં, તેથી હવે માત્ર દૂધપાકનો લક્ષ રાખીશ અને હલાવવાની ક્રિયા નહીં કરું; તો શું દૂધપાક બનશે? દૂધપાકનું માત્ર લક્ષ કરવાથી તો કદી દૂધપાક પણ નહીં બને અને માવો પણ નહીં થાય! પૂર્વે દૂધપાકનું લક્ષ રાખ્યા વિના ફક્ત દૂધ હલાવવાથી માવો થઈ ગયો હતો. માત્ર એ ખૂટતું લક્ષ જ ઉમેરી દેવું જોઈએ, જેથી દૂધપાક પ્રાપ્ત થાય. એમાં દૂધ હલાવવાની ક્રિયાનો નિષેધ કરવો અનુચિત છે.
એકાંત નિશ્ચયવાદીને તપ-ત્યાગ પ્રત્યે અભાવ હોવાથી બે-ચાર શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો ટાંકીને પોતાને ન ગમતી ક્રિયાઓની, તપ-ત્યાગની પ્રવૃત્તિઓને નિરર્થક બતાવે છે. જો કે શાસ્ત્રોમાં મરુદેવી માતા આદિનાં દૃષ્ટાંતો અપવાદરૂપે જણાવ્યાં છે, પરંતુ એનું અવલંબન લઈ ધર્મક્રિયાઓનું ખંડન કરનાર જીવની સમજણ મિથ્યા છે. કોઈ માણસને ઉકરડામાંથી મોતી મળી જાય, તેથી એમ નિયમ ન બાંધી શકાય કે મોતી જોઈતું હોય તેણે ઉકરડો ફેંદવો જોઈએ; તેમ કોઈ જીવ ઉત્સર્ગમાર્ગને બદલે અપવાદમાર્ગે મોક્ષ પામ્યો હોય તો તેનું અવલંબન લઈને કે તેને નિયમ ગણીને કોઈ રાજમાર્ગ છોડી કેડીમાર્ગે ચાલે અને તેનામાં તેવી યોગ્યતા ન હોય તો તે તેના ગંતવ્ય સ્થાને પહોંચી શકે નહીં. વળી, જેઓ અપવાદમાર્ગ મોક્ષ પામ્યા હોય છે, તેમનો લક્ષ તો ઉત્સર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org