Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૦
૪૯ પણ પોતે જ ન હોય, તેમ જ્ઞાનમાં બધું છે પણ પોતાના અસ્તિત્વની જ અનુપસ્થિતિ છે. જગતનું બધું જાણ્યું હોય પણ જો જાતને ન જાણી હોય તો બધું જાણેલું મિથ્યા છે. અનુપસ્થિત અસ્તિત્વ એ જ અધર્મ છે અને પોતાની ઉપસ્થિતિથી, પોતાના હોવાના પ્રકાશથી છલોછલ ભરાઈ જવું એ જ ધર્મ છે.
જીવે પોતાના અસ્તિત્વને પોતાના જ્ઞાનમાં ઉપસ્થિત કરવું જોઈએ. નિરંતર પોતાના અસ્તિત્વના બોધની જાગૃતિ રાખવી જોઈએ. કંઈ પણ કરતાં - સ્પર્શતાં, સ્વાદ લેતાં, સુંઘતાં, જોતાં કે સાંભળતાં અસ્તિત્વનો બોધ ટકવો જોઈએ. જીવને પોતાનો જ બોધ નથી, એક ક્ષણ પણ જાગૃતિપૂર્વક પોતાનું સ્મરણ રહેતું નથી; તેથી નિષ્ઠાપૂર્વક આત્મસ્મરણના પ્રયોગમાં મંડ્યા રહેવું જોઈએ. સતત પોતાના શુદ્ધાત્માનું સ્મરણ કરવું જોઈએ. પોતાની ત્રિકાળી શુદ્ધતા પ્રત્યે સજાગ થવું જોઈએ. આત્મસ્વભાવમાં સર્વત્ર ફેલાયેલી શુદ્ધતા પ્રત્યે સજાગ રહેવું જોઈએ.
જીવે સગુરુના બોધના બળ વડે પોતાના અભ્યાસમાં એવી સઘનતા લાવવી જોઈએ કે કોઈ પણ કામ એવું ન થાય, કોઈ પણ વાત એવી ન બને, કોઈ પણ વિચારણા એવી ન જાગે કે જેમાં ભીતર રહેલી શુદ્ધ ચેતનાનું વિસ્મરણ થઈ જાય. કોઈ પણ ઘટના વખતે એ સભાનતા જાળવી રાખવી જોઈએ કે ‘હું આ ઘટનાની જાણનાર છું. હું ત્રિકાળી, શુદ્ધસ્વરૂપી આત્મા છું અને આ ઘટનાનો કેવળ જ્ઞાયક છું.' જો તે આવી સભાનતા રાખશે તો તે કોઈ પણ ઘટનામાં બેહોશ નહીં થાય. જીવ જો ઘટના વખતે સભાન રહે તો જ્ઞાયકભાવ રહે છે અને જો બેહોશ રહે તો રાગાદિ ભાવ થાય છે. જો ઘરમાં માલિક જાગતો રહે તો ચોર પ્રવેશ કરી શકતો નથી. માલિકની નિદ્રા અવસ્થામાં જ ચોર ઘરમાં પ્રવેશી શકે છે. રાગાદિ ભાવ અટકાવવા માટે જીવે હોશપૂર્વક જીવવું જોઈએ, સભાનતાપૂર્વક જીવવું જોઈએ, અપ્રમાદી રહેવું જોઈએ. આમ કરતાં જીવને એવો અનુભવ થાય છે કે જીવનમાં જે કાંઈ ખોટું થઈ રહ્યું હતું, તે પોતે સભાન ન હતો માટે જ થઈ રહ્યું હતું. જો તે સમગ્રપણે સજાગ થઈ જાય તો મુક્તિ હાથવેંતમાં છે. મુક્તિ અર્થે જીવે આત્મજાગૃતિ કેળવવાનો અથાક અભ્યાસ કરવો ઘટે છે.
આમ, ચિત્તને આત્મામાં એકાગ્ર કરીને રાગ-દ્વેષનો નિરોધ કરવો તે સત્ય પુરુષાર્થ છે. કર્મના ઉદય અનુસાર બાહ્ય પરિસ્થિતિઓમાં પરિવર્તન આવ્યા જ કરે છે. ઇન્દ્રિયો અને મન દ્વારા તેને જાણવાનું કામ પણ થયા જ કરે છે. તેવા પ્રસંગે ‘પરમાં થતા પરિવર્તનથી આત્માને કંઈ પણ લાભ-નુકસાન નથી, કારણ કે જડથી ચેતન સર્વ પ્રકારે ભિન્ન છે' - આવા ભાનપૂર્વક ચિત્તને આત્મામાં સ્થિર કરી, સંકલ્પ-વિકલ્પમાં જતું રોકવું તે સત્ય પુરુષાર્થ છે. આવી રીતે કર્મના ઉદયમાં જો જીવ ઇષ્ટ-અનિષ્ટની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org