Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તો થાક લાગે છે. તેને પોતાની પ્રશંસા ગમે છે, પણ ભગવાન આત્માની પ્રશંસા નથી ગમતી. તેને પોતે કરેલાં કાર્યોની યશોગાન સાંભળવામાં મજા આવે છે, પણ ભગવાન આત્માનાં યશોગાનમાં મજા આવતી નથી. પચાસ લાખ રૂપિયાનું જોખમ લઈને રાતના સમયે જો ટ્રેનમાં મુસાફરી કરતો હોય તો તેને ઝોકાં કે ઊંઘ આવતાં નથી અને દિવસે આત્માની વાત સાંભળતાં ઝોકાં આવે છે; તેથી એમ ફલિત થાય કે તેને આત્મા વહાલો નથી, પણ ધન વહાલું છે.
આથી વિપરીત, જેને આત્માની જ રુચિ હોય છે તેને માત્ર આત્માની જ વાત ગમે છે. આત્મામાં રુચિનું સ્થાપન થયું હોવાથી આત્માની ચર્ચા-વિચારણામાં એકલતા આવે છે. આત્મા અનંત ગુણનિધાનનો સ્વામી છે એવું આત્માનું મહિમાગાન થાય ત્યારે તેને અંતરમાં લાગે છે કે તે આત્મા હું પોતે જ છું.' આત્માની વાતમાં મારી વાત ચાલે છે' એવો ઉમંગ અને પ્રસન્નતાનો ભાવ આપોઆપ વહેવા લાગે છે અને તે તેમાં એકાગ્ર થઈ જાય છે. આત્મા આનંદનો કંદ છે એવી વાત સાંભળતાં તેને આનંદની ધારા ફૂટે છે. આત્મા આનંદનો રસકંદ, જ્ઞાનનો ઘનપિંડ, શાંતિનો સાગર, અનંત શક્તિઓનો સંગ્રહાલય છે. આવા આત્માના મહિમાથી તેનું ચિત્ત અભિભૂત થઈ જાય છે. આત્માના સંપૂર્ણ વૈભવની વાત સાંભળતાં તેની ચિત્તવૃત્તિઓ એવી ઉલ્લસિત થઈ જાય છે - જેવી ધનના પ્રેમીની વૃત્તિ જગતનો કોઈ નિધિ મળવાથી ઉલ્લસિત થઈ ઊઠે છે. ભગવાન આત્મા’ શબ્દ સાંભળતાં જ તે રોમાંચિત થઈ ઊઠે છે. ભગવાન આત્માનું નામ સાંભળતાં જ તે ગદ્ગદ થઈ જાય છે. ભગવાન આત્માનું નામ સાંભળીને તેનું હૃદય આંદોલિત થઈ જાય છે.
પરમાર્થની અનન્ય ઇચ્છા જેને પ્રગટી છે તેવા મુમુક્ષુને સદ્ગુરુ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળતાં જ અપૂર્વ ભાવ જાગે છે કે “અહો! આવું મારું સ્વરૂપ છે! આવો મહાન શાંતિ, આનંદ, પ્રભુતા આદિથી ભરેલો ચૈતન્યખજાનો મારા પોતામાં જ ભર્યો છે.' સ્વરૂપની વાત સાંભળીને તેને અતિશય રોમાંચ થાય છે. તેને આત્માનો અપૂર્વ મહિમા ભાસે છે અને આવું આત્મસ્વરૂપ બતાવનાર સદ્ગુરુનો તે અપાર ઉપકાર માને છે. તેને આત્માની એવી ધૂન લાગે છે કે “મારું આવું આત્મસ્વરૂપ કોઈ પણ પ્રકારે હું અનુભવી લઉં. એ સિવાય મને બીજે કશે પણ ચેન પડશે નહીં કે શાંતિ મળશે નહીં. અત્યાર સુધી હું પોતે પોતાને ભૂલીને ભટક્યો છું, પણ હવે પોતાને અનુભવી લઉં.' તે આત્માનુભૂતિને એવો ઝંખતો થઈ જાય છે કે જેમ ખેડૂત વરસાદને ઝંખે અને બાળક પોતાની માને!
સદ્ગુરુનો ઉપદેશ ઝીલતાં ઝીલતાં તેના વિચાર-વિવેક વધતા જાય છે. તેને ખ્યાલ આવતો જાય છે કે આત્માનુભૂતિ માટે તેણે અંતરમાં શું કરવાનું છે. માર્ગ જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org