Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
६०
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ પ્રમાણે પાંચ સમવાય કારણો મળવાથી કાર્ય ઉત્પન્ન થાય છે. પરસ્પરની અપેક્ષાવાળા પાંચ સમવાય કારણોના સમન્વયથી કાર્યની ઉત્પત્તિ થાય છે. સર્વ કાર્યો કાળાદિ પાંચ સમવાય કારણોથી ઉત્પન્ન થવાવાળાં છે. કુંભ, મેઘ, પ્રાસાદ આદિ સર્વ કાર્યોની ઉત્પત્તિમાં આ કાળાદિ કારણસમૂહ હેતુરૂપ બને છે. સમકિતરૂપી કાર્યમાં જે સમયે સમકિતની પર્યાય થવાની હતી તે જ સમયે તે પ્રગટ થઈ, તેથી તેમાં કાળ આવ્યો; સમકિતની પર્યાય નિજસ્વભાવના અવલંબને થઈ, તેથી તેમાં સ્વભાવ આવ્યો; જે પર્યાય સમકિતની પર્યાય થવાની હતી, તે જ પર્યાય સમકિતની પર્યાય થઈ એ ભવિતવ્યતા આવી; સમકિતની પર્યાયના કાળે કર્મના ઉપશમાદિ થયા, તેથી તેમાં પૂર્વકૃત આવ્યું અને સમકિતની પર્યાય પુરુષાર્થ વડે જ પ્રગટ થઈ, તેથી તેમાં પુરુષાર્થ આવ્યો. આમ, કાળાદિ પાંચ સમવાય કારણોથી દરેક કાર્યની ઉત્પત્તિ થાય છે. વિશ્વના પ્રત્યેક દ્રવ્યમાં કોઈ ને કોઈ કાર્ય પ્રતિસમય થતું જ રહે છે, તેમાં આ કાળાદિ કારણ જરૂર હાજર હોય છે. કોઈક જ વખત કાળાદિ સમૂહ હેતુરૂપ બને છે તેમ નહીં, દરેક વખતે, દરેક કાર્યમાં તે હેતુભૂત બને છે.
પ્રશ્ન થાય કે કાર્યની ઉત્પત્તિમાં કાળલબ્ધિ આદિ પાંચ સમવાય કારણોની કારણતા સ્વીકારી હોવા છતાં શાસ્ત્રકારોએ પુરુષાર્થનું જ પ્રધાનપણું કેમ બતાવ્યું છે? તેનું સમાધાન આ પ્રમાણે થઈ શકે –
મોક્ષનો ઉપાય બને છે ત્યાં પાંચ કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ પાંચ કારણો નથી મળતાં. પૂર્વોક્ત કારણો કહ્યાં તેમાં કાળલબ્ધિ અથવા ભવિતવ્યતા જેવી કોઈ વસ્તુ નથી, કારણ કે તે બે કોઈ વસ્તુભૂત પદાર્થ નથી. તેનું કોઈ સ્વતંત્ર રૂપ છે જ નહીં. જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્યતા. કાળલબ્ધિ એ એવા સમયનું નામ છે કે જ્યારે જે કાર્ય થવાનું છે તે સિદ્ધ થાય છે અને ભવિતવ્યતા એ કાર્ય છે કે જે તે કાળમાં સિદ્ધ થાય છે. હવે રહ્યાં સ્વભાવ અને પૂર્વકૃત. સ્વભાવ તો છે જ. તેની પ્રાપ્તિ માટે કંઈ કરવાનું રહેતું નથી. સ્વભાવ તો એક કાલાતીત તથ્ય છે. જે કર્મના ઉપદમાદિ છે તે તો પુદ્ગલની શક્તિ છે. તેનો કર્તા-હર્તા આત્મા નથી. જે પુરુષાર્થ કરવામાં આવે છે તેનો કર્તા-હર્તા આત્મા છે, માટે આત્માને પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રથમ ચાર અંગમાં જીવે કંઈ કરવાનું નથી અને શેષ પાંચમું અંગ પુરુષાર્થ તે જીવે કરવાનો છે, માટે તેનો ઉપદેશ આપવામાં આવે છે. કાર્યની સંપન્નતામાં પાંચ સમવાયોની સમગ્રતાનો સ્વીકાર કરવા છતાં પણ જીવે કરવા યોગ્ય તો એકમાત્ર પુરુષાર્થ જ છે, તેથી જીવે મોક્ષ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો જોઈએ એવો બોધ આપવામાં આવે છે.
આમ, પાંચ સમવાયની સમગ્રતાથી કાર્યની સંપન્નતા થાય છે, પરંતુ એ પાંચમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org