Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરી શકે નહીં. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અસ્તિરૂપે છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે નાસિરૂપે છે. કર્મ પોતે પોતાનાં સ્વદ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે અતિરૂપે છે અને આત્માનાં દ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે નાસ્તિરૂપે છે. આત્મા અને કર્મ નિજદ્રવ્યમાં નિજરસથી વર્તે છે. તે દ્રવ્યાંતરરૂપે અન્ય દ્રવ્યમાં સંક્રમણ પામતાં નથી. કર્મનો ઉદય આત્મદ્રવ્યમાં સંક્રમણ પામતો ન હોવાથી તે આત્માને પરિણાવી શકતો નથી.
વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી કર્મનું પરિણમન આત્મામાં વિકાર કરાવતું નથી. આત્મામાં વિકાર ઉપજાવી શકે એવું સામર્થ્ય કર્મમાં નથી. કર્મને એ અધિકાર જ નથી કે તે આત્માને વિકાર કરાવી શકે. વિકાર કરવો એ પોતાને આધીન છે. જીવ પોતે સ્વતંત્રપણે કર્મના ઉદયને આધીન થઈ વિકાર કરે છે. તેની પોતાની ભૂલના કારણે જ વિકાર થાય છે, કર્મના કારણે નહીં.
‘આ પ્રકારના કર્મના ઉદયમાં જીવ આવા ભાવ કરે છે' ઇત્યાદિ કથનો શાસ્ત્રમાં આવે છે, તેનું તાત્પર્ય એમ નથી કે કર્મ જીવને વિકાર કરાવે છે. તે તો નિમિત્તની મુખ્યતાથી કરેલાં કથનો છે. જીવ જ્યારે સ્વતંત્રપણે વિકારી ભાવ ઉત્પન્ન કરે છે તે સમયે નિમિત્તરૂપ દ્રવ્ય કર્યું હતું તેનું જ્ઞાન કરાવવા અને જીવની વિકારી ભાવરૂપ પર્યાયની જાતિ તથા તરતમતાનું જ્ઞાન કરાવવા માટે કર્મની પ્રધાનતાથી એવાં કથન કરવામાં આવે છે; નહીં કે જીવ કર્મને આધીન છે એવું સિદ્ધ કરવા. પરંતુ અજ્ઞાની જીવ પોતાની વિપરીત માન્યતા દૃઢ કરવા માટે શાસ્ત્રો વાંચીને પણ વિપરીત અર્થ કાઢે છે. પોતાની સ્વતંત્રતા સ્વીકારવાને બદલે તે પોતાને કર્મને આધીન માને છે. તે માને છે કે કર્મના ઉદયના કારણે પોતામાં વિકાર થાય છે, પોતાને બંધન થાય છે.
જો કર્મનો ઉદય જ્યારે જ્યારે આવે, ત્યારે ત્યારે આત્માએ વિકાર કરવો જ પડતો હોય તો આત્મા તો ક્યારે પણ નિર્વિકારી ન થઈ શકે. જો કર્મના ઉદયથી બંધ થતો જ હોય તો સર્વ સંસારી જીવોને કર્મનો ઉદય નિરંતર રહેતો હોવાથી સદાકાળ બંધ થયા જ કરે. જો એમ હોય તો પછી તો કોઈ પણ આત્મા કદી પણ કર્મથી આત્યંતિક છૂટો પડીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી શકે જ નહીં. કર્મના ઉદયથી વિકાર થાય અને વિકારથી કર્મનો બંધ થાય, વળી પાછા તેના ઉદયથી વિકાર થાય - એ જ પ્રમાણે પરંપરા ચાલ્યા કરે તો જીવનો મોક્ષ થાય જ નહીં. પરંતુ એમ છે જ નહીં. કર્મના ઉદયમાં જીવે અવશ્ય વિકાર કરવો જોઈએ એવો કોઈ નિયમ નથી. જીવ પોતાની ભૂલના કારણે ઉદયને વશ થઈને વિકાર કરે છે. પોતાના દોષે જ તેને બંધન છે. જીવ જો વિકાર ન કરે તો કદી પણ વિકાર ન થાય.
જો દોષ કર્મના કારણે થતો હોય તો કર્મ ટળે ત્યારે દોષ ટળે અને જીવના હાથમાં કાંઈ રહે નહીં. પરંતુ વસ્તુસ્વરૂપ એમ નથી. જીવ પોતે સ્વતંત્ર રીતે દોષ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org