Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા૧૩૧
૯૫
ગુરુ પ્રત્યેના શુભ રાગથી આત્માનું સ્વરૂપ પ્રગટે એવું માનવું એ જ ભયંકર મિથ્યાત્વ છે, માટે દેવપૂજા આદિ શુભ ક્રિયાઓ કરવા યોગ્ય નથી એમ તેમનું કહેવું છે.
આ દલીલનો ઉત્તર આ પ્રમાણે છે - જિનપૂજા, ગુરુવંદન, પ્રતિક્રમણાદિ પુણ્યબંધનાં કારણ છે એ વાત નિઃસંદેહ છે. પૂજા, ઉપવાસ, વ્રતાદિ જે શુભ ક્રિયા છે તેનાથી શુભ પરિણામ ઉત્પન્ન થાય છે અને પુણ્યકર્મ નીપજે છે. શુભાશુભ વિકારરહિત જે શુદ્ધ પરિણામ છે, તેનાથી જ સંવર-નિર્જરા થાય છે. શુભ ક્રિયાઓ પુણ્યબંધનું કારણ હોવા છતાં પણ એ ક્રિયાઓ આત્માની વિભાવદશાને ટાળવામાં સહાયક નથી એમ કહેવું યોગ્ય નથી. મનુષ્યદેહનો યોગ, દેવ-ગુરુ-શાસ્ત્રનો યોગ વગેરે વિભાવદશાને ટાળવામાં સહાયક છે અને તે યોગ ધર્મક્રિયાથી ઉપાર્જન થયેલાં પુણ્યના કારણે મળે છે.
જ્ઞાનીઓએ માત્ર પુણ્યબંધના હેતુએ થતી ધર્મક્રિયાને સંસારવર્ધક ગણી છે; જ્યારે આત્મલક્ષે થતી ધર્મક્રિયાઓથી જે શુભ ભાવ થાય છે, તેનાથી બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય સંસારવર્ધક નથી થતું, પરંતુ તે વિભાવદશા ટાળવામાં સહાયક થાય છે. સ્વરૂપના લક્ષે જિનાજ્ઞા અનુસાર થતી ધર્મક્રિયાઓથી બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય એરંડિયા જેવું છે. પેટમાં ખૂબ મળ બાઝી ગયો હોય તે કાઢવા માટે એરંડિયું પીવામાં આવે છે. જો કોઈ એમ સલાહ આપે કે પેટમાં આટલો કચરો તો ભર્યો છે. એમાં નવો ક્યાં નાંખો છો? તો જેમ સલાહ આપનારો તે માણસ મૂર્ખ ઠરે છે, તેમ પુણ્યાનુબંધી પુણ્યને સર્વથા હેય કહેવું તે અયથાર્થ છે. પેટના તમામ કચરાને કાઢવાનું સામર્થ્ય એરંડિયામાં છે અને એ એરંડિયાને કાઢવા માટે નવા કોઈ દ્રવ્યની જરૂર પડતી નથી, તે તો સ્વયમેવ નીકળી જાય છે. મળ નીકળી ગયા પછી જેમ એરંડિયું આપોઆપ નીકળી જાય છે, તેમ સ્વરૂપના લક્ષે થતી ધર્મક્રિયાઓથી ઉત્પન્ન થતું પુણ્ય, પાપના નાશમાં સહાયક થાય છે અને જ્યારે પાપ સર્વાંશે ક્ષય પામે છે ત્યારે પુણ્ય પણ પલાયન થઈ જાય છે. અલબત્ત, માત્ર પુણ્યબંધનો જ લક્ષ હોવો, પુણ્યથી જ કૃતકૃત્યતા માનવી એ અવશ્ય મિથ્યાત્વ છે. પુણ્યબંધના લક્ષે થતી ધર્મક્રિયાઓ તે વિષક્રિયા છે અને પાપાનુબંધી પુણ્યનું કારણ થતું હોવાથી તે હેય છે. સ્વરૂપલક્ષે થતી ધર્મક્રિયાઓથી બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય વિભાવદશા ટાળવામાં સહાયક થાય છે. તેથી જ શાસ્ત્રોમાં ઠેર ઠેર પુણ્યબંધની ઇચ્છાનો નાશ કરવાનું કહ્યું છે, કશે પણ પાપકર્મના નાશની જેમ પુણ્યને નાશ કરવાનું કહ્યું નથી.
યદ્યપિ જૈન દર્શનમાં પુણ્ય અને પાપ ઉભયના ક્ષયથી મુક્તિની પ્રાપ્તિ છે એમ કહ્યું છે, તથાપિ એ ખ્યાલમાં રાખવું ખૂબ જ અગત્યનું છે કે કાર્યના સિદ્ધિકાળમાં જે વસ્તુ હેય ગણાય છે, તે વસ્તુ કાર્યના સાધકકાળમાં નિયમો હેય જ હોય એવું એકાંતે નથી. જેમ કોઈ માણસને કાંટો વાગ્યો હોય ત્યારે તેને કાઢવા માટે સોયની આવશ્યકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org